Editorial

ઉદ્દંડપણુ કરીને ટ્રમ્પ મોટી મુશ્કેલીમાં ફસાઇ ગયા છે

એવું લાગે છે કે માજી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કદાચ અત્યાર સુધીના સૌથી વધુ ચર્ચિત અમેરિકી પ્રમુખ બની રહેવાનો પણ વિક્રમ સર્જશે. આ ટ્રમ્પ મહાશય ફરી એક વાર ચર્ચામાં આવી ગયા છે. થોડા મહિનાઓ પહેલા જ તેમની સામે પોતાના ભૂતકાળના જાતીય સંબંધોની વાત ખુલ્લી નહીં પાડવા માટે ચૂંટણી ટાણે એક મહિલાને મોટી નાણાકીય રકમ ગેરકાયદે રીતે આપવા બદલ ન્યૂયોર્કની એક અદાલતમાં આરોપનામુ મૂકાયું હતું.

તે સમયે ટ્રમ્પની ટેકનીકલ ધરપકડ પણ થઇ હતી. હવે આ જ ડોનાલ્ડ ટ્રમ્પ સામે વર્ગીકૃત દસ્તાવેજો બાબતમાં જાસૂસી કરવા સહિતના આરોપો મૂકવામાં આવ્યા છે અને આ પ્રકારના આરોપો મૂકાયા હોય તેવા તેઓ પ્રથમ ભૂતપૂર્વ પ્રમુખ બન્યા છે. અને ન્યૂયોર્કની કોર્ટમાં મૂકાયેલા આરોપો કરતા આ આરોપો ઘણા વધુ ગંભીર છે. હવે ટ્રમ્પ સામે વધુ એક ચકચારી અદાલતી કાર્યવાહી શરૂ થવાની તૈયારીમાં છે. આ સપ્તાહે ટ્રમ્પ અદાલત સમક્ષ હાજર થાય ત્યારે ન્યાય વિભાગ દ્વારા તેમની સામે સાત પ્રકારના આરોપો જાહેર કરી શકે છે જેમાં ગુપ્ત અને સંવેદનશીલ એવા વર્ગીકૃત સરકારી દસ્તાવેજોને ખોટી રીતે પોતાના ફ્લોરિડા ખાતેના ઘરે લઇ જવાના આરોપોનો સમાવેશ થાય છે.

જયારે ૨૦૨૪ની પ્રમુખીય ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ આરોપો ટ્રમ્પને રાજકીય રીતે ગંભીર અસર કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા ટ્રમ્પ પર પોતાની જાતીય દુરાચારને ઢાંકવા માટે એક મહિલાને નાણા આપવાનો આરોપ મૂકાયો હતો તે બાબતમાં પણ તેવો આરોપ મૂકાયો હોય તેવા તેઓ પહેલા ભૂતપૂર્વ પ્રમુખ બન્યા હતા. અને હાલમાં મૂકાયેલા આ તમામ આરોપોમાં ટ્રમ્પ જો દોષિત ઠરે તો તેમને એકસો વર્ષની પણ સજા થઇ શકે છે. આ લખાઇ રહ્યું છે ત્યારે ટ્રમ્પ આરોપોનો સામનો કરવા અદાલતમાં હાજર થવાની તૈયાર કરી રહ્યા હતા.

અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આ આરોપો મૂકાયા હોવાની તરત પોતે જાહેરાત કરી ન હતી પરંતુ આ બાબતના જાણકાર બે સૂત્રોએ જણાવ્યું હતું કે ટ્રમ્પની સામે સાત આરોપો મૂકાયા છે અને ટ્રમ્પના વકીલોને તે અંગે જાણ કરવામાં આવી છે. આના પછી ટ્રમ્પે પોતે પોતાના ટ્રુથ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાત કરી હતી કે પોતાની સામે આ આરોપો મૂકાયા છે અને પોતે કોર્ટમાં હાજર થશે. પોતે નિર્દોષ હોવાનું અને વેરવૃતિથી આ આરોપો મૂકાયા હોવાનું પણ ટ્રમ્પે કહ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આવતા વર્ષની અમેરિકી પ્રમુખપદની ચૂંટણી માટે ફરીથી રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનવા માટે પ્રયાસો કરી રહ્યા છે. હવે આ આરોપોની અસર રાજકીય રીતે તેમને કેટલી થાય છે તે જોવાનું રહે છે. આપણે અગાઉ જ જોયું તેમ ટ્રમ્પ સામેના હાલના આરોપો ઘણા ગંભીર પ્રકારના છે. દેશની અત્યંત ગુપ્ત અને સંવેદનશીલ સુરક્ષાની માહિતી, જેના રક્ષણની જવાબદારીનો વિશ્વાસ તેમના પર મૂકવામાં આવ્યો હતો તે માહિતી પોતાના અંગત નિવાસસ્થાને જાણી જોઇને અને ગેરકાયદે રીતે લઇ જવાનો તેમના પર આરોપ છે.

