Business

અમેરિકા અને કેનેડા વચ્ચે ફરીથી વેપાર યુદ્ધના મંડાણ

અમેરિકાના અને તેના ઉત્તરીય પાડોશી દેશ કેનેડા વચ્ચે ફરી એકવાર વેપાર યુદ્ધના મંડાણ થયા છે. આમ તો ૧ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોથી યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશતા માલસામાન પર લગભગ સાર્વત્રિક ટેરિફ  લાદવાના આદેશો પર હસ્તાક્ષર કર્યા પછી, કેનેડા અને મેક્સિકો સાથે અમેરિકાનું વેપાર યુદ્ધ શરૂ થઇ ગયું હતું. આ આદેશમાં મેક્સિકોથી થતી તમામ આયાત પર અને કેનેડાથી થતી તમામ આયાત પર ૨૫ ટકા ટેરિફ લાદવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું, સિવાય કે તેલ અને ઉર્જા, જેના પર ૧૦ ટકા ટેક્સ લાગુ કરવામાં આવશે.

તેના જવાબમાં, તત્કાલીન કેનેડિયન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે કેનેડા  ૨૦.૬ બિલિયન ડોલર ના અમેરિકન માલસામાન પર ૨૫ ટકા ટેરિફ સાથે વળતો પ્રહાર કરશે, જે ત્રણ અઠવાડિયા પછી વધીને ૧૦૬ અબજ ડોલર  થઈ જશે. મેક્સિકોના પ્રમુખ ક્લાઉડિયા શેઇનબૌમે જણાવ્યું હતું કે મેક્સિકો પણ યુનાઇટેડ સ્ટેટ્સ સામે ટેરિફ અને બિન-ટેરિફ જવાબી પગલાં લાગુ કરશે. ૩ ફેબ્રુઆરીના રોજ, આ ટેરિફ અમલમાં આવવાના એક દિવસ પહેલા, બંને દેશોના નેતાઓએ ટેરિફમાં એક મહિનાના વિલંબ માટે વાટાઘાટો કરી હતી. યુ.એસ. ટેરિફ ૪ માર્ચથી અમલમાં આવ્યા; કેનેડાના જવાબી ટેરિફ પણ તે જ સમયે શરૂ થયા, જ્યારે મેક્સિકોએ જણાવ્યું કે તે વળતા પગલાં લેવા માટે રાહ જોશે.

૬ માર્ચે, ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સ-મેક્સિકો-કેનેડા કરારનું પાલન કરતી વસ્તુઓને ટેરિફમાંથી મુક્તિ આપી. પાછળથી, અમેરિકાએ સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટોમોટિવ આયાત પર સાર્વત્રિક ટેરિફ લાદ્યા, જેમાં મેક્સિકો અને કેનેડાની આયાત પણ સામેલ હતી.  તે સમયે ટ્રમ્પે જણાવ્યું હતું  કે આ ટેરિફનો હેતુ કેનેડા અને મેક્સિકો સાથેની અમેરિકાની વેપાર ખાધ  ઓછી કરવાનો, બંને દેશોને ગેરકાયદેસર ઇમિગ્રેશન અને ફેન્ટાનિલ કેફી દ્રવ્યના સ્મગલિંગ સામે બંને દેશો સાથેની તેમની સરહદો સુરક્ષિત કરવા માટે મજબૂર કરવાનો અને યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. જો કે USMCA મુક્તિને ઘણી વસ્તુઓ ટેરિફ મુકત રહી હતી.

