Columns

આકાશમાંના અનુભવો વડે પૃથ્વીની હવા, પાણી, ખોરાકની સમસ્યા ઊકેલી શકાશે

વર્ષ 2013માં વિજ્ઞાની – સંશોધક એન્જેલો વર્જીલન અને એમની ટીમ એવી રીતે રહી હતી કે જાણે મંગળ ગ્રહ પર રહેતા હોય. આ નાસાનો એવો પ્રથમ પ્રોજેકટ હતો, જેમાં પૃથ્વી પર મંગળ ગ્રહ પરની સ્થિતિ અથવા તેની નજીકની સ્થિતિ પેદા કરી વિજ્ઞાની સંશોધકોની ટુકડીએ 6 મહિના ગાળવાના હતા. આ એક સિમ્યુલેશન પ્રોજેકટ હતો. તેમાં 6 મહિના જીવવાથી અવકાશયાત્રીઓ અને માનવીઓ ખરેખર મંગળ પર રહેવા જાય તો કેવી રીતે સ્થિતિઓ અને તકલીફોનો સામનો કરવાનો રહેશે તેનું જ્ઞાન એડવાન્સમાં મેળવી શકાય અને તે માટેની જરૂરી તૈયારીઓ થઇ શકે. ‘હાઇ – સીઝ – વન’ નામક આ કૃત્રિમ અવકાશ સંશોધનના ક્રુ કમાન્ડર તરીકે એન્જેલો હતા. એમણે એમના પ્રયોગો અને અનુભવો લખ્યા છે. તે ઘણા એક સારા ભવિષ્યની આશા બંધાવે છે. આ સંશોધનોના પરિણામો પૃથ્વી પરના માનવ જીવનને પણ વધુ બહેતર બનાવવાની દિશામાં મદદરૂપ બનશે.

એન્જેલોની ટીમનું મુખ્ય સંશોધનકાર્ય મંગળ પર ખોરાક અને ખોરાકને રાંધવા, આરોગવાની વ્યવસ્થા કેવી રીતે કરવી? મંગળ પર શરૂઆતમાં જે ખોરાક લઇ જવાનો હશે તે પૃથ્વી પરથી જ લઇ જવો પડશે. ત્યાં કશુંક ઊગાડવું હશે તો પણ એક પ્રચંડ ચેલેન્જ હશે. અનેક અવરોધો નવી ટેકનોલોજીઓ વિકસાવીને અને કેટલીક જૂનીનો ઉપયોગ કરીને વટાવવા પડશે. અહીંથી જે ખોરાક લઇ જવાશે તે સુકા, પાણી રહિત બનાવેલા શાકભાજી અને ફ્રીજમાં સુકાયેલુ મીટ હશે. મંગળ પર સામાન પહોંચાડવાની મહામુસીબતને કારણે ત્યાં જે ખાદ્ય સામગ્રી લઇ જવાશે તેની વિવિધતા ખૂબ મર્યાદિત હશે. તેને પરિણામે સતત લગભગ એક જ પ્રકારનો ખોરાક લાંબો સમય સુધી આરોગવો પડે.

Researchers ttest spacesuits on a simulated Mars surface during a training session at Moscow’s Institute for Medical and Biological Problems. An international crew will launch a 520-day mission to simulate a flight to Mars on Thursday.

તેથી એક  જાતનો અણગમો અને કંટાળો પેદા થાય. એ ખોરાક પ્રત્યેથી મમતા ઉઠી જાય, પરંતુ શકિત અને સ્વાસ્થ્ય જાળવવી રાખવા ખોરાક તો લેવો જ પડે. એકના એક ખોરાક તરફ પ્રીતિ નહીં રહેવાની સ્થિતિને વિજ્ઞાનીઓની ભાષામાં ‘ફૂડ ફટીંગ’ કહે છે. જેમાં એક સરખા, અગાઉ લાંબા સમયથી તૈયાર કરેલો ખોરાક વારંવાર ખાવાથી એક સમયે અરોગનારની પાચનશકિત અને ભૂખ બન્ને બંધ પડી જાય છે. પ્રયોગો દરમિયાન એન્જેલોની ટીમને પણ આવો અનુભવ થયો.