ટ્રમ્પના એટર્ની જેમ્સ ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે આરોપોમાં દેશની સંરક્ષણની માહિતી ઇરાદાપૂર્વક પોતાના કબજામાં રાખવાના આરોપનો સમાવેશ થાય છે જે જાસૂસી કાયદા હેઠળનો અપરાધ છે. આ ઉપરાંત અવરોધ સર્જવો, ખોટા નિવેદનો અને કાવતરું જેવા આરોપો છે. જો તમામ આરોપોમાં ટ્રમ્પ દોષિત ઠરે તો તેમને સો વર્ષની જેલની સજા થઇ શકે છે. ટ્રમ્પ બીજી ટર્મ માટેની પ્રમુખપદની ચૂંટણી હારી ગયા અને તેમણે વ્હાઇટ હાઉસ છોડ્યું તે પછી અમેરિકાના નેશનલ આર્કાઇવ્ઝ એન્ડ રેકર્ડ્સ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓને જણાયું હતું કે ટ્રમ્પના કાર્યકાળ સમયના કેટલાક અગત્યના દસ્તાવેજો તેમના સંગ્રહમાંથી ગાયબ છે.

આના પછી તેમણે તપાસ શરૂ કરાવી હતી. ડિસેમ્બર ૨૦૨૧માં ટ્રમ્પના એક પ્રતિનિધિએ નેશનલ આર્કાઇવ્ઝને જણાવ્યું હતું કે પ્રમુખીય રેકર્ડ્સ ટ્રમ્પના ફ્લોરિડાના મારા-એ-લાગો ખાતેના નિવાસસ્થાને છે! જાન્યુઆરી ૨૦૨૨માં નેશનલ આર્કાઇવ્ઝે ટ્રમ્પના આ મકાનમાંથી ૧૫ બોક્સ ભરીને દસ્તાવેજો કબજે કર્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે તેમાં ઘણી વર્ગીકૃત સામગ્રી હતી. આ એક ઘણી ગંભીર બાબત હતી. ટ્રમ્પ પોતે વ્હાઇટ હાઉસ છોડતી વખતે આ દસ્તાવેજો પોતાની સાથે લઇ ગયા હતા અને કહ્યું હતું કે આ દસ્તાવેજો પોતાની પાસે રાખવાનો તેમને અધિકાર છે!

આ બાબત ટ્રમ્પનું ખેપાનીપણું દર્શાવે છે. આમ તો હાલના પ્રમુખ જોસેફ બાઇડનના અંગત મકાનમાંથી અને ભૂતપૂર્વ ઉપપ્રમુખ માઇક પેન્સના મકાનમાંથી પણ વર્ગીકૃત દસ્તાવેજો મળ્યા હતા. જો કે તેમના અને ટ્રમ્પના કેસમાં ફેર એ છે કે બાઇડન અને પેન્સના વકીલોએ પોતે આ દસ્તાવેજો હોવાની જાણ પોતે સત્તાવાળાઓને કરી હતી અને તેમણે આ દસ્તાવેજોની સોંપણી તરત કરવાની તજવીજ હાથ ધરી હતી અને એફબીઆઇને શોધખોળ પણ કરવા દીધી હતી. એવા કોઇ સંકેતો મળ્યા નથી કે આ દસ્તાવેજો પોતાની પાસે હોવાની બાબત છૂપાવી હતી.

પોતે પ્રમુખ બન્યા તે પહેલા, પ્રમુખપદ દરમ્યાન અને તે પછી ટ્રમ્પ અને વિવાદો સર્જી ચુકયા છે. તેમનું અંગત જીવન અનેક પ્રકારના આક્ષેપો અને પ્રકરણોથી ખરડાયેલું છે. અનેક વખતે તેઓ જાહેરમાં અનાડી જેવું અને માથાભારે વર્તન કરી ચુક્યા છે. પણ કેટલીક વખતે આવું વર્તન જાહેર જીવનમાં પડેલી વ્યક્તિને ભારે મુશ્કેલીમાં મૂકી શકે છે. લાગે છે કે ટ્રમ્પને તેમના ઉદ્દંડપણાની ભારે સજા મળી શકે છે.

Most Popular

To Top