Columns

આ ED વળી શું છે?

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શિવસેનાના નેતા સંજય રાઉતને નોટિસ મોકલી હતી. મુંબઈમાં ‘ચાલ’ના પુનઃવિકાસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે ED દ્વારા તેમને સમન્સ મોકલવામાં આવ્યું હતું. સંજય રાઉતને દક્ષિણ મુંબઈમાં ED ઑફિસમાં હાજર થવા અને પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તેમનું નિવેદન નોંધવાનું કહેવામાં આવ્યું હતું. વર્ષની શરૂઆતમાં તપાસ દરમિયાન EDએ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉત અને તેના બે સહયોગીઓની 11.15 કરોડ રૂપિયાની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરી હતી.

એકનાથ શિંદેના નેતૃત્વમાં મહારાષ્ટ્રના શિવસેનાના 40થી વધુ ધારાસભ્યોએ પાર્ટી વિરુદ્ધ બળવો કર્યો હતો. જેના પછી રાજ્યમાં શિવસેના, NCP અને કોંગ્રેસની મહાવિકાસ અઘાડી સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. છેવટે BJPએ શિવસેનાના બાગી ધારાસભ્યોના લીડર એકનાથ શિંદેને મહારાષ્ટ્રના CM બનાવી નવી સરકાર બનાવી છે. આ દરમિયાન ED ખાસ ચર્ચામાં રહ્યું હતું. આ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝની મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરી હતી. EDએ તેમને નિવેદન નોંધવા માટે બોલાવ્યા હતા. આ મામલો જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત છે. એપ્રિલના અંતમાં EDએ જેકલીનની 7.27 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. તેમની સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તાજેતરમાં EDએ નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને પણ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા. EDએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની પણ ઘણા દિવસો સુધી પૂછપરછ કરી હતી.

અલબત્ત, ED આજકાલ ચર્ચામાં છે. દેશની આ એજન્સી વિશે અખબારોમાં રોજેરોજ ન્યૂઝ પ્રકાશિત થઈ રહ્યા છે. કોઈ એકાદો દિવસ જ એવો હોય છે, જ્યારે ED વિશે અખબારોમાં કંઈ છપાતું નથી. વિરોધપક્ષ તો ખુલ્લમખુલ્લા એવો આક્ષેપ કરે છે કે મોદી સરકાર EDનો ખોટી રીતે ઉપયોગ કરી રહી છે. લોકોને, ખાસ કરીને રાજકારણીઓને ડરાવવા માટે EDનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અલબત્ત, વારંવાર ED વિશે સાંભળ્યા પછી એક આમ આદમીને સવાલ થઈ રહ્યો છે કે આ ED વળી કયા પ્રકારની એજન્સી છે? તેના અધિકાર હેઠળ શું શું આવે છે? કેમ નેતાઓમાં તેનો ખૌફ ફેલાયો છે? શું ED એવી ખૌફનાક એજન્સી છે? આજે આપણે સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલાં જાણીએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની રચના ક્યારે અને શા માટે કરવામાં આવી?

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અથવા ED એ ભારત સરકાર દ્વારા આર્થિક ગુનાઓ અને વિદેશી વિનિમય કાયદાના ઉલ્લંઘનની તપાસ કરવા માટે બનાવવામાં આવેલ બહુશાખાકીય સંસ્થા છે. આ ડિરેક્ટોરેટની સ્થાપના 1 મે, 1956ના રોજ આર્થિક બાબતોના વિભાગના નિયંત્રણ હેઠળ અમલીકરણ એકમ તરીકે કરવામાં આવી હતી. વર્ષ 1957માં આ એકમનું નામ બદલીને ‘એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ’ કરવામાં આવ્યું હતું. તે ભારત સરકારની આર્થિક ગુપ્તચર એજન્સીની જેમ કામ કરે છે. શરૂઆતમાં ED નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ હેઠળ હતું પરંતુ 1960થી તે ભારત સરકારના નાણાં મંત્રાલયના મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળ કામ કરે છે. EDનું હેડક્વાર્ટર દિલ્હીમાં છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનું નેતૃત્વ કરે છે અને તેનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી અને ચંદીગઢ ખાતે પાંચ પ્રાદેશિક કચેરીઓ પણ છે. આ પ્રાદેશિક કચેરીઓનું નેતૃત્વ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સ્પેશ્યલ ડિરેક્ટર દ્વારા કરવામાં આવે છે. જેઓ તેમના વિસ્તારમાં આવતાં ડિરેક્ટોરેટ ઑફ એન્ફોર્સમેન્ટની તમામ ઝોનલ અને સબ – ઝોનલ ઑફિસનું કામ જુએ છે.

