Comments

શિક્ષકતાલીમને ગુણવત્તાસભર બનાવવાની ખાસ જરૂર છે

શિક્ષણ એ સામાજીક વિકાસનો એક મહત્વનો પાયો છે અને શિક્ષણ વ્યવસ્થાનો આધારસ્તંભ છે – શિક્ષક. આજના આધુનિક યુગમાં ઔપચારિક શિક્ષણવ્યવસ્થામાં ઇજનેર, વકીલ, અધિકારીઓ, ડોકટરો આ બધાનું ઘડતર શિક્ષક કરે છે. હવે મુદ્દો એ છે કે આ શિક્ષકનું ઘડતર કેવી રીતે થાય છે? ભારતીય લોકશાહી વ્યવસ્થાને કારણે એક મોટો બદલાવ સમાજજીવનમાં આવ્યો. તે આ કે હવે જન્મથી શિક્ષક થવાતું નથી. હવે ડીગ્રી મેળવીને શિક્ષક થવાય છે. જ્ઞાતિ, જાતિ, ધર્મના ભેદભાવ વગર શિક્ષક થવાય છે. એક ચોકકસ જ્ઞાતિમાં જન્મ થયો હોય તે જ શિક્ષકનું કામ કરે તેવું હવે નથી. આ મોટું પરિવર્તન આપણે નજર અંદાજ કરીએ છીએ.

ખેર, મૂળ વાત છે એ કે શિક્ષક થવા માટે ભણવું પડે. તાલીમ લેવી પડે. ચોકકસ વ્યવસાયના શિક્ષક થવા માટે ચોકકસ વિષયની તાલીમ લેવી પડે. હવે સમાજ કેવો બનશે તેનો આધાર શિક્ષણ અને શિક્ષકો પર અને આવનારા સમયમાં શિક્ષકો કેવા મળશે, તે વર્તમાનમાં શિક્ષકો કેવી રીતે તૈયાર થઇ રહ્યા છે, કેવા લોકો શિક્ષક બનવા મથામણ કરી રહ્યા છે તેના પર આધારિત છે. હવે જો ગુજરાતમાં વર્તમાનમાં શિક્ષક તાલીમની જે સંસ્થાઓ ચાલે છે, તે જે રીતે ચાલે છે અને જે રીતે પ્રાથમિક શિક્ષણ માટે PTC તથા ઉચ્ચ માધ્યમિક શિક્ષણ માટે B.Ed કોલેજો ચાલે છે, તે જોતા ખૂબ દુ:ખ થાય છે.

કોલેજમાં અધ્યાપક થવા માટે શિક્ષણ તાલીમની જરૂર નથી, એવું પહેલેથી માની લેવાયું છે. માટે જ ઘણા અધ્યાપકોને ‘શું ભણાવવું’ એ બરાબર ખબર હોય છે, પણ ‘કેવી રીતે ભણાવવું’ તે ખબર નથી હોતી! ગુજરાતમાં એક વખતે PTC (પ્રાયમરી ટીચર્સ ટ્રેનિંગ) અને B.Ed (બેચલર ઓફ એજયુકેશન)માં પ્રવેશ મેળવવામાં ફાંફાં પડતા! જેમ એન્જીનિયરીંગ અને મેડિકલમાં પ્રવેશ માટે ઊચી ટકાવારીમાં સ્પર્ધા થતી હતી, તેવી જ રીતે આ શિક્ષણ તાલીમની સંસ્થાઓમાં પણ થતી.

