Columns

યુક્રેનમાં બૂરી રીતે ફસાઈ ગયેલાં ૪,૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓની હાલત દયાજનક છે

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે ત્યાં ભારતના આશરે ૨૦,૦૦૦ વિદ્યાર્થીઓ ભણતાં હતાં. ભારત સરકારે ગયા સપ્તાહે તેમને સહીસલામત યુક્રેન છોડી દેવાની સલાહ આપી હતી, પણ તેમને લાગતું હતું કે યુદ્ધ નહીં થાય; માટે તેઓ નિશ્ચિંત બનીને યુક્રેનમાં રહ્યાં હતાં. રશિયા દ્વારા આક્રમણ શરૂ કરવામાં આવ્યું તે પછી આશરે ૧૨,૦૦૦ વિદ્યાર્થીઓ બસ, ટ્રેન કે ટેક્સી દ્વારા યુક્રેનની સરહદ ઓળંગીને પડોશી દેશોમાં પહોંચી ગયાં છે, જ્યાંથી ભારત સરકાર તેમને સલામત વતન પાછાં લાવવાની વ્યવસ્થા કરી રહી છે. સવાલ બીજા ૮,૦૦૦ વિદ્યાર્થીઓનો છે, જેઓ હજુ યુક્રેનમાં ફસાયેલાં છે. તેમાંનાં ૪,૦૦૦ જેટલાં તો યેનકેન પ્રકારેણ વોરઝોનમાંથી પશ્ચિમ સરહદની નજીક પહોંચી ગયાં છે.

બાકીના ૪,૦૦૦ કીવ અને ખારકીવ શહેરોમાં સપડાયેલાં છે. તેઓ બન્કરોમાં વસવાટ કરી રહ્યાં છે. ચાલુ બોમ્બમારા વચ્ચે તેઓ સરહદ સુધી પહોંચી શકે તેમ નથી. ભારત સરકાર તેમને સલામત સ્થળે ખસેડવામાં નિષ્ફળ ગઈ છે. સરકારે તો તેમને કહી દીધું છે કે તેઓ કીવ ખાલી કરીને સરહદ પર પહોંચી જાય, પણ તે માટે કોઈ સાધન ઉપલબ્ધ નથી. ભારતે કીવમાં રહેલી તેની એલચી કચેરી બંધ કરી દીધી છે. ગભરાટમાં આવેલાં વિદ્યાર્થીઓ ફોન કરે છે તો રાજદૂતો ફોન પણ ઉપાડતા નથી. બન્કરોમાં ખાવાનું ખૂટી રહ્યું છે. કર્ણાટકનો એક વિદ્યાર્થી ખાવાનું લેવા બહાર નીકળ્યો તો બોમ્બમારામાં તેનો જીવ ગયો હતો. હવે બાકીના વિદ્યાર્થીઓ ભયભીત છે. તેઓ વીડિયો બનાવીને સોશ્યલ મીડિયામાં મૂકી રહ્યા છે. ભારત સરકાર તેમને ઉગારશે તેવી આશા તેમણે છોડી દીધી છે. ઉત્તર પ્રદેશની એક છોકરીએ બન્કરમાંથી બનાવેલા વીડિયોમાં ચોંકાવનારી વાત કરી કે રશિયાના સૈનિકો કેટલીક ભારતીય યુવતીઓનું અપહરણ કરીને અજાણ્યા સ્થળે લઈ ગયા છે.  જો આ વાત સાચી હોય તો ભારતની રાજનીતિ નિષ્ફળતાને વરી છે.

