Columns

ઇનોવેશન શીખવું હોય હાર્વર્ડ શુલ્ટઝ પાસેથી શીખો

પણે સવારે ઊઠીએ છીએ, ઑફિસ જઈએ છીએ, કામના બોજમાં સમય ક્યાંય પસાર થઈ જાય છે અને એ જ રોજિંદી ઘટમાળ દિવસો સુધી સતત ચાલ્યા કરે છે. આનાથી નથી આપણને પૂર્ણ સંતોષ મળતો કે નથી આનાથી આપણું કાર્ય પ્રભાવશાળી બનતું. આ રોજિંદી ઘટમાળ અને એ જ કાર્યશૈલીમાંથી બહાર આવવા શું કરવું જોઈએ તે પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. મારા મતે આનો એક જ ઉપાય છે – ‘ઇનોવેશન.’ ઇનોવેશન એટલે કંઈક જુદું કરો, કંઈક નવું કરો, તમારી કાર્યશૈલી બદલો, તમારા કામને આનંદથી માણો.

એટલું ચોક્કસ નક્કી કરો કે કામના 8 કલાકની વચ્ચે – હું 1 કલાક કંઈક નવું કરવામાં ફાળવીશ. જેનાથી મને આનંદ મળશે, ઉત્સાહ વધશે અને સંસ્થાની પ્રગતિમાં પણ હું યોગદાન આપી શકીશ. રેડીમેડ કૉફીની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ ‘સ્ટારબક્સ’ ઇનોવેશનનું આગવું ઉદાહરણ છે તે વિગતવાર જોઈએ. દુનિયાની સહુથી મોટી કૉફી હાઉસની કંપની સ્ટારબક્સે 1971માં 3 લોકોએ સીએટલ, વૉશિંગ્ટનમાં સ્ટારબક્સ સ્ટોર ખોલ્યો. એ સમયે ત્યાં રેડીમેડ કૉફી નહીં પણ કૉફીના દાણા વેચાતા હતા. 1983માં હાર્વર્ડ શુલ્ટઝ આ કંપનીમાં નોકરી કરવા લાગ્યા.

એક વાર જ્યારે શુલ્ટઝ ઇટાલીની મુલાકાતે ગયા ત્યારે તેણે એસ્પ્રેસો ડ્રિંક્સની લોકપ્રિયતા જોઈ. તેમણે અમેરિકામાં પણ થોડું ઇનોવેશન કરી એસ્પ્રેસો કૉફીના આઉટલેટ્સ ખોલવા વિચાર્યું. તેણે થોડું સર્વે અને સંશોધન કરીને અનુભવ્યું. અમેરિકાના લોકો જે ઝડપથી જિંદગી જીવે છે તે જોતાં તેઓ ઘરની બહાર પણ વધારે સારી કૉફી પીવા આવશે. શુલ્ટઝે સ્ટારબક્સના તે વખતના માલિકોને સલાહ આપી કે તેઓ કૉફીના દાણાની સાથોસાથ રેડીમેડ કૉફી અને એસ્પ્રેસો ડ્રિંક્સ પણ વેચે પણ માલિક આવું કરવા માટે તૈયાર ન હતા. તેમને ડર હતો કે રેડીમેડ કૉફી વેચવાથી તેમના મૂળ ધંધા પર અવળી અસર પડશે. તે ઉપરાંત માલિકનો એવો વિચાર હતો કે રેડીમેડ કૉફી કોઈ પસંદ નહીં કરે કારણ કે લોકોની માનસિકતા એવી હતી કે ઘરની કૉફી જ મૂળ કૉફી ગણાય.

ગમે તેમ પણ હાર્વર્ડ શુલ્ટઝ આ માનવા તૈયાર ન હતા. તેમણે પોતાની નવી કાર્યશૈલીથી કામ કરવાનું ચાલુ રાખ્યું ને એક દિવસ પોતાના ઇનોવેશનના આઇડિયા અમલમાં મૂકવા તેમણે એક કૉફી ચેન ‘અલ ગ્યોરનેલ’ શરૂ કરી. તેના નવા આઇડિયાના પ્રતાપે તેમની કૉફી ચેનને એટલી બધી સફળતા મળી કે 1987માં તેણે સ્ટારબક્સ કે જ્યાં પોતે નોકરી કરતા હતા તે ખરીદી લીધી અને પોતાના તમામ આઉટલેટ્સને ‘સ્ટારબક્સ’ નામ આપી દીધું. સ્ટારબક્સે પોતાના નિયમોમાં પણ ઇનોવેશન અને નવી પદ્ધતિઓ જોડી. સ્ટારબક્સે શરૂઆતથી જ ફ્રેન્ચાઇઝી દેવાને બદલે પોતાના સ્ટોર ખોલવાની નીતિ અપનાવી અને તેમાં તે ખૂબ જ સફળ થયા.

દેશ – વિદેશમાં ઘણી સફળતા પછી 1998માં તેમણે ઇંગ્લૅન્ડમાં 60 આઉટલેટ્સવાળી સીએટલ કૉફી કંપની ખરીદીને તેના બધા આઉટલેટ્સને સ્ટારબક્સ નામ આપી દીધું. પોતાના ઇનોવેશનને કાર્યપદ્ધતિમાં અપનાવવાના નિયમને કારણે આજે 50 દેશોમાં સ્ટારબક્સના 17,000થી વધારે સ્ટોર્સ છે અને વિશ્વની ટોપ 100 કંપનીમાં આજે સ્ટારબક્સનું નામ છે.
જરા વિચારો, જો સ્ટારબક્સના મૂળ માલિકોએ હાર્વર્ડ શુલ્ટઝની ‘કાર્યપદ્ધતિ’માં ઇનોવેશનની સલાહ માનીને તેના પર અમલ કર્યો હોત તો આજે તેઓ ખુદ વિશ્વના ટોપ ઉદ્યોગપતિના લિસ્ટમાં હોત. જે કંઈ કાર્ય કરો અને જો તેમાં તમે ઇનોવેશનને મહત્ત્વ આપશો તો તમે બધા કરતાં કંઈક જુદા તરી આવશો.

  • હાર્વર્ડ શુલ્ટઝ જોડેથી નીચેની વાતો શીખવી જોઈએ
    રોજિંદા કાર્યમાં તમારા કામના બધા કલાકો ન વેડફો. રોજ અડધોથી એક કલાક કંઈક નવું વિચારવામાં અથવા તો કંઈક નવું કરવાના કામમાં વ્યસ્ત રહો.
  • એટલું યાદ રાખો કે તમારે બીજાથી કંઈક અલગ તરી આવવું હોય તો કંઈક નવો ચીલો પાડવો પડશે. તે માટે તમારી કાર્યશૈલીને થોડી બદલવી પડે. આસપાસનું નિરીક્ષણ કરો અને સૌથી શ્રેષ્ઠ હોય તેવા કામમાં તમારા સમયનો સદુપયોગ કરો.
  • જો તમે સંસ્થાના કામમાં સમર્પિત થઈને ‘ઇનોવેશન’નો મંત્ર તમારા કાર્યમાં અપનાવશો તો તમે સંસ્થામાં ચોક્કસ ઉપયોગી સાબિત થઈ શકશો અને સંસ્થા હંમેશાં સારી વ્યક્તિની કદર કરે છે.
  • ટોળામાં ન ભળો, કંઈક નવું કરો. નવા ઉત્સાહ અને આશાઓથી નવું ઇનોવેશન કરો. સફળતા તમારા હાથવગી જ રહેશે.
    ubhavesh@hotmail.com

Most Popular

To Top