પણ વસ્તુ બજાર સાથે સેવાઓ અને પાયાની જરૂરિયાતમાં પણ ખાનગીકરણ સ્વીકારાયું. સરકારી અને સરકારી ગ્રાન્ટથી ચાલતી શિક્ષણ સંસ્થાઓ સાથે ‘સેલ્ફ ફાયનાન્સ’ શિક્ષણ સંસ્થાઓ પણ શરૂ થઇ. શાળા – કૉલેજો સાથે શિક્ષક તાલીમ સંસ્થાઓ પણ થઇ. એટલે PTC અને B.Ed કૉલેજો પણ સેલ્ફ ફાયનાન્સ ખુલી. ખુલી તો કેવી ખુલી? જે ખેતરમાં કશું જ નહોતું ઊગતું, ત્યાં B.Ed કૉલેજો ખૂલી. વળી સરકારી પ્રાથમિક શાળાઓમાં વર્ષોથી ખાલી પડેલી હજારો (લાખો?) જગ્યાઓ શંકરસિંહ વાઘેલાના સમયમાં ‘બાલગુરૂ’ યોજના દ્વારા ભરવાનું શરૂ થયું.

જે આગળ જતા વિદ્યાસહાયક, શિક્ષણ સહાયક, અધ્યાપક સહાયક તરીકે વિસ્તરી. દર વર્ષે 10,000 પ્રાથમિક શિક્ષકોની ભરતી થવાનું શરૂ થયું. એટલે PTC કોલેજોમાં એડમિશનમાં ભીડ જામી. સામે PTC કૉલેજો પણ ખુલી. આવું જ શિક્ષક ભરતીને કારણે B.Edમાં થયું. ‘સ્પર્ધા વધશે તો શિક્ષણનું સ્તર સુધરશે! કૉલેજોએ વિદ્યાર્થીઓને આકર્ષવા સારી સુવિધા, યોગ્યતાવાળા અધ્યાપકો રાખવા પડશે.’  શિક્ષણવિદો અને સામાજીક આગેવાનો સરકારના રવાડે ચડયા. કેટલાકે તો ‘એજયુકેશન ઇન્ડસ્ટ્રી’ – શિક્ષણને ઉદ્યોગનું લેબલ લગાવ્યું.

પણ કોઇ સ્પર્ધા ન થઇ. કેન્દ્રિય કમિટી જ પ્રવેશ ફાળવવા આપતી. નબળી કૉલેજો અને નબળા વિદ્યાર્થીઓની જુગલબંધી સર્જાઇ. ઘરે બેસીને ભણવાની ઇચ્છાવાળા વિદ્યાર્થીઓ અને આવી સુલભ યોજના આપતી કૉલેજોનું મહત્વ વધ્યું. B.Ed. હોય તો નિયમિત હાજરી જોઇએ. પાઠ આપવાની તડામાર તૈયારી હોય. રોજે રોજના ઉત્તમ પ્રદર્શન માટેની તૈયારી હોય આ બધું જ ગયું. ખાનગી કૉલેજોમાં નબળા અધ્યાપકો, લાયકાત વગરના અધ્યાપકો, ‘પ્રોફાઇલ’ પર ચાલતો સ્ટાફ. સાચા પ્રિન્સિપાલ મધ્યપ્રદેશમાં કાર્યકારી, પ્રિન્સિપાલ કોલેજમાં વળી સરકારે યોજના કરી ગરીબ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીને શિક્ષણ ફ્રી, હોસ્ટેલ ફ્રી, ભોજનબીલ સહાય આપવા લાગી. ખાનગી કૉલેજના સંચાલકોને સરકારી નાણા ઘરભેગા કરવાનો સુવર્ણ અવસર મળ્યો. રીતસર એજન્ટ ગામે ગામ ફરીને ગ્રેજયુએટ વિદ્યાર્થીઓની માર્કશીટ, સર્ટી ઊઘરાવી લાવે. કૉલેજ કાગળ પર વિદ્યાર્થીઓના એડમિશન બતાવે.

