SURAT

આજનો દિવસ સુરતના ઈતિહાસમાં સુર્વણ અક્ષરે લખાશે, વડાપ્રધાને આપી બે મોટી ભેંટ

સુરત: આજે તા. 17મી ડિસેમ્બરનો દિવસ સુરતના ઈતિહાસમાં સુર્વણ અક્ષરે લખાશે. આંતરરાષ્ટ્રીય સ્તરે વિકાસ સાધવાની તમામ ક્ષમતા હોવા છતાં દાયકાઓથી સુરત સાથે ઓરમાયું વર્તન થતું હતું પરંતુ આજે સુરતના લોકોએ સ્વબળે શહેરને વૈશ્વિક ઊંચાઈ બક્ષી છે. સુરતના લોકોની આ ખમીરને વડાપ્રધાને મોદીએ જાહેરમાં વખાણ કર્યા અને આ સાથે જ શહેરને બે મોટી ભેંટ આપી છે.

સુરતના 4000થી વધુ હીરાવાળાઓ સ્વખર્ચે બનાવેલા વૈશ્વિક કક્ષાના સુરત ડાયમંડ બુર્સનું આજે વડાપ્રધાન મોદીએ ઉદ્દઘાટન કર્યું હતું. તે પહેલાં સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપ્યો હતો. તેમજ ટર્મિનલનું લોકાર્પણ કર્યું હતું. સુરત ડાયમંડ બુર્સના ઉદ્દઘાટન બાદ વડાપ્રધાને સુરતના મોં ફાટ વખાણ કર્યા હતા. હૂરટીઓના મોજીલા સ્વભાવ, ધાર્યું કરવા માટે મંડી પડવાની ધગશના ખૂબ વખાણ કર્યા હતા.

વન સ્ટોપ સેન્ટર બન્યું સુરત ડાયમંડ બુર્સ: મોદી
સુરત ડાયમંડ બુર્સમાં તમામ સુવિધા છે. રિટેલ જ્વેલરી મોલ, ઈન્ટરનેશનલ બેન્કિંગ તમામ પ્રકારની સુવિધા છે. રત્નકલાકારો, વેપારી, કારખાનેદારો, હીરા ખરીદનારા વેચનારા તમામ માટે આ સ્થળ વન સ્ટોપ ડેસ્ટિનેશન બન્યું છે. સુરતે દેશને ઘણું આપ્યું છે. પરંતુ સુરતમાં હજુ ઘણું સામર્થ્ય છે. આ હજુ શરૂઆત છે. હજુ આગળ વધવાનું છે. પાછલા 10 વર્ષમાં ભારત 10માં નંબર પરથી 5 મા નંબરના વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર તરીકે ઉભર્યું છે. હવે મોદીએ દેશને ગેરન્ટી છે કે આગલા વર્ષોમાં ભારત ટોપ થ્રી ઈકોનોમી બનશે.

દુબઈ બાદ હોંગકોંગની ફ્લાઈટ પણ શરૂ થશે: મોદી
સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે. આજે સુરતનું સપનું પુરું થયું છે. મને યાદ છે હું પહેલાં આવતો હતો ત્યારે સુરતનું એરપોર્ટ કરતા બસસ્ટેશન સારા હતા. ઝૂંપડી જેવું હતું. આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. તે સુરતનું સામર્થ્ય દર્શાવે છે. સુરતથી દુબઈની ફ્લાઈટ આજથી શરૂ થઈ છે. ખૂબ વહેલી હોંગકોંગની ફ્લાઈટ શરૂ થશે. હવે ગુજરાતમાં ત્રણ ઈન્ટરનેશનલ એરપોર્ટ બન્યા છે. તેના લીધે હીરા ઉપરાંત ટેક્સટાઈલ, ટુરિઝમ, એજ્યુકેશન, સ્ટીલ સહિત દરેક ઈન્ડસ્ટ્રીને લાભ થશે.

સુરત ધારે તો જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ ડબલ ડિજીટમાં પહોંચી શકે
મોદીની ગેરન્ટીથી સુરતના લોકો પહેલાથી જ વાકેફ છે. સુરત ડાયમંડ બુર્સ મોદીની ગેરન્ટીનું જ પરિણામ છે. આ બુર્સ ડાયમંડ, જ્વેલરી ઈન્ડસ્ટ્રી માટે અવસર પણ અને પડકાર પણ છે. નેચરલ અને લેબગ્રોન ડાયમંડમાં સુરત અગ્રણી છે. પરંતુ સમગ્ર જેમ એન્ડ જ્વેલરી સેક્ટરની વાત કરીએ તો ટોટલ એક્સપોર્ટમાં ભારતનો હિસ્સો માત્ર સાડા ત્રણ ટકા છે. સુરત ધારી લે તો ખૂબ જ જલ્દી જેમ જ્વેલરી એક્સપોર્ટમાં ભારત ડબલ ડિજીટમાં પહોંચી શકે છે. તમારા દરેક પ્રયાસમાં સરકાર તમારી સાથે રહેશે તેની મારી ખાતરી છે.

Most Popular

To Top