Dakshin Gujarat

માંડવીના કાકરાપાર ડેમ પરથી 1 લાખ ક્યુસેક પાણી વહેતાં નીચાણવાળાં 22 ગામો એલર્ટ

માંડવી: (Mandvi) શુક્રવારે ઉકાઈ ડેમમાંથી (Ukai Dam) 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. એ જોતાં કાકરાપાર ડેમ પરથી પણ 1 લાખ ક્યુસેક ઈનફ્લો છે. કાકરાપાર ડેમની સપાટી 164.20 હોવાથી 5 ફૂટ ઉપરથી પાણી તાપી નદીમાં (Tapi River) વહી રહ્યું છે. આમ, માંડવી તાલુકાનાં નીચાણવાળાં ગામોને વહીવટી તંત્રએ 22 ગામો જેવાં કે બલાલતીર્થ, કાકરાપાર, વરેઠી, નાનીચેર, મોટીચેર, રતનીયા, તરસાડાબાર, માંડવી, તરસાડા ખુર્દ, પુના, કાકડવા, વરજાખણ, ઝાંખલા, ખેડપુર, ઉન, કોસાડી, ઉમરસાડી, કમલપોર, વરેલી, પાટણા, બૌધાન વગેરે એલર્ટ કરાયાં હતાં. અને પ્રાંત અધિકારી ડો.જનમ ઠાકોર, મામલતદાર મનીષ પટેલ કર્મચારીઓની ટીમ બનાવી સતત રાઉન્ડ ક્લોક મોનિટરિંગ કરી રહ્યા હતા. તેમજ માંડવી રિવરફ્રન્ટ પણ પાણીમાં ગરકાવ થયો હતો. જેને જોવા નગરજનો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા. ઉપરાંત માંડવી પીએસઆઈ પી.ડી.ગોંડલીયાએ રિવરફ્રન્ટ, રામેશ્વર, સામેશ્વર, કોસાડી કોઝવે, મુંજલાવ વગેરે સ્થળે તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતાં હરિપુરા કોઝવે ફરી પાણીમાં ગરક

બારડોલી: ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. તંત્ર દ્વારા ડેમની સપાટી જાળવી રાખવા માટે શનિવારથી પાણી છોડવાનું શરૂ કર્યું છે. 90 હજાર 230 ક્યુસેક પાણીની આવક સામે 72 હજાર 769 પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે ઉકાઈ ડેમની નીચાણ વાળા વિસ્તારોમાં તાપી નદીમાં પાણીની સપાટી સતત વધી રહી છે. શનિવારે સવારથી નદીમાં પાણી છોડવામાં આવતા કડોદ નજીક આવેલો હરિપુરા કોઝવે ફરી એક વખત ડૂબી ગયો હતો. આ કોઝવે ડૂબી જવાથી માંડવી તાલુકાનાં દસથી બાર ગામોનો કડોદ અને બારડોલી સાથેનો સીધો સંપર્ક કપાઈ ગયો હતો. સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા કોઝવે તરફ જવાના રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.

અંકલેશ્વરમાં દસ કલાકમાં દોઢ ઇંચ વરસાદ

ભરૂચ: ભરૂચ જિલ્લામાં સપ્ટેમ્બર મહિનો ધરતીપુત્રો માટે વરસાદથી ફળદાયી બન્યો છે. ભરૂચ જિલ્લામાં સપ્ટેમ્બર મહિનામાં ૨૫ દિવસમાં ૪૫.૯ ટકા વરસાદ પડ્યો છે. શનિવારે ૧૦ કલાકમાં સૌથી વધારે અંકલેશ્વરમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. શનિવારે ધોલી ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો હતો. શનિવારે સવારે ૬થી ૪ વાગ્યા સુધીના ૧૦ કલાકમાં અંકલેશ્વરમાં ૩૮ મીમી, ભરૂચમાં ૧ મીમી, હાંસોટમાં ૯ મીમી, વાલિયામાં ૬ મીમી અને સૌથી વધારે ઝઘડિયામાં ૧ મીમી વરસાદ પડ્યો હતો. બલદેવા ડેમમાં પાણીની સપાટી વધીને ૧૩૮.૯૮ મીટર, પીંગોટમાં ૧૩૭.૯૦ મીટર અને ધોલી ડેમમાં ૧૩૬ મીટર પાણીની સપાટી થઇ છે. બલદેવા ડેમમાં ૫૫.૩૪ ટકા, પીંગોટ ડેમમાં ૬૭,૨૮ ટકા અને ધોલી ડેમમાં ૧૦૦ ટકા પાણી ભરાયું છે.

Most Popular

To Top