આ તમામ વિદ્યાર્થીની શિક્ષણ, હોસ્ટેલ, ભોજન ફી સંચાલકને મળી જાય. બદલામાં વિદ્યાર્થીઓ સગવડતાપૂર્ણ રીતે જરૂર હોય ત્યારે કોલેજમાં આવે. ખાસ ‘પરીક્ષા ટૂર’માં પરીક્ષા આપે. શિક્ષણવિદોને થાય કે શિક્ષક તાલીમ માટે 1 વર્ષ ઓછું કહેવાય. 2 વર્ષની તાલીમ જોઇએ! એટલે યોજના રજૂ થાય. ‘આ જ યોગ્ય છે’ એટલે સરકારને કહે કે શિક્ષણવિદોએ કહ્યું તેનું પાલન કરો અને એક દિવસ પણ ન ભણતા છોકરા કાગળ પર 2 વર્ષ ભણે. સંચાલકોને 1 વરસ માટે મળતી ફી 2 વર્ષ મળે!

ગાંધીનગરમાં ટીચર્સ ટ્રેનિંગ યુનિવર્સિટી છે. હવે તમામ સરકારી અને ગ્રાન્ટેડ કૉલેજો તેના હસ્તકમાં છે, જ્યાં પ્રવેશ માટે પણ પરીક્ષા લેવાય છે. હવે આ યુનિવર્સિટી અંતર્ગત કૉલેજોમાં શિક્ષણ – પરિક્ષણ બધું જ નિયમિત થવા લાગ્યું છે. વિદ્યાર્થીએ હાજરી આપવી પડે છે. પાઠ આપવા પડે છે. નીત નવી પ્રવૃત્તિઓ થયા કરે છે અને ખાસ વાત તો એ કે પરિક્ષણ એવું વ્યવસ્થિત થાય કે વિદ્યાર્થી સાવ ખુલ્લેઆમ ‘કોપી’ કરીને પાસ ન થાય, ઘરે બેઠા અભ્યાસ ન કરી શકે.

સાવ રમતા રમતા 80 – 90 % ન લાવે. ડો. હર્ષદ પટેલ સતત મથામણ કરી રહ્યા છે કે શિક્ષક તાલીમ વધુને વધુ ગુણવત્તાયુકત બને પણ ગુજરાતમાં વિસ્તરેલી સેંકડો સેલ્ફ ફાયનાન્સ કૉલેજોનું શું? ઘરે બેઠા B.Ed કરી પરીક્ષા સમયે સંચાલકોની રહેમ નજર 80 – 90 % લાવનારા લાખો તાલીમી શિક્ષકો ગુજરાતના શિક્ષણ જગતમાં ફેલાઇ રહ્યા છે. કોઇને થાય કે સરકાર TET, TAT દ્વારા પસંદગી કરીને જ શિક્ષકની ભરતી કરે છે પણ આ ભરતી માત્ર સરકારી સ્કુલોના શિક્ષકોની ગુણવત્તા સુધારે છે. આપણે લાખો ખર્ચીને જે ખાનગી પ્રાથમિક શાળાઓમાં બાળકોને ભણાવીએ છીએ, ત્યાં તો આ ખાનગી કોલેજોના ‘બિનતાલીમી’ પણ ડીગ્રીધારી શિક્ષકો જ બાળકોને ભણાવે છે.

તો મૂળ વાત આ જ કે ગુજરાતમાં શિક્ષક તાલીમના ક્ષેત્રે વ્યાપક અંધાધૂંધી ચાલે છે. હોંશિયાર વિદ્યાર્થીઓને અન્યાય થવાનો પૂરેપૂરો સંભવ છે. માટે સરકારના સૌ પ્રથમ શિક્ષણ તાલીમની કૉલેજોને નિયમબધ્ધ, ગુણવત્તાયુકત કરે. જે ખરેખર શિક્ષક થવા માંગે છે તે જ આમાં જોડાય, તેવા વાતાવરણનું નિર્માણ થવું જરૂરી છે. કાયદા બધા જ છે! નિયમો પૂરતા છે. જરૂર છે નિસ્બતપૂર્વકના અમલની!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top