Trending

આજે શનિદેવ જયંતિ : ત્રણ દુર્લભ રાજયોગનો સંયોગ

સુરત: હિંદુ કેલેન્ડર મુજબ શનિજયંતીનો તહેવાર વૈશાખ મહિનાની અમાસના દિવસે ઊજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શનિનો જન્મ થયો હતો, આથી આ દિવસે ભગવાન શનિની પૂજા કરવાનો નિયમ છે. આ વર્ષે 19 મે, 2023 શુક્રવારના રોજ વૈશાખ મહિનાની અમાસ તિથિ આવી રહી છે.

શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે આ દિવસે સૂર્યદેવ અને છાયાના પુત્ર શનિદેવનો જન્મ થયો હતો, તેથી જ દર વર્ષે આ દિવસને શનિ જન્મોત્સવ તરીકે ઊજવવામાં આવે છે. આ વર્ષે શનિજયંતી ખૂબ જ ખાસ છે, કારણ કે ગ્રહોની સ્થિતિ બદલાવાને કારણે અનેક શુભ રાજયોગો બની રહ્યા છે. આજે જાણો કઈ રાશિ પર શનિદેવની કૃપા રહેશે, સાથે જ શનિની દશા અને મહાદશાથી પીડિત રાશિઓને શનિજયંતીના દિવસે શનિકૃપા મેળવવા કયા ઉપાયો કરવા જોઈએ.

જ્યોતિષમાં શનિનું વિશેષ મહત્ત્વ છે. નવ ગ્રહોમાં શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે, કારણ કે આ ગ્રહ વ્યક્તિનાં કર્મો અનુસાર ફળ આપે છે. જે લોકોની કુંડળીમાં શનિની વક્રદૃષ્ટિ પડી રહી હોય તેમને આર્થિક, શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

જોકે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે વ્યવસ્થિત રીતે શનિદેવની પૂજા કરવાથી એનાં અશુભ પરિણામોને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. વૈદિક જ્યોતિષ અનુસાર, શનિજયંતી પર શોભનયોગ બની રહ્યો છે. શોભનયોગ સાંજે 6:16 સુધી ચાલશે. આ દરમિયાન શનિ પણ પોતાની રાશિ કુંભ રાશિમાં બેઠા હશે. આવી સ્થિતિમાં શશ રાજયોગ સર્જાઈ રહ્યો છે. તેની સાથે મેષ રાશિમાં ગુરુ અને ચંદ્રનો સંયોગ છે. આવી સ્થિતિમાં ગુરુ અને ચંદ્રના સંયોગથી ગજકેસરી યોગ બની રહ્યો છે. શનિજયંતીના દિવસે આ વિશેષ યોગો બનવાને કારણે ઘણી રાશિઓને વિશેષ લાભ મળવાના છે તેવુ જયોતિષ શાત્રીઓ માની રહ્યા છે.

Most Popular

To Top