Charchapatra

આ અહંકાર છે

મારા જેવું કોઈ નહીં, આવું માનવું એ પણ એક પ્રકારનો દંભ અને ભ્રમ છે. આ હું કરી શકું છું, એને આત્મવિશ્વાસ કહેવાય, પણ આ હું “જ” કરી શકું, એ અહંકાર છે. ગાંધીજીએ ક્યારેય એવું નહોતું કહ્યું કે હું દેશને આઝાદી અપાવવાની ગેરંટી આપું છું. સરદાર વલ્લભભાઈ પટેલે 565 જેટલાં રજવાડાંઓના વિલીનીકરણનું ભગીરથ કાર્ય કર્યા પછી ક્યારેય એવું નથી કહ્યું કે, આ કામ કરવા માટે ભગવાને મને પસંદ કર્યો. જવાહરલાલ નહેરુએ ઇસરો, આઇઆઇટી, આઈઆઈએમ, ભાખરા નાગલ બંધ જેવા પ્રકલ્પો કરીને ક્યારેય બડાશ નથી મારી કે હું હતો તો આ બધું થયું.

1965 માં લાલબહાદુર શાસ્ત્રીએ ભારતીય લશ્કરને પાકિસ્તાનના લાહોર સુધી ઘુસાડીને ક્યારેય આવા લશ્કરી પગલાં માટે મત નથી માંગ્યા કે “લાલ કી સેના” જેવા ઝુમલા વહેતા નથી મૂક્યા. 1971 માં ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનના બે ટુકડા કરી બાંગ્લા દેશનું સર્જન કરીને ક્યારેય એવું નથી કહ્યું કે “ઇન્દિરા હે તો મુમકીન હૈ.” 1971 માં ઇન્દિરા ગાંધીએ પોખરણમાં જગત કાજી એવા અમેરિકાને અંધારામાં રાખીને અણુધડાકો કરી વિશ્વને ચોંકાવી દીધું હતું, ત્યારે ઇન્દિરા ગાંધીએ નહોતું કહ્યું કે વિશ્વની હવે આપણા દેશ તરફ જોવાની નજર બદલાશે. ઇન્દિરા ગાંધીએ 1975 માં સિક્કિમને ભારતમાં ભેળવીને ક્યારેય ડંફાસ નથી મારી કે આ હું જ કરી શકું છું. 1969 માં બેંકોનું રાષ્ટ્રીયકરણ કરીને ઇન્દિરા ગાંધીએ જાહેરાતો નહોતી કરી કે મેં ગરીબો માટે બેંકોના દરવાજા ખોલી નાંખ્યાં છે.

રાજાઓનાં સાલિયાણાં બંધ કરીને ઇન્દિરા ગાંધીએ ક્યારેય પાનાંઓ ભરીને અખબારોમાં જાહેરાતો નહોતી આપી. એક સમયે કાશ્મીરના વિશેષ દરજ્જાને કારણે કાશ્મીરનો ધ્વજ, બંધારણ, છ વર્ષની ચૂંટણી પ્રથા, કાશ્મીરમાં પ્રવેશવા માટેના વિઝા, મુખ્યમંત્રીને વડા પ્રધાન કહેવાની પ્રથા ઇત્યાદિ જે કંઈ બાબતો કાશ્મીરને ભારતથી જુદા પાડતી હતી એ બધી પ્રથાઓ ઇન્દિરા ગાંધીએ સિફતથી અને કોઈ પણ પ્રકારના ઢોલ નગારા પીટયા વગર નાબૂદ કરી હતી. 5 ઓગસ્ટ 2019 ના દિવસે મોદી સરકારે જે 370 ની કલમ દૂર કરી, એ તો ઇન્દિરા ગાંધીએ કોઈ પણ પ્રકારની લડાઈ અને બડાઈ વગર બુઠ્ઠી કરી નાંખી હતી. 5 ઓગસ્ટ 2019 ના દિવસે તો માત્ર 370 કલમની પેટા કલમ 35(A) દૂર થઈ કહેવાય. આવું કરીને ઇન્દિરા ગાંધીએ ચૂંટણી પ્રચારમાં એવું નહોતું કહ્યું કે અમને કમસેકમ 370 ની સીટ આપી જીતાડશો.
સુરત     – પ્રેમ સુમેસરા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top