EDના માળખા અને કચેરીઓ વિશે જાણી લીધું. હવે એ જાણીએ કે ED મુખ્યત્વે એ ક્યા 5 કાયદા છે જેની હેઠળ કામ કરે છે? પહેલો કાયદો છે – પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 (PMLA): તે મની લોન્ડરિંગને અટકાવવામાં, એટલે કે હવાલાના વ્યવહારોને અટકાવવા અને તેની સાથે સંકળાયેલી બાબતો અથવા આ મામલે સંબંધિત મિલકતની જપ્તી માટે ઘડવામાં આવેલો ફોજદારી કાયદો છે. ED આ કાયદાનો ઉપયોગ કરીને મની લોન્ડરિંગના ગુનાઓની તપાસ કરે છે. આમાં મુખ્ય છે મિલકતની જપ્તી, જપ્તીની કાર્યવાહી અને મની લોન્ડરિંગના ગુનામાં સામેલ વ્યક્તિઓ સામે કાર્યવાહી.

બીજો કાયદો છે – ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999 (FEMA): આ કાયદો વિદેશી વેપાર અને ચૂકવણીની સુવિધાને લગતાં કાયદાઓને એકીકૃત કરવા અને સુધારવા માટે અને ભારતમાં વિદેશી વિનિમય બજારના સુવ્યવસ્થિત વ્યવહારો અને જાળવણીને પ્રોત્સાહન આપવા માટે ઘડવામાં આવ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ FEMA ઉલ્લંઘન માટે દોષિતોની તપાસ કરે છે અને સામેલ રકમના 3 ગણા સુધીનો દંડ લાદી શકે છે.

ત્રીજો કાયદો છે – ભાગેડુ આર્થિક અપરાધી અધિનિયમ, 2018 (FEOA): આ કાયદો આર્થિક કૌભાંડ આચરતા અપરાધીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. જેઓ આર્થિક અપરાધ કર્યા પછી ભારતમાંથી ભાગી જાય છે, ED આવા ગુનેગારોને ભારતીય કાયદાની પ્રક્રિયામાં પાછા લાવવા માટે આ કાયદા હેઠળ કામ કરે છે.

ચોથો કાયદો છે – ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ, 1973: આ કાયદો ભારતમાં વિદેશી ચૂકવણીઓને નિયંત્રિત કરવા અને વિદેશી વિનિમયનો નિયમો મુજબ ઉપયોગ કરવા માટે બનાવવામાં આવ્યો હતો. તે હાલમાં લાગુ પડતો નથી કારણ કે રદ કરાયો છે પરંતુ ED આ કાયદા હેઠળ 31.05.2002 સુધી જારી કરાયેલ કારણ બતાવો નોટિસના ઉલ્લંઘનમાં પગલાં લે છે. પાંચમો કાયદો છે – ફોરેન એક્સચેન્જ પ્રોટેક્શન એન્ડ સ્મગલિંગ એક્ટ 1974: આ એક્ટ હેઠળ EDને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999 (FEMA)ના ઉલ્લંઘનના સંદર્ભમાં નિવારક અટકાયતના કેસોને પ્રાયોજિત કરવાની સત્તા આપવામાં આવી છે.

