Vadodara

ટ્રાફિક ક્રેન કર્મચારીઓએ એક્ટિવા પર બેઠેલી મહિલાના ફોટા પાડતા હોબાળો

વડોદરા: ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે આવેલ વ્રજ સિદ્ધિ ટાવરના પાર્કિંગમાં એક મહિલા પોતાના એકટીવા ઉપર બેઠી હતી અચાનક આવી ચડેલા ટ્રાફિકના ક્રેન કર્મચારી ઓએ નો પાર્કિંગમાં મુકેલા વાહનો ધડાધડ ઉઠાવવા માંડ્યા. તેમજ એક કર્મચારીએ એકટીવા પર બેઠેલી મહિલાનો ફોટો પાડતા જ મામલો ગરમાયો હતો. વાહન ચાલકો પાસેથી ખોટી રીતે દંડ વસૂલવા વાહન ચાલકોને હેરાન પરેશાન કરાતા હોવાના આક્ષેપ કરતી મહિલાએ હોબાળો મચાવ્યો હતો. આશરે 20 મિનિટ સુધી ચાલતી મગજમારીમાં લોકટોળા ઉંમટી પડતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. મહિલાએ કર્મચારીઓનો જાહેરમાં ઉધડો જ લીધો હતો. લાંબી મગજમારી બાદ લોક મીજાજ પારખી ગયેલા ટ્રાફિક ક્રેન કર્મચારીઓ નીચી મૂંડી કરીને રવાના થઈ ગયા હતા.

હાજર ટોળામાં એવી ચર્ચા સાંભળવા મળી હતી કે શહેરના ચાર દરવાજામાં આડે ધડ પાર્કિંગ ની સમસ્યા કાયમી હલ કરવા મેયરે જે વચનો આપ્યા હતા તે પોકળ સાબિત થયા હતા.  અત્રે ઉલ્લેખનિય છે કે, શહેરના લહેરીપુરા,મદનજાપા રોડ,નવા બજાર તેમજ ચાર દરવાજાની વચ્ચે ટ્રાફિક સમસ્યા વકરતી જ જાય છે. વર્ષોથી  સમસ્યાનું નિરાકરણ આવતું નથી છતાં પાલિકા તંત્ર અને ટ્રાફિક વિભાગ ચોક્કસ રણનીતિ ઘડીને સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા લેશ માત્ર સક્ષમ નથી. જ્યારે જ્યારે ટ્રાફિક સમસ્યા અંગે હોબાળો મચે છે ત્યારે નેતાઓ ચુપકિદી જ સેવી લે છે અથવા પોકળ ગુલબાંગો હાકે છે. ઘટનામાં કોઈ મલાઈદાર મામલો હોય તો પાલિકાના નેતાઓ એક જૂથ થઈને રાતોરાત કામગીરી પૂરી કરી આપે પરંતુ પ્રજાની સમસ્યાનું નિરાકરણ લાવવાનું આવે ત્યારે વાયદાઓ સિવાય કોઈ જ કામગીરી થતી નથી.

Most Popular

To Top