Editorial

લોકમત લઇને દોનબાસને પોતાની સાથે જોડવામાં રશિયા કેટલી હદે સફળ રહેશે?

યુક્રેન પર રશિયાએ આક્રમણ કર્યું તેને છ મહિના કરતા વધુ સમય થઇ ગયો છે અને યુદ્ધની શરૂઆતમાં એવી ધારણા રખાતી હતી કે થોડા દિવસમાં કે બહુ બહુ તો થોડ સપ્તાહમાં યુક્રેનને કચડીને રશિયા જીતી જશે, પરંતુ આજે છ મહિના પછી  પણ રશિયાને યુક્રેન ટક્કર આપી રહ્યું છે, એટલું જ નહીં રશિયન દળોને યુક્રેનિયન સેના પીછેહટ કરવાની ફરજ પાડી રહી છે ત્યારે હવે રશિયાએ નવો દાવ રમવા માંડ્યો છે એમ લાગે છે. જ્યાં રશિયા તરફી વસ્તીનું મોટું પ્રમાણ છે અને  અલગતાવાદીઓ ઘણા સક્રિય છે તેવા પૂર્વીય અને દક્ષિણ યુક્રેનના ચાર પ્રદેશોમાં હવે લોકમત લેવાની યોજના બનાવવામાં આવી છે. પૂર્વ અને દક્ષિણ યુક્રેનના રશિયાના કાબૂ હેઠળના પ્રદેશોએ મંગળવારે જાહેરાત કરી હતી કે તેમણે  રશિયાનો અખંડ ભાગ બનવા માટે આ સપ્તાહે મતદાન શરૂ કરાવવાની યોજના બનાવી છે.

આ ચાર પ્રદેશોને ગળી જવા માટે ક્રેમલિનના ટેકાવાળા આ ઝડપી પ્રયાસોથી રશિયા માટે યુક્રેનિયન દળો સામે યુદ્ધ વધુ વકરાવવાનો માર્ગ ખુલ્લો  કરશે જે યુક્રેનિયન દળો પોતાના પ્રદેશો ફરી મેળવવા માટે સફળતાપૂર્વક લડી રહ્યા છે. દોનેત્સ્ક, લુહાન્સ્ક, ખરસોન અને રશિયાના આંશિક કબજાવાળા ઝાપોરિઝિઆ પ્રદેશોમાં શુક્રવારથી લોકમત લેવાનું શરૂ કરવાની આ યોજનાની જાહેરાત  એના પછી આવી છે જ્યારે રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિનના એક નિકટના સાથીદારે જણાવ્યું હતું કે મત લેવો જરૂરી છે. જ્યારે કે સાત મહિના અગાઉ શરૂ થયેલા યુદ્ધમાં રશિયા પીછેહટ કરી રહેલું જણાય છે. ભૂતપૂર્વ પ્રમુખ દમિત્રી મેડવેડેવે  કહ્યું હતું કે આ પ્રદેશોને રશિયામાં શામેલ કરી દેવાથી સરહદો બદલી નહીં શકાય તે રીતે ફરી દોરવામાં મદદ મળશે અને તેમનું રક્ષણ કરવામાં રશિયા કોઇ પણ સાધનોનો ઉપયોગ કરવા સક્ષમ બનશે.

રશિયા જેના પર હાલ કાબૂ ધરાવે જ છે તે પ્રદેશોમાં મતદાન રશિયાની તરફેણમાં જાય તે લગભગ ચોક્કસ હોવાની આશા રખાય છે પણ આ પ્રદેશોને રશિયન પ્રદેશો તરીકે પશ્ચિમી દેશોની સરકારો માન્યતા આપે તેની શક્યતા જણાતી નથી,  જે દેશો યુક્રેનને લશ્કરી તથા અન્ય સહાય આપીને ટેકો આપી રહ્યા છે. લુહાન્સ્ક અને દોનેત્સ્ક બંને ભેગા મળીને દોનબાસ પ્રદેશનો ઘણો ભાગ બનાવે છે જ્યાં ૨૦૧૪થી રશિયા તરફી અલગતાવાદીઓ યુક્રેન સામે લડી રહ્યા હતા. દોનેત્સ્કમાં  અલગતાવાદી નેતા ડેનિસ પુશિલિને કહ્યું હતું કે દોનબાસની લાંબા સમયથી સહન કરી રહેલી પ્રજાને એક મહાન દેશનો ભાગ બનવાનો અધિકાર મળ્યો છે જેને તેઓ પોતાની માતૃભૂમિ માનતા હતા.

