Editorial

ઇશાન ભારતમાં અનેક સ્થળે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે

ઇશાન ભારતના રાજ્ય મણિપુરમાં બે દિવસ ભારે હિંસાખોરી રહી. બુધવારની બપોરથી શરૂ થયેલા રમખાણો રાત્રે અને ગુરુવારે લગભગ આખો દિવસ ચાલ્યા અને તેમાં ડઝનબંધ લોકો હોમાઇ ગયા હોવાનું કહેવાય છે. આ આખી લડાઇ ત્યાં આદિવાસી અને બિનઆદિવાસીઓ વચ્ચેની છે. બુધવારની આદિવાસી એકતા રેલી પછી શરૂ થયેલી હિંસાખોરીએ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને પગલે સત્તાવાળાઓએ તોફાનોને નાથવા માટે દેખો ત્યાંથી ઠાર કરોના આદેશો સુરક્ષા દળોને જારી કરવા પડ્યા હતા અને તોફાન ગ્રસ્ત વિસ્તારોમાં અર્ધ લશ્કરી દળો ઉપરાંત લશ્કરની ટુકડીઓ પણ તૈનાત કરવી પડી હતી. આ બાબતો જ આ રમખાણોની ગંભીરતા સૂચવે છે.

એમ કહેવાય છે કે ડઝનબંધ લોકોનાં આ રમખાણોમાં મોત થયા છે અને સેંકડો લોકોને ઇજા થઇ છે. માલ મિલકતનું નુકસાન તો એટલું ભયંકર છે કે અમુક સ્થળે તો ધરતીકંપ થયો હોય તેવું દ્રશ્ય તસવીરમાં દેખાય છે. મણિપુરના આ તોફાનોએ એ વાત સાચી સાબિત કરી બતાવી કે ઇશાન ભારતમાં અનેક સ્થળે વિવિધ મુદ્દે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે અને ગમે ત્યારે મોટો ભડકો થઇ શકે છે. બુધવારે નાગા અને કૂકી