Columns

બુદ્ધત્વને સમજવા માટે

એક પ્રોફેસરને બૌદ્ધ ધર્મમાં રસ પડ્યો. ધીમે ધીમે તેણે પોતે બૌદ્ધ ધર્મનું પાલન કરવા માંડ્યું.બુદ્ધત્વને સમજવા માટે પ્રોફેસરે જેટલા હાથ લાગ્યા તે બધા ગ્રંથો વાંચી નાખ્યા.ગોખી નાખ્યા.અનેક સ્થળોની મુલાકાત લીધી.પણ માત્ર માહિતીઓ મળી. બુદ્ધત્વ એટલે શું તે સમજાયું જ નહિ. પ્રોફેસરની હવે જિજ્ઞાસા વધુ તીવ્ર બની. તેમને વધુ પ્રયત્નો શરૂ કર્યા, પણ પરિણામ શૂન્ય. બુદ્ધત્વની સમજણ ન જ મળી, માત્ર નિરાશા જ મળી. છેવટે તેઓ એક બોધિસત્વ પાસે ગયા અને બધી વાત કરી.પોતે બુદ્ધત્વને સમજવા અનેક પુસ્તકો વાંચ્યાં. અનેક શોધ કરી, પણ કંઈ સમજણ ન મળી તો હવે શું કરવું? બોધિસત્વ બોલ્યા, ‘અરે, મને પહેલાં મળવું હતું ને આટલાં બધાં કોઈ પુસ્તકો વાંચવાની જરૂર ન હતી.બસ, એક પુસ્તક વાંચ્યું હોત, તેમાં જ બધું તમને સમજાઈ જાત.’

હજી બોધિસત્વ કૈંક આગળ કહે તે પહેલાં જ પ્રોફેસરે ઉતાવળથી પૂછ્યું, ‘કયું પુસ્તક? મેં લગભગ બધા ગ્રન્થ વાંચ્યા છે.’ બોધિસત્વ બોલ્યા, ‘કંઈ ન કરો’ નામનું એક જ પુસ્તક તમે વાંચ્યું હોત તો બીજું કંઈ વાંચવું ન પડત.’ પ્રોફેસર બોલ્યા, ‘આ પુસ્તક મેં નથી વાંચ્યું. હમણાં જ ખરીદીને લઇ આવું અને વાંચી નાખું.જલ્દી મને તેના લેખકનું નામ અને પુસ્તક કયાં મળશે તે કહો.’ બોધિસત્વ બોલ્યા, ‘અરે, ભાઈ, થોડી ધીરજ ધરીને મારી વાત સાંભળ. આ પુસ્તક ક્યાંય મળતું નથી.આ પુસ્તક મેળવવું શક્ય જ નથી અને વાંચવું પણ અસંભવ છે.’ પ્રોફેસર બોલ્યા, ‘એવું કેમ?’ બોધિસત્વ બોલ્યા, ‘આ ‘કંઈ ન કરો’ નામના પુસ્તકની ખાસિયત એ છે કે તે બંધ આંખે વાંચવું પડે છે.’ પ્રોફેસર આ સાંભળીને ચમક્યા અને બોલ્યા, ‘બંધ આંખે કોઈ પણ વસ્તુ જોઈ શકાય નહિ અને વાંચી શકાય નહિ તો આખું પુસ્તક બંધ આંખે કઈ રીતે વંચાય?’

બોધિસત્વ બોલ્યા, ‘પહેલાં તમે શાંત બેસો, થોડી ધીરજ ધરો અને બધા જ તર્કવિતર્ક છોડી દો.’ પ્રોફેસર થોડા શાંત પડ્યા. પછી બોધિસત્વ બોલ્યા, ‘મેં જે પુસ્તકનું નામ કહ્યું ‘કંઈ ન કરો’ તે વિષે શાંતિથી વિચારો.’ પ્રોફેસરે શાંત પડ્યા બાદ પુસ્તકના નામ પર ધ્યાન આપ્યું. ‘કંઈ ન કરો.’ પછી તેમને સમજાયું કે નક્કી આ નામમાં કૈંક રહસ્ય છે. પ્રોફેસરે બોધિસત્વની સામે જોયું. કૈંક પૂછે તે પહેલાં બોધિસત્વ બોલ્યા, ‘શરીર અને મનની ત્રણ ક્રિયાઓ –વિચારવું – બોલવું – અને વ્યક્ત થવું આ ત્રણે ક્રિયા ન કરવી. આ બધી ક્રિયામાંથી નિવૃત્ત થવું અને પછી એકદમ અલિપ્ત થઈને જે થાય તે જોયા કરવાનું.રોજ રોજ બંધ આંખે આ પુસ્તક વાંચવાની કોશિશ કરવાની. ધીમે ધીમે પુસ્તક આપમેળે વંચાતું જશે અને બુદ્ધત્વની સમજણ આવશે.’ બોધિસત્વએ પ્રોફેસરને સાચો માર્ગ અનોખી રીતે સમજાવ્યો.
            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top