દુનિયાના અન્ય કોઇ પણ દેશના  અલગતાવાદીઓ જેવી જ ડેનિસની ભાષા છે. દોનબાસના પ્રદેશનો ઇતિહાસ ઘણો ગુંચવાયેલો છે. આમ તો દોનબાસનો ઇતિહાસ બહુ જૂનો પણ નથી. સત્તરમી સદીથી જ અહીં લોકોના વ્યવસ્થિત વસવાટની શરૂઆત થઇ, તે પહેલા તો આ  પ્રદેશ ખાલી જેવો જ હતો. થોડી વિચરતી જાતીઓ અહીં આવીને થોડો સમય વસતી હતી અને પછી જતી રહેતી હતી. સત્તરમી સદીમાં આ પ્રદેશમાં વસવાટ શરૂ થયો. ૧૮મી સદીના અંતના ભાગે અહીં ઘણા રશિયનો, યુક્રેનિયનો, સર્બો અને  ગ્રીકો આવીને વસ્યા. બીજા વિશ્વ યુદ્ધ વખતે નાઝી સેનાએ અહીં પણ ઘણો હાહાકાર મચાવ્યો હતો.

ત્યારબાદ યુક્રેનની સાથે દોનબાસ પ્રદેશ પણ સોવિયેટ યુનિયનમાં જોડાયો. જો કે તે પહેલા ૧૯૨૬થી જ અહીં ઘણા રશિયનોને વસાવવામાં  આવી રહ્યા હતા. ૧૯પ૯ સુધીમાં તો આ પ્રદેશનું ઘણે અંશે રશિયનકરણ કરી નાખવામાં આવ્યું અને એટલે સુધી કે જ્યારે સોવિયેટ યુનિયનનું વિસર્જન થવાની તૈયારી થતી હતી ત્યારે દોનબાસ પ્રદેશમાંથી યુક્રેન સોવિયેટ યુનિયનમાંથી છૂટું  પડીને સ્વતંત્ર થાય તેના વિરોધમાં ચળવળ ચાલી હતી. જો કે ત્યારબાદ દોનેત્સ્ક અને લુહાન્સ્કમાંથી બહુમતિ મતદારોએ સોવિયેટ યુનિયનમાંથી સ્વતંત્ર થવાની તરફેણમાં મતદાન કર્યું હતું. જો કે થોડાક જ વર્ષોમાં સ્થિતિ બદલાઇ ગઇ અને  યુક્રેનની સરકાર દોનબાસના લોકોની ઉપેક્ષા કરી રહી છે તેવા આક્ષેપો થવા માંડ્યા અને અલગતાવાદી ચળવળ શરૂ થઇ. ૨૦૧૪માં તો અહી રશિયા તરફી અલગતાવાદીઓએ ભયંકર લડાઇ ચાલુ કરી. સંઘર્ષના આ વર્ષોમાં ઘણા લોકોએ જીવ  ગુમાવ્યા છે અને હવે ફેબ્રુઆરી ૨૦૨૨થી રશિયાએ શરૂ કરેલુ યુદ્ધ હજી ચાલુ છે.

શુક્રવારથી દોનબાસના બે પેટા પ્રદેશો અને બીજા બે પ્રદેશો મળીને ચાર પ્રદેશોમાં લોકમત લેવાનું શરૂ થશે, પણ યાદ રહે કે આ લોકમતનું આયોજન રશિયાના ટેકાથી સ્થાનિક અલગતાવાદી નેતાઓએ કર્યું છે. યુએનની કે કોઇ તટસ્થ દેશની  દેખરેખ હેઠળ આ લોકમત લેવાઇ રહ્યો નથી એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે આ લોકમતનું ખાસ મહત્વ રહેશે નહીં. પરંતુ આ લોકમતમાં બહુમતિ મતો રશિયા સાથે જોડાવાની તરફેણમાં પડશે એવું લાગે છે અને એવું થશે તો બળપૂર્વક દોનબાસને  પોતાની સાથે જોડી દેવા માટે રશિયા આગળ વધશે. બીજા બે પ્રદેશોને પણ તે આ રીતે પોતાની સાથે જોડી દઇ શકે છે. જો કે આમ છતાં તેમને રશિયાના ભાગ તરીકે આંતરરાષ્ટ્રીય સમુદાયની માન્યતા મળશે નહીં એ સ્પષ્ટ જણાય છે. તે  સાથે એ પણ એક શક્યતા છે જ કે દોનબાસને રશિયાના હાથમાં જતું રોકવા યુક્રેન સખત સૈન્ય લડત આપે. દોનબાસના મોરચે આગામી કેટલાક દિવસો મહત્વના બની રહેશે.

Most Popular

To Top