પરંતુ હંમેશા કપરી સ્થિતિઓ જ કોઇક નવો માર્ગ, નવી પધ્ધતિ કે ટેકનોલોજી શોધવા માટે પ્રોત્સાહક બનતી હોય છે. અવકાશ સંશોધનોમાં કેટલીક સ્થિતિઓ વિરલ અને અત્યંત પડકારરૂપ હોય છે. અનેક મર્યાદાઓ વચ્ચે તત્કાળ એવો ઉપાય શોધવાની ઘડી આવી ચડે જે ઘડી કે સ્થિતિ અગાઉ કલ્પના પણ ન કરી હોય. એવી તાકીદની સ્થિતિમાં શ્રેષ્ઠ બુધ્ધિશાળી વિજ્ઞાનીઓ વિજ્ઞાનની મર્યાદામાં રહીને કોઇક માર્ગ શોધી શકે. વળી તે અમુક સમયમાં જ અને પોતાની પાસે જે સાધનો અને સ્ત્રોત હાજર હોય તેના વડે જ શોધવાનો હોય. એપોલો – 13 મિશન પ્રવાસ દરમિયાન અકસ્માતને કારણે સંશોધનોને બદલે અવકાશયાત્રીઓના જાન બચાવવાનું કટોકટીભર્યું મિશન બની ગયું હતું.

આ ઘટનાને સંપૂર્ણ સત્ય સાથે આલેખતી ફિલ્મ ‘એપોલો – 13’ વિજ્ઞાનમાં રસ હોય કે ન હોય તે તમામ લોકોએ જોવી જોઇએ. કારણ કે કટોકટીની સ્થિતિમાં ધૈર્ય ન ગુમાવવાનું અમૂલ્ય જ્ઞાન આ ફિલ્મ આપે છે અને આજકાલ વારંવાર બોલાઇ રહેલા એ તકિયા કમાલને પણ પુરવાર કરે છે, જેમાં કહેવામાં આવે છે કે ‘કોશિશો કરનારની હાર થતી નથી.’ આ જ્ઞાનને પ્રત્યક્ષરૂપે અનુભવવા માટે પણ આ ફિલ્મ જૂની છે છતાં તેની વિડિયો મેળવીને કે અન્ય રીતે અચૂક જોવી જોઇએ. આવા બધા સફળ કે અસફળ મિશનો અને સંશોધનો આપણને ભવિષ્ય માટે તૈયાર કરે છે. તેથી કોઇ મિશન કે સંશોધનોને ફેઇલ્ડ અથવા નિષ્ફળ ગણાવી શકાય જ નહીં. ફેઇલ્ડ મિશન માત્ર એને જ ગણાવી શકાય જે કયારેય હાથ ધરવામાં આવ્યું હોતુ નથી.

તો હવાઇ ટાપુ પરના સંશોધનો ફળદાયી જ નીવડવાના હતા. તે મૂળ વાત પર આવીએ તો માનવીએ અવકાશમાં પૃથ્વીથી માત્ર 400 Km દૂર ફરી રહેલા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનો પર ઘણા મહત્વના સંશોધનો પાર પાડયા છે. મંગળ તો જોજનો દૂર છે પણ સ્પેસ સ્ટેશન પર વસતા વિજ્ઞાનીઓ, ટેકનિશિયનો માટે ખોરાકનો પુરવઠો સતત મોકલવો પડે છે. તેના અનુભવો જણાવે છે કે પુરવઠો મોકલવાનું શકય તો છે જ તેમ ખર્ચાળ પણ ખૂબ છે. અવકાશમાં જેમ વધુને વધુ દૂર કે ઊંડા જઇએ તેમ તેમ સ્થિતિઓ વધુ અઘરી બને. તે માટે નવી યોજનાઓ વિકસાવવી પડે અને તે દિશામાં સતત સંશોધનકામ ચાલતું રહે છે. કારણ કે હવે પછીના 2થી 3 દશકમાં માનવીને મંગળ પર પહોંચાડવાનું લક્ષ્યાંક છે.

