Entertainment

તુલસીદાસ જુનિયર

એક જમાનામાં જ્યારે આપણે રમતગમતના ક્ષેત્રમાં હોકી સિવાય બધામાં માર ખાતા હતા ત્યારે માઈકલ ફરેરા અને ગીત સેઠી જેવાએ ઇન્ટરનેશનલ ચેમ્પિયન બનીને બિલિયર્ડ્સ જેવી કોઈ રમત છે એવો ખ્યાલ આપેલો. પછી તો પદ્મ ભૂષણ પંકજ અડવાણીએ 23 ઇન્ટરનેશનલ બિલ્યર્ડઝ અને સ્નૂકર ટાઇટલ જીતીને દુનિયામાં સિક્કો જમાવી દીધો. તો પણ મોટા ભાગના લોકોને ક્યુ સ્પોર્ટસ કહેવાતા પૂલ, બિલ્યર્ડઝ અને સ્નૂકર વિષે વધુ જાણકારી હોતી નથી. એટલે સ્નૂકર પર કોઈ ફિલ્મ આવે અને તે આજની ફેશન પ્રમાણે પંકજ જેવાની બાયોપિક ન હોય તો નવાઈ તો લાગે જ.

તુલસીદાસ જુનિયરની સારી વસ્તુ એ છે કે રમતના નિયમોમાં ઊંડા ઊતરીને પ્રેક્ષકોને ગૂંચવવાનો કોઈ પ્રયાસ આમાં કરવામાં આવ્યો નથી પણ ‘લગાન’ કે ‘ચક દે ઇન્ડિયા’ની જેમ એક સરળ વાર્તા લઈને રમતની આસપાસ ગૂંથીને જોવાલાયક ફિલ્મ બનાવવામાં આવી છે. ‘રામ તેરી ગંગા મૈલી’નો હીરો અને ઋષિ કપૂરનો નાનો ભાઈ રાજીવ કપૂર આ ફિલ્મમાં 30 વર્ષ પછી તુલસીદાસ તરીકે પુનરાગમન કરે છે.

કમનસીબે તેના અકાળ અવસાનને લીધે આ ફિલ્મ તેની છેલ્લી ફિલ્મ બની ગઈ. તુલસીદાસ સ્નૂકરનો એક સારો ખેલાડી છે, પણ થોડા વર્ષોથી એ જિમી ટંડન(દલીપ તાહિલ) સામે કલકત્તા સ્નૂકર ક્લબની ફાઇનલમાં હારી જાય છે. એ એના 2 દીકરાઓમાંથી નાના દીકરા મેડી (વરુણ બુદ્ધદેવ)ને ખાસ પ્રેમ કરે છે અને મેડી માટે પણ એનો પિતા એનો હીરો છે. તુલસીદાસ આર્થિક મુશ્કેલીઓ અને શરાબની લતથી પણ પીડાય છે, જેને કારણે એની પત્ની અને બાળકો દુઃખી છે. ફરી એક વાર તુલસીદાસ રિસેસમાં શરાબ પીવાને કારણે જિમી સામે હારી જાય છે. એટલે મેડી પોતાના પિતા માટે આ ચેમ્પિયનશિપ જીતવાનું નક્કી કરે છે.

મેડીનો મોટોભાઈ એને ક્રિકેટર કે ટેનિસ પ્લેયર બનાવવા માંગે છે, જેથી પૈસા કમાઈ શકે પણ મેડીને તો રસ પોતાના પિતાને યશ અપાવવામાં જ છે. પોશ કલકત્તા ક્લબમાં એને રમવા મળતું નથી કારણ કે મોટા ભાગના લોકો એવું માને છે કે એ તો બાળક છે અને ફાડી નાખશે – સ્નૂકર ટેબલનું કપડું! મેડી ગરીબ ચીંથરેહાલ વિસ્તારની વેલિંગટન ક્લબ પહોંચે છે અને ત્યાં રમવાનું શરૂ કરે છે. ત્યાં એની મુલાકાત એક જમાનાના નેશનલ ચેમ્પિયન મોહમ્મદ સલામ (સંજય દત્ત) સાથે થાય છે. સલામભાઈ મેડીને રમત ઉપરાંત ખેલદિલી અને ધીરજના પાઠ ભણાવે છે અને મન કેન્દ્રિત કરતા શીખવે છે. રમતના સ્ટ્રોકને એ અમિતાભ, રજનીકાંત અને મિથુનની લડાઈ પદ્ધતિ સાથે સરખાવે છે.

અંતમાં અપેક્ષિત રીતે મેડી જીમીને હરાવી ચેમ્પિયન બને છે અને તેના પિતાને ટ્રોફી લેવાનો અવસર આપે છે. રાજીવ કપૂર, દલીપ તાહિલ અને સંજય દત્ત તેમના રોલમાં સરસ છે પણ ફિલ્મનો મુખ્ય હીરો છે મેડી બનતો વરુણ! આ કલાકાર મીઠડો તો લાગે જ છે પણ એની અદાકારી પણ સહજ છે. ફિલ્મ સાફસૂથરું મનોરંજન પૂરું પાડે છે. લેખક દિગ્દર્શક મૃદુલ છેલ્લે જણાવે છે કે એ પોતે જ મેડી છે અને આ એની વાર્તા છે.

Most Popular

To Top