યુક્રેનમાં પણ સૌથી ખરાબ હાલત રશિયાની સરહદથી માત્ર ૫૦ કિલોમીટરને અંતરે આવેલાં શહેર ખારકીવમાં સપડાયેલા વિદ્યાર્થીઓની છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ પાસે ખોરાકનો અને પાણીનો જથ્થો ખૂટી ગયો છે. મંગળવારે કર્ણાટકનો વિદ્યાર્થી બોમ્બમારામાં મરી ગયો તે પછી કોઈ વિદ્યાર્થી બન્કરમાંથી બહાર નીકળવાની હિંમત કરતા નથી. બહાર સતત ગોળીબાર ચાલી રહ્યો છે. આગની જ્વાળાઓ જોવા મળે છે. તેઓ ટંકદીઠ એક બ્રેડ ખાઈને જીવન ટકાવી રહ્યા છે. જો રશિયા દ્વારા અણુબોમ્બનો પ્રયોગ કરવામાં આવશે તો બન્કરો પણ તેમના માટે સલામત નહીં રહે. અત્યાર સુધી તેઓ આહારની અને પાણીની ચિંતા કરતા હતા. હવે તેમને પોતાની જિંદગીની ચિંતા છે. 

ખારકીવ શહેરની મોટા ભાગની દુકાનો બંધ થઈ ગઈ છે. જે દુકાનો ખુલ્લી છે તેમાં પણ અનાજ-કરિયાણાંનો જથ્થો મર્યાદિત છે. ભારતની એક વિદ્યાર્થિની સુપર માર્કેટમાંથી કરિયાણું ખરીદીને આવતી હતી તે જોઈ યુક્રેનના નાગરિકને ગુસ્સો આવ્યો. તેણે વિદ્યાર્થિની પાસેનો બધો સામાન ઝૂંટવી લીધો. યુક્રેનમાં હવે માત્ર દેશી ચલણ જ સ્વીકારાય છે. એટીએમની બહાર પણ લાંબી લાઈનો લાગી છે. વિદ્યાર્થીઓ પાસેનાં નાણાં ખૂટવા આવ્યા છે. મોબાઈલમાં ડેટા ખૂટી જાય તો રિચાર્જ કરાવવાની સગવડ પણ નથી. વીજળી ડૂલ છે. મોબાઇલને ચાર્જ કરવાના પણ ફાંફાં છે. વિદ્યાર્થીઓ હવે મોબાઇલ ફોનનું પણ રેશનિંગ કરી રહ્યા છે. કેટલાંક વિદ્યાર્થીઓ બન્કરમાં ભરાઈ રહેવાને બદલે જાનનું જોખમ ખેડીને ૧૦ કિલોમીટર ચાલીને રેલવે સ્ટેશન પહોંચી ગયાં હતાં. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ભારત તટસ્થ રહ્યું હોવાને કારણે ભારતના વિદ્યાર્થીઓને તકલીફ નહીં પડે, તેવો આશાવાદ સેવવામાં આવતો હતો. તે આશાવાદ હવે ઠગારો પુરવાર થઈ રહ્યો છે. યુક્રેનમાં સપડાઈ ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ સાથે યુક્રેનના લશ્કર દ્વારા જ ખરાબ વર્તાવ થઈ રહ્યો છે.

તેઓ સરહદ ક્રોસ કરવા માગતા ભારતીય વિદ્યાર્થીઓને ડંડા મારીને પાછા અંદર ધકેલે છે. તેમનું કહેવું છે કે સરહદ ક્રોસ કરવાની બાબતમાં તેમની પ્રાથમિકતા યુક્રેનના નાગરિકો છે. રશિયા દ્વારા અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું કે તેમના દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજ સાથે નીકળતાં વાહનોને કે વિદ્યાર્થીઓને હેરાન કરવામાં નહીં આવે, પણ જમીની સ્તર પર ચિત્ર કાંઇક જૂદું છે. રશિયાના સૈનિકો દ્વારા કેટલીક ભારતીય યુવતીઓનાં અપહરણ કરવાના સમાચારો ચિંતા ઉપજાવે તેવા છે. યુદ્ધના કાળમાં સામાન્ય નાગરિકો પણ હેવાન બની જતા હોય છે, ત્યાં લશ્કર પાસેથી સારા વર્તાવની અપેક્ષા રાખી શકાય નહીં. ભારતીય વિદ્યાર્થીઓ ગફલતમાં રહીને આફતમાં મૂકાઈ ગયાં છે.

