Columns

આજની ઘડી ખૂબસૂરત

જૈન ગુરુ તિક ન્યાત હન્હે શિષ્યોને સમજાવ્યું કે, ‘હંમેશા આજની ઘડી જ સૌથી સુંદર હોય છે. આપણે આજની પળમાં જ જીવવું જોઈએ, તો જીવનમાં ખુશી અને શાંતિ બંને મળે છે. ગઈ કાલ વીતી ગઈ છે, તેની પર દુઃખ કરવાનો કે પસ્તાવાનો કોઈ અર્થ નથી. આવતી કાલ હજી આવી જ નથી એટલે તેની ચિંતા કરવાનો કોઈ અર્થ નથી. બાકી રહી આજ. એટલે સઘળું ભૂલીને બસ આજમાં જ જીવવું જોઈએ. બાકી બધા વિચારોને છોડીને ભૂલીને માત્ર આજનો જ આનંદ લેવો જોઈએ.’ એક શિષ્યે પૂછ્યું, ‘ગુરુજી, તમારી વાત તો સમજાઈ, પણ આજની ઘડીમાં જીવવા માટે શું કરવું? ગમે તેટલી કોશિશ કરીએ તો પણ ગઈ કાલ અને આવતી કાલ આજ પર હાવી થઈ જ જાય છે અને દુઃખ અને ચિંતાના વિચારો આજનો આનંદ ઝૂંટવી લે છે. તો આપ જ શીખવાડો કે આજમાં જીવવા શું કરવું?’

જૈન ગુરુ બોલ્યા, ‘હું તો કહું છું કે આજમાં જીવવા માટે પણ તમારે માત્ર અત્યારની પળ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે અને તે માટે કરવું પડશે કોન્સીયસ બ્રિધીંગ એટલે કે શ્વાસની આવનજાવન પર ધ્યાન.’  બીજા શિષ્યે પૂછ્યું, ‘ગુરુજી, શ્વાસની આવનજાવન પર ધ્યાન કઈ રીતે આપવું અને ક્યારે આપવું?’ જૈન ગુરુ બોલ્યા, ‘આ કામ સતત કરવાનું છે. હું તમને ચાર પંક્તિમાં સમજાવું છું. તમારે આ 4 પંક્તિ સતત શ્વાસ લેતાં અને છોડતાં બોલવાની છે. પહેલી પંક્તિ છે, ‘બ્રિધ ઇન – શ્વાસ લો અને કહો, હું શરીરને શાંત કરી રહ્યો છું.’ બીજી પંક્તિ છે – ‘બ્રિધ આઉટ એટલે શ્વાસ છોડો ત્યારે કહો હું સ્મિત કરી રહ્યો છું.’ આગળ ત્રીજી પંક્તિ છે – ‘હું આજની ઘડીમાં જીવી રહ્યો છું’ અને ચોથી પંક્તિ છે ‘મને ખબર છે કે આજની આ ઘડી સૌથી સુંદર છે.’

તમે આ 4 પંક્તિઓ બોલીને શ્વાસની આવનજાવન પર ધ્યાન આપશો, તો પહેલી પંક્તિ બોલતાં તમને સમજાશે કે શ્વાસ લેતી વખતે  ગરમીમાં ઠંડું લીંબુ શરબત પીતાં હોય તેવી ઠંડક તમે અનુભવશો. બીજી પંક્તિમાં તમે જાણો જ છો કે એક સ્મિત ચહેરાના 100 સ્નાયુઓને રીલેક્સ કરે છે. જ્યારે તમારા ચહેરા પર સ્મિત હોય છે, ત્યારે સમજાય છે કે તમે જ તમારી મરજીના માલિક છો. ત્રીજી પંક્તિ બોલતાં તમે જાણશો કે તમે જ્યાં બેઠા છો ત્યાં જ છો અને તમે બીજું કંઈ વિચારતા નથી. ચોથી પંક્તિ તમને યાદ અપાવશે કે આ જ પળ સૌથી સુંદર પળ છે. આ ચાર પંક્તિઓ બોલીને શ્વાસની આવનજાવન પર ધ્યાન આપશો, તો આજમાં જીવી શકશો. જીવનમાં ખુશી અને શાંતિ મેળવી શકશો.’ જૈન ગુરુએ પોતાના શિષ્યોને આજની ઘડીનું મહત્ત્વ અને તેમાં જીવવાની રીત સમજાવી. 
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top