Columns

સાચી સફળતા

એક વિદ્યાર્થી શાળામાં ભણતી વખતે એક સામાન્ય વિદ્યાર્થી હતો. નામ સૌરવ મસ્તી. મજાકમાં તે વધારે ધ્યાન આપતો અને ભણવામાં ઓછું.પણ તેની એક ખાસિયત હતી તે હંમેશા બધાને મદદ કરતો. શાળાજીવન પૂરું થયું.કોલેજમાં તેણે માંડ ડીગ્રી લીધી અને પછી એકદમ નાની ૫૦૦ રૂપિયાની નોકરીથી શરૂ કર્યું અને ધીમે ધીમે પોતાનું કામ શરૂ કર્યું અને સખ્ત મહેનત કરી એક પછી એક સફળતા મેળવી અને એટલું મોટું કામ કર્યું કે તેને ‘બિઝનેસમેન ઓફ ધ યર’નો એવોર્ડ મળ્યો.

આ એવોર્ડ મળ્યા બાદ તેની કોલેજ , તેની જ્ઞાતિ, તેની સોસાયટી અને તેની શાળા બધાએ તેના વિશેષ સન્માનના કાર્યક્રમ ગોઠવ્યા. દરેક કાર્યક્રમમાં સૌરવે હાજરી આપી અને દરેક કાર્યક્રમમાં તે એક સફળ બિઝનેસમેનના મોભા માટે સુટ બુટ પહેરીને નહિ, પણ તેમના જેવો જ સામાન્ય પહેરવેશ પહેરીને ગયો.શાળાના કાર્યક્રમમાં બ્લુ અને વ્હાઈટ યુનિફોર્મ જેવા જ પેન્ટ શર્ટ , કોલેજના કાર્યક્રમમાં જીન્સ અને ટી શર્ટ…સોસાયટી અને જ્ઞાતિના કાર્યક્રમમાં કુરતો સલવાર તે જ્યાં જતો ત્યાં કોઈ મોભેદાર મહેમાન બનીને ન રહેતો પણ બધા જેવો જ રહીને બધા સાથે ભળી જતો એટલે તેને માન અને સન્માનની સાથે ખૂબ પ્રેમ પણ મળતો હતો.

શાળાના કાર્યક્રમમાં તે ગાડીમાંથી ઊતર્યો તો શાળાના વોચમેને તેને સલામ મારી તો તે તરત તેમની પાસે ગયો અને હાથ પકડી બોલ્યો, ‘લાલાજી, હું તો હંમેશા દોડતો સૌરવ. ભૂલી ગયા, તમે મને શું સલામ કરો છો.’ આટલું બોલી તેમને ભેટ્યો.અંદર જઈને બધા ટીચરોને એક પછી એક મળીને પગે લાગ્યો.સન્માન સમારંભ શરૂ થયો અને શાળાના વૃધ્ધ ટ્રસ્ટી સન્માન કરવા ઊભા થયા. તેમને ફૂલનો ગુચ્છો આપવા આગળ આવતાં પ્યુનને ખુરશીની ઠોકર લાગી અને પ્યુન પડી જાય તે પહેલાં પેલા યુવાને દોડીને ઊભા થઈને પ્યુનને ટેકો આપી નીચે પડતાં બચાવી લીધા.બધાએ આ જોયું અને સૌરવ પ્રત્યેનું માન વધ્યું.સૌરવે પ્યુનને બેસાડ્યા અને પાણી આપ્યું.

થોડી વાર બાદ કાર્યક્રમ આગળ વધ્યો.બધા શિક્ષકોએ સૌરવના વખાણ કર્યા, તેની સિધ્ધિઓ માટે અભિનંદન આપ્યા.સૌરવના દસમા ધોરણના વર્ગશિક્ષક ઊભા થયા. તેમણે સૌરવના શાળાજીવનના તોફાનની વાતો પણ કરી, બીજાને મદદ કરવાનો ગુણ તેનામાં ત્યારે હતો તે જણાવ્યું અને ખાસ વખાણ કરતાં ભાર મૂકીને કહ્યું, ‘મારો વિદ્યાર્થી એકદમ સફળ થયો છે તે જોઇને હું ખુશ છું અને તેની સફળતા આકાશને આંબે છે તે કાબિલેતારીફ છે પણ આકાશને આંબતી સફળતા મેળવ્યા બાદ પણ મારા વિદ્યાર્થીના પગ જમીન પર છે. તેનામાં બિલકુલ અભિમાન નથી આવ્યું. હજી નમ્ર જ છે અને બધાને મદદ કરવા આતુર તે જોઈને મારી છાતી ગજગજ ફૂલે છે.કારણ કે માત્ર આકાશને અડી લેવું એ સાચી સફળતા નથી પરંતુ આકાશને અડતી વખતે પગ જમીન પર જ રહે એ સાચી સફળતા છે.સૌરવે સાચી સફળતા મેળવી છે.’બધાએ તાળીઓના ગડગડાટ સાથે ટીચરની વાત વધાવી લીધી.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top