સારી વાત એ છે કે આ સંશોધનોનો ફાયદો પૃથ્વી પરના લોકોને પણ મળવાનો છે. જો એ ટેકનોલોજીઓ, ઉપાયોનો પૃથ્વી પર ઉપયોગ કરવામાં આવે તો અમુક દુર્ગમ પ્રદેશોમાં ખોરાકની ઉપલબ્ધિ મુશ્કેલ બની જાય છે તે સમસ્યાનું પણ નિવારણ થઇ શકે તેમ છે. એન્જેલોના સંશોધનોની આ પણ એક ફળશ્રુતિ છે. હમણા રશિયા – યુક્રેન યુદ્ધ અને કોરોના સંકટ બન્નેને કારણે પૃથ્વી પરની અન્ન અને ખોરાકની પુરવઠા વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે. કૃત્રિમ અછતને કારણે અન્ન અને બીજી કોમોડીટીઓની કિંમતો ઊંચે ગઇ છે. મોંઘવારી વધી છે અને સામાન્ય જનજીવન સામાન્ય રહ્યું નથી, દુષ્કર અને દોહયલું છે પરંતુ ભવિષ્યમાં અન્ન પુરવઠા બાબતે માનવજાતને સુરક્ષિત બનાવવા માટે હાલના સંશોધનો મદદગાર નીવડશે.

અવકાશમાં કોઇક કારણોસર અન્નનો પુરવઠો ઉપલબ્ધ ન પણ બને. શકયતા કરતા અશકયતા વધારે ઊંચી રહેતી હોય, ત્યારે ખોરાકનો વૈકલ્પિક પુરવઠો ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા કરવી અનિવાર્ય બને છે. વિજ્ઞાનીઓ આ સ્થિતિમાં ખોરાકનું એક પૂર્ણ ચક્ર અજમાવવા માગે છે. અર્થાત માનવીના ઉત્સર્જન, મળ, મૂત્ર, પસીનો વગેરેને એકત્ર કરતા રહી તેમાંના તત્વો, ઘટકો અને પદાર્થોનો ઉપયોગ પાકને પોષણ આપવા, અવકાશમાં પ્રાણવાયુ અને તાજું પાણી પ્રાપ્ત કરવા માટે કરી શકાય છે અને કરવામાં આવશે. અમુક ઘટકો પાકને પોષક ખાતર અને જૈવિક ખોરાક પૂરો પાડવા માટે વાપરી શકાશે.

આપણી પૃથ્વી પરની ખોરાકની સાઇકલ આ રીતે જ ચાલે છે, તેથી તે વિષે કોઇ નવાઇ નથી પરંતુ પૃથ્વી પર મોટા વેડફાટ સાથે ગઇ સદી સુધી આ ચક્રો પોતાની મેળે જ ચાલતા હતા. હવેની વ્યવસ્થામાં તમામ ઘટકો અને દ્રવ્યોનો પૂરેપૂરો અને વારંવાર ઉપયોગ થશે. ખાતરમાંથી ખોરાક અને ખોરાકમાંથી ખાતર. કોઇ વેડફાટ નહીં. આમ થાય તો ઓછો સપ્લાયમાં પણ ઘણું કામ ચાલતું રહે. વિજ્ઞાનની ભાષામાં આ સ્થિતિને ‘મોલેકયુલર સસ્ટેનિબિલિટી’ કહે છે, જેને આપણે ‘જૈવિક અથવા તાત્વિક આધારચક્ર કે ચક્ર’ કહી શકીએ. અનેક બાબતમાં આ ચક્રો અપનાવી શકાય. એક ઉદાહરણ ‘માઇક્રો – ઇકોલોજિકલ લાઇફ સપોર્ટ સિસ્ટમ ઓલ્ટરનેટિવ’ અર્થાત ‘મેલિસ્સા’નું છે.

આ કાર્યક્રમ યુરોપિયન સ્પેસ એજન્સી સાથે મળીને 14 ભાગીદાર દેશો દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. તેમાં જીવનને અને દરેક જૈવિક અસ્તિત્વને ટકાવી રાખવા માટે કમસે કમ 5 આવશ્યક બાબતોને સાંકળી લેવામાં આવે છે. તેને ઇકોસિસ્ટમના 5 જરૂરી વિભાગો કહી શકાય. તે ચક્રને ફરતું રાખવા માટે તેમાં અલગ અલગ પ્રકારના જૈવિક અસ્તિત્વો (સાદી ભાષામાં કહીએ તો જીવાણુઓ) પોતપોતાની કુદરતી પ્રકૃતિ અનુસાર મદદરૂપ બનતા હોય છે અને એ પ્રકૃતિ અલગ અલગ સ્વરૂપમાં હોય છે. સાથે તબકકાવાર કામ કરીને એ ચક્રને ફેરવવામાં તેઓ સહયોગ આપે છે.