ED પાસે ગુનાહિત પ્રવૃત્તિઓમાંથી મેળવેલી સંપત્તિ જપ્ત કરવા ઉપરાંત કાળા નાણાંના ધંધામાં સંડોવાયેલા વ્યક્તિઓની ધરપકડ અને કાર્યવાહી કરવાની સત્તા છે. જો કોઈ પોલીસ સ્ટેશનમાં એક કરોડ રૂપિયાથી વધુની કમાણી સાથે સંબંધિત કોઈ ફોજદારી કેસ હોય તો ED આવી સ્થિતિમાં કાર્યવાહી કરે છે. મની લોન્ડરિંગના કિસ્સામાં પણ ED મિલકતની તપાસ, જપ્તીનો આદેશ આપી શકે છે.

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમ 4 હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓની ટ્રાયલ માટે કેન્દ્ર સરકાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કરીને એક અથવા વધુ સત્ર અદાલતોને વિશેષ અદાલતો તરીકે નિયુક્ત કરી શકે છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ રચાયેલી કોર્ટને ‘PMLA કોર્ટ’ પણ કહેવામાં આવે છે.

આ હતી EDની જન્મકુંડળી. નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી ED વધારે અગ્રેસિવ દેખાઈ રહી છે. સરકારના વિરોધીઓનું કહેવું છે કે સરકાર EDનો ઉપયોગ તેના ટીકાકારો અને બિનસરકારી જૂથોને ચૂપ કરવા માટે એક સાધન તરીકે કરી રહી છે. જેના કારણે ભારતના ઝડપી આર્થિક વિકાસને ઠેસ પહોંચી રહી છે. આ ઉપરાંત ED પર સવાલિયા નિશાન એટલા માટે લગાઈ રહ્યું છે, કારણ કે તેનો ટ્રેક રેકોર્ડ જોશો તો કેસોની સજા છે. આંકડા જાણીને તમે પણ ચોંકી જશો! PMLA હેઠળ એજન્સીએ 1,569 વિશિષ્ટ તપાસના સંબંધમાં માર્ચ 2011થી જાન્યુઆરી 2020 સુધીમાં 1,700થી વધુ દરોડા પાડ્યા હતા. જો કે તે જ સમયગાળામાં ED માત્ર 9 કેસોમાં આરોપીને અદાલતમાં દોષિત ઠરાવવામાં સફળ રહી છે. જેમાંથી મોટા ભાગના ઓછા હાઈ પ્રોફાઇલ કેસો છે.

ED પાસે કર્મચારીઓની જબરદસ્ત કમી છે. પરિણામે અપૂરતું માનવબળ હોવાથી યોગ્ય મની ટ્રેઇલના પુરાવા સ્થાપિત કરવામાં એજન્સીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉદાહરણ તરીકે PMLA દ્વારા અધિનિયમિત કરવામાં આવેલ 1,000થી વધુ કેસોમાં તપાસ બાકી છે. આ ઉપરાંત ટીકાકારોને આક્ષેપ મુજબ ED પાસે સ્વતંત્રતા નથી અને દુરુપયોગ વધુ થઈ રહ્યો છે! ટીકાકારો તેને રાજકીય ડરાવવાનું સાધન ગણાવે છે. કારણ કે EDના મંત્રાલયનો વહીવટ કેન્દ્ર સરકારના નિયંત્રણમાં છે. સૌથી મોટો અવરોધ જો દોષિત ભારતની બહાર ફરાર હોય તો ED પાસે અધિકારક્ષેત્રનો અભાવ છે. હાલમાં દોષિતોની તપાસ અથવા ધરપકડ કરવાની EDની સત્તા ભારતના ક્ષેત્રમાં મર્યાદિત છે. ખરેખર, EDની સત્તાઓ અને જવાબદારીઓને પર્યાપ્ત ધિરાણની જરૂર છે, પરંતુ EDના કાર્યોના સંદર્ભમાં અગાઉની અંદાજપત્રીય ફાળવણી અપૂરતી છે. ટીકાકારોનું કહેવું છે કે જો આ રીતે જ ED કામ કરતી રહેશે તો અપરાધીઓ પર તેની અસરકારકતા રહેશે નહીં.

Most Popular

To Top