Charchapatra

ત્રણ કપ ચા

એક બિઝનેસમેન ,એકદમ બીઝી લાઈફ સ્ટાઇલ…ખૂબ જ સફળ અને મોટો વેપાર…બહુ કામ ..ઘડીની ફુરસદ ન મળે ….બહારગામ અને વિદેશમાં ફરતા રહે.પણ હંમેશા ખુશખુશાલ દેખાય, ક્યારેય થાકેલા ,કંટાળેલા કે સ્ટ્રેસમાં લાગે નહિ.એક દિવસ એક ફ્લાઈટમાં એક બહુ પ્રખ્યાત પત્રકાર બિઝનેસમેનને અચાનક મળ્યા અને ફ્લાઈટમાં જ વિનંતી કરી કે, ‘સર ,કયારેક સમય મળે તો મને તમારો ઈન્ટરવ્યુ લેવો છે.’

બિઝનેસમેન બોલ્યા, ‘શું આજે ,અત્યારે તમારી પાસે સમય છે તો હું ઈન્ટરવ્યુ આપવા તૈયાર છું. આમ પણ આ ફ્લાઈટ બે કલાકની છે અને તેમાં મને કોઈ ખાસ કામ નથી.’પત્રકાર આટલા મોટા બિઝનેસમેનની નમ્રતા જોઈ ખુશ થયા.
ફ્લાઈટમાં રીક્વેસ્ટ કરી તેમણે બાજુ બાજુની સીટ લીધી અને ઈન્ટરવ્યુ શરૂ કર્યો.પત્રકારે ઘણા સવાલ પૂછ્યા. બિઝનેસમેને બધા જવાબ આપ્યા, પ્રેમથી પોતાના જીવનની વાતો કરી.

પછી પત્રકારે પૂછ્યું, ‘સર, તમે આટલા બીઝી રહો છો છતાં ક્યારેય સ્ટ્રેસમાં દેખાતા નથી.થાકેલા લગતા નથી.બહુ સહજતાથી આટલા બધા કામ કરો છો અને હંમેશા ખુશ જ દેખાવ છો તેનું કોઈ ખાસ રહસ્ય છે?’
બિઝનેસમેન હસ્યા અને બોલ્યા, ‘હા, તેનું રહસ્ય છે ત્રણ કપ ચા ….!!!’પત્રકારને આવા જવાબની આશા ન હતી. તેઓ બોલ્યા, ‘ત્રણ કપ ચા ….!!! એટલે ??? હું કંઈ સમજ્યો નહિ…ચા તો બધા પીએ છે.’

બિઝનેસમેન હસ્યા અને બોલ્યા, ‘પત્રકાર મહાશય, મને ખબર છે ચા બધા પીતાં હોય છે અને ત્રણથી વધારે કપ પણ પીતાં હોય છે…પણ મારી ત્રણ કપ ચા એટલે વિશેષ છે કે તે હું કોની સાથે પીઉં છું તે મહત્ત્વનું છે.જો જો પાછા એમ ન સમજતા કે આ ત્રણ કપ ચા હું રોજ મોટા માણસો, બિઝનેસમેન કે પોલીટીશ્યન સાથે પીતો હોઈશ….’
પત્રકાર બોલ્યા, ‘મને એમ જ લાગ્યું કે તમે રોજ ત્રણ મહત્ત્વની મીટીંગ કરતા હશો.’

બિઝનેસમેન બોલ્યા, ‘ના દોસ્ત , મહત્ત્વની મીટીંગ તો સ્ટ્રેસ આપે …હું મારી સવારની પહેલી ચા મારા માતા -પિતા સાથે જ પીઉં છું..બહારગામ હોઉં તો પણ બ્રેકફાસ્ટ ટેબલ પર વિડીયોકોલ પર તેમની સાથે વાત કરતાં કરતાં જ મારા દિવસની શરૂઆત કરું છું.હું બ્રેકફાસ્ટ ટાઇમ પર અન્ય કોઈ મીટીંગ રાખતો જ નથી અને બીજી ચા હું બપોરે ટી ટાઈમમાં ઓફિસમાં મારી કેબીનમાં નહિ, પણ મારા સ્ટાફ સાથે કેન્ટીનમાં જઈને તેમની સાથે બેસીને પીઉં છું.

તેમની સાથે બેસીને તેમના વિચારો જાણું છું.બહારગામ હોઉં તો મારી સાથે મારો જે સ્ટાફ સાથે હોય છે તેમની સાથે ચા પીઉં છું અને રાત્રે ત્રીજો કપ ચા હું મારી પત્ની સાથે પીઉં છું…તે કોલ્ડ કોફી કે ગ્રીન ટી પીએ છે પણ હું તો મસાલાવાળી ચા જ …અમે સાથે બેસીને ચા પીતાં પીતાં દિવસભરની વાતો કરીએ છીએ.બસ આ ત્રણ કપ ચા હું મારા જીવનની મહત્ત્વની વ્યક્તિઓ સાથે પીઉં છું અને મનપસંદ વ્યક્તિ સાથે …મનપસંદ પીણા સાથે …મનગમતી વાતો કરતા વિતાવેલો સમય મને હંમેશા ખુશખુશાલ ,સ્ટ્રેસ ફ્રી રાખે છે.’બિઝનેસમેને પોતાનું રહસ્ય જણાવ્યું.

Most Popular

To Top