કોઈ પણ દેશમાં યુદ્ધ થાય ત્યારે ત્યાં રહેલાં ભારતીય નાગરિકોને સહીસલામત વતન પહોંચાડવાની બાબતમાં ભારતનો રેકોર્ડ ઉજળો છે. અગાઉ કુવૈત, ઇરાક, સીરિયા, અફઘાનિસ્તાન વગેરે દેશોમાંથી ભારતનાં નાગરિકોને સહીસલામત લાવવામાં સરકારને સફળતા મળી હતી. ત્યારે કેટલાક પ્રસંગોમાં ભારતનાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ હતાં. તેમણે અંગત રસ લઈને ભારતીયોને પાછા લાવવામાં ઝડપ કરી હતી. આ વખતે ભારત સરકાર ઊંઘતી ઝડપાઈ હતી. પહેલાં તેણે સબસલામતની સાઇરન વગાડ્યા કરી હતી. યુક્રેનથી પહેલી ફ્લાઇટ ભારત આવી ત્યારે નાગરિક ઉડ્ડયન ખાતાના પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા મોટા ઉપાડે તેમનું સ્વાગત કરવા ગયા હતા. તેમણે તમામ ભારતીયોને સલામત લાવવાની બાંયધરી આપી હતી, પણ તેનો અમલ કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. કીવમાં આશરે ૪,૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓ સપડાયેલાં હતાં ત્યારે ભારત સરકારે એલચી કચેરીને તાળાં મારી દીધાં હતાં. ભારતના રાજદૂતો બન્કરોમાં ફસાઈ ગયેલાં ભારતીય નાગરિકોના જાનની પરવા કર્યા વિના પોતાના જાન બચાવીને સ્વદેશ પહોંચી ગયાં હતાં.

યુદ્ધ આગળ વધી ગયું તે પછી ભારત સરકારે તા. ૮ માર્ચ સુધીમાં પડોશના દેશોમાંથી ૪૬ ફ્લાઇટનું આયોજન કર્યું છે. તે પૈકી ૨૬ ફ્લાઇટો ત્રણ દિવસમાં જ દોડાવવામાં આવશે. ભારત સરકારે એર ઇન્ડિયા ઉપરાંત સ્પાઇસ જેટ અને ઇન્ડિગો જેવી ખાનગી વિમાની કંપનીઓને પણ કામે લગાડી છે. વિદ્યાર્થીઓને પાછાં લાવવા માટે ભારતીય વાયુ સેનાને પણ કામગીરી સોંપવામાં આવી છે. કહેવાય છે કે એર ઇન્ડિયા દ્વારા વિમાનનું ભાડું ૩૦,૦૦૦ રૂપિયાથી વધારીને ૯૦,૦૦૦ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. આ ખર્ચો સરકાર ઉપાડી રહી છે. જો એર ઇન્ડિયાનું ખાનગીકરણ ન કરવામાં આવ્યું હોત તો આ દિવસો જોવા પડત નહીં. ભારત સરકાર મોડે મોડે જાગી છે. તેણે પોતાના ચાર પ્રધાનોને ચાર દેશોમાં મોકલ્યા છે, જેઓ ભારતીયોને પાછા ફરવામાં મદદ કરશે. જો કે ખરી જરૂર યુક્રેનમાં કોઈ પ્રધાનને મોકલવાની છે, પણ ત્યાં જવાની કોઈની હિંમત નથી. ભારત સરકાર દ્વારા રશિયા અને યુક્રેન ઉપરાંત પડોશી દેશોની સરકારોનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. તેમને પણ ભારતીયોને ખાલી કરવામાં સહકાર આપવાનું કહેવામાં આવ્યું છે. લાગે છે કે યુક્રેનની સરકાર ભારતથી નારાજ છે. ભારતે રશિયાનો વિરોધ ન કરીને યુક્રેનની નારાજગી વહોરી છે. કદાચ તેની સજા ભારતીય વિદ્યાર્થીઓ ભોગવી રહ્યાં છે. ભારતનાં માબાપોએ પોતાનાં સંતાનોને વિદેશ ભણવા મોકલતાં પહેલાં તેમની સલામતી બાબતમાં લાખ વાર વિચાર કરવાની જરૂર છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top