National

ભાવ વધતા ખેતરમાંથી ટામેટાં ચોરાઈ ગયા, કર્ણાટકની ઘટના

બેંગ્લોર: દેશભરમાં ટામેટાના (Tomato) ભાવ આસમાને છે. ગરીબ અને મધ્યવર્ગની થાળીમાંથી ટામેટા દૂર થયા છે. દેશના લગભગ દરેક રાજ્યમાં ટામેટાના ભાવ પ્રતિ કિલો 100થી 150 રૂપિયા સુધી પહોંચી ગયા છે. ભાવ વધતા હવે ટામેટાની પણ ચોરી થવા લાગી છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

આ ઘટના કર્ણાટકના (Karnataka) હાસન જિલ્લાના સોમનહલ્લી ગામની છે. ગઈ તા. 4 જુલાઈની રાત્રિએ અહીંના એક ખેતરમાંથી ચોરો 50થી 60 ગુણ ભરીને ટામેટા ચોરી (Tomatoes Stolen) ગયા છે. સવારે જ્યારે ખેડૂત (Farmer) જાગ્યા ત્યારે ચોરી થઈ હોવાનું ધ્યાન પર આવ્યું હતું. મહિલા ખેડૂત ધારાનીએ કહ્યું કે, આ વખતે ટામેટાનો પાક સારો થયો હતો અને બજારમાં ભાવ પણ ઊંચા હતા તેથી સારી આવકની આશા હતી. અમે લણણી બાદ બેંગ્લોરના (Banglore) બજારમાં ટામેટા વેચવા જવાનું પ્લાનિંગ કરી રહ્યાં હતાં.

બેંગ્લોરમાં હાલ પ્રતિ કિલો 120 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે. પરંતુ પાક લણીએ તે પહેલાં જ ચોરો બધા ટામેટા ચોરી ગયા છે. 50થી 60 ગુણ ભરીને ટામેટા ચોરી જનાર ચોરોએ ખેતરનો બીજો ઊભો પાક પણ નાશ કર્યો હોવાનો બળાપો મહિલા ખેડૂતે વ્યક્ત કર્યો હતો.

મહિલા ખેડૂતે વધમાં કહ્યું કે, અમને ખૂબ મોટું નુકસાન થયું છે. લોન લઈને ટામેટા ઉગાડ્યા હતા. પણ ચોરો બધા ટામેટા ચોરી ગયા છે. બીજા પાકને પણ નુકસાન કર્યું છે. ધારાનીના પુત્રએ વળતર માટે રાજ્ય સરકારને અપીલ સાથે તપાસની માંગણી કરી છે. પોલીસ સૂત્રોએ કહ્યું કે, ખેતરમાંથી ટામેટાના પાકની ચોરીનો પહેલો કેસ સામે આવ્યો છે. અમે તપાસ કરી રહ્યાં છે.

સરકાર પણ ટામેટાના વધતા ભાવના મુદ્દે ચિંતિત
આસમાને પહોંચી રહેલા ટામેટાના ભાવને લઈને સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે કહ્યું છે કે ટામેટાના આ વધતા ભાવો હંગામી અને મોસમી છે. તેમણે ખાતરી આપી છે કે નજીકના સમયમાં ટામેટાના ભાવને કાબૂમાં લેવામાં આવશે. ટામેટાના વઘતા ભાવો અંગેનું કારણ જણાવતા તેમણે કહ્યું કે દેશના કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે જેના કારણે ટામેટાના ભાવમાં અનિયંત્રિત વધારો થયો છે.

ટામેટાના ભાવમાં એકાએક વધારો થતાં ગ્રાહક બાબતોનું મંત્રાલય ‘ટોમેટો ગ્રાન્ડ ચેલેન્જ’ શરૂ કરવા જઈ રહ્યું છે. ‘ટોમેટો ગ્રાન્ડ ચેલેન્જ’ ની પ્રક્રિયામાં ટામેટાંના ઉત્પાદન, પ્રક્રિયા અને સંગ્રહને સુધારવા માટે નવા વિચારોને આમંત્રિત કરવામાં આવશે. નવા આઈડિયા સાથે પ્રોટોટાઈપ બનાવશે અને પછી જો યોગ્ય લાગશે તો તેને અપનાવામાં પણ આવશે.

Most Popular

To Top