જો કે વેપાર કરાર અંગેની કેટલીક બાબતો અંગેની અમેરિકા-કેનેડા મંત્રણા હાલમાં પડી ભાંગી અને શનિવારથી કેટલીક કેનેડિયન ચીજવસ્તુઓ પર 50% ના નવા યુ.એસ. ટેરિફ અમલમાં આવ્યા છે, જેના જવાબમાં કેનેડાએ પણ પોતાના કર લાદવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. તેણે ૮ સપ્ટેમ્બરથી અમેરિકા સામે વળતા પગલા શરૂ કરવાની જાહેરાત કરી છે. આના પછી  પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે તેઓ જાન્યુઆરીમાં કેનેડા-નિર્મિત કાર અને ઓટો પાર્ટ્સ પર ટેરિફ વધારશે, જેનાથી અમેરિકા અને કેનેડા વચ્ચેના ટ્રેડ વોરમાં ઓર વધારો થયો છે. ટ્રમ્પની તાજેતરની જાહેરાતમાં 1 જાન્યુઆરી, 2027થી કેનેડિયન કાર અને ઓટો પાર્ટ્સ પર ટેરિફ 25% થી વધારીને 50% બમણો કરવાનું વચન આપવામાં આવ્યું છે.

પ્રમુખના જણાવ્યા અનુસાર, આ વધારેલો કર સ્ટીલ અને ટ્રક પર પણ લાગુ થશે. કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્નીએ પણ અમેરિકા સામે કડક વલણ અપનાવ્યું છે.  ટ્રમ્પે સોમવારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું, વેપારમાં અને અન્ય રીતે પણ, તેઓ વ્યવહાર કરવા માટે વિશ્વના સૌથી ખરાબ દેશોમાંથી એક છે. તેઓ પોતાને હકદાર સમજે છે, પરંતુ, આપણે કેનેડાની જરૂર નથી, તેમને આપણી જરૂર છે! આ તીખી ટીકા કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ વેપાર વાટાઘાટો અંગે યુ.એસ.ના અભિગમ વિશે આકરી ટિપ્પણી કર્યાના દિવસો પછી આવી છે. તેમણે કહ્યું કે અમેરિકન વાટાઘાટકારોએ કેનેડા માટે પ્રતિકૂળ માંગણીઓ કર્યા પછી વાટાઘાટો તૂટી પડી હતી. બંને દેશોના નેતાઓના ઉચ્ચારણ પરથી લાગે છે કે હવે આ યુદ્ધ નજીકના ભવિષ્યમાં નહીં શમે.

આમાં કેનેડાના ઓન્ટારિયો રાજ્યના વડા અમેરિકા સામેના વિરોધમાં સૌથી વાચાળ રહ્યા છે. તેઓ અગાઉ પણ ઉગ્ર નિવદેનો કરી ચુક્યા છે અને હાલમાં ફરી એકવાર તેમણે અમેરિકા સામે આકરો અભિગમ અપનાવ્યો છે.  કેનેડાના ઓન્ટારિયો રાજ્યના પ્રીમિયર ડગ ફોર્ડે સોમવારે ધ એસોસિએટેડ પ્રેસ સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિઓ જોઈને અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ રોનાલ્ડ રેગનને ઉલટી થઈ ગઇ હોત.

આ સાથે જ તેમણે ચેતવણી આપી હતી કે જો કેનેડા-અમેરિકા વચ્ચે વધતો વેપાર વિવાદ વધુ વણસશે, તો તેઓ અમેરિકાને વીજળી અને મહત્વપૂર્ણ ખનિજોનો પુરવઠો બંધ કરી દેશે. ફોર્ડે જણાવ્યું હતું કે ટ્રમ્પે અમેરિકી દબાણ સામે ઝૂકવાને બદલે આર્થિક મુશ્કેલીઓ સહન કરવાની કેનેડિયનોની ઇચ્છાશક્તિનો ઓછો અંદાજ લગાવ્યો છે. ફોર્ડે નોંધ્યું હતું કે ટ્રમ્પ તેમના ટેબલ નજીક રેગનનું ચિત્ર રાખે છે. રેગન મુક્ત વેપારના મજબૂત હિમાયતી હતા અને તેમણે વારંવાર ચેતવણી આપી હતી કે સંરક્ષણવાદી ટેરિફ વળતા પ્રહારને આમંત્રણ આપી શકે છે તેમજ અમેરિકી ગ્રાહકો અને કામદારોને નુકસાન પહોંચાડી શકે છે. બંને દેશોના નેતાઓના અભિગમ જોતા કેનેડા-અમેરિકા વેપાર યુદ્ધ વધુ વણસવાની શક્યતા નકારી શકાય નહીં.

Most Popular

To Top