આ જૈવિક પ્રવૃત્તિઓને બાયો – રીએકટરોમાં ત્વરિત કામ કરતી બનાવી, એ ચક્ર ઝડપથી ફેરવી શકાય છે. ખોરાકના કચરાને વધુ ઝડપથી અને પૂર્ણપણે ફરીથી ખોરાકમાં ફેરવી શકાય છે. ‘મેલ્લિસા’ સાથે 50 જેટલી વિજ્ઞાન સંશોધન સંસ્થાઓ જોડાયેલી છે. તેના પ્રયોગો ઊંદરો પર થયા છે, જેમાં ઊંદરોના પેશાબ અને કાર્બનડાયોકસાઇડ જેવા વિસર્જનોને એકઠા કરી તેનો ઉપયોગ પાકો ને ફરીથી ઊગાડવા તેમજ ખાઇ શકાય એવી બારીક શેવાળ ઊગાડવા માટે થાય છે.

જૈવિક ચક્રમાંના તમામ ઘટકોનો સંપૂર્ણ સદુપયોગ પૃથ્વી પર કરવામાં આવે તો? આપણે પૃથ્વી પર 40 % ખોરાક વેડફી નાખીએ છીએ. કુદરતી રીતે પણ અમુક કચરાનું ચક્ર પૂર્ણ વપરાયા વગર ફરતું રહે છે અને આપણે તેની નોંધ પણ લેતા નથી. જો આપણે આપણા ફોકસની વિન્ડો વધુ પહોળી અને સમયની દૃષ્ટિએ વધુ સમયને આવરી લેતી બનાવીએ તો કુદરતના તમામ ઘટકોનું ઇકોલોજી ચક્ર પૂર્ણપણે કાર્યક્ષમ રીતે ચાલતું જ હોય છે.

તેમાં એક ચક્રને એક ચકરડું પૂરું કરવામાં કયારેક દિવસો, કયારેક મહિનાઓ તો કયારેક યુગો લાગી જતા હોય છે. પૃથ્વી પરનું ખોરાકનું એક ચક્ર તો મહિનાઓમાં એક પૂરો આંટો ફરી જતું હોય છે. તેને કાર્યક્ષમ બનાવીએ તો પૃથ્વી પર દર વર્ષે 130 અબજ ટન ખોરાક કચરામાં ફેંકી દેવાય છે, તેનો પૂરેપૂરો કસ વારંવાર કાઢવામાં આવે તો ખોરાકની કોઇ સમસ્યા રહે જ નહીં. આધુનિક ટેકનોલોજીઓ વડે ખોરાકને એ જગ્યાએ ઊગાડી શકાય, જ્યાં તેની વધુ જરૂર હોય છે. તેથી પુરવઠાની સમસ્યા પણ ન પડે.

જે પધ્ધતિઓ અન્ય ગ્રહો પર જઇને વાપરવાની છે તે પધ્ધતિ આપણા પોતાના જ સ્વગૃહ –  ગ્રહ પર વાપરીએ તો ભલે કચરાને 100 % રિસાયકલ ન કરી શકીએ તો પણ વૈકલ્પિક ખોરાક તરીકે તે ઘણો જ ઉપયોગી નીવડશે. આજકાલ વિદેશોમાં લેબોરેટરીઓમાં ઊગાડેલું મીટ મળવા લાગ્યું છે. તે અહિંસક છે. તેમાં કોઇ જીવની હત્યા થતી નથી. જો કે લોકોને તેના તરફ અણગમો કે સુગ ઉપજે છે, તેથી આરોગતા નથી પણ ભવિષ્યની પેઢીને તે બાળપણથી મળશે તો એક સમયે સ્વીકારતી થશે. એન્જેલો વર્ચુલન કહે છે કે, ‘પૃથ્વીથી દૂર જઇ, ત્યાંથી પૃથ્વીને અને તેની સમસ્યાઓને નીરખીએ તો આપણે કેટલીક બાબતોને વધુ સ્પષ્ટ રીતે જોઇ શકીએ છીએ. એના ઉપાયો પણ સ્પષ્ટ રીતે જોઇ શકાય છે.’ કોણ કહે છે કે વિજ્ઞાન કુદરત તરફ લઇ જતું નથી, વધુ સ્પષ્ટ રીતે લઇ જાય છે.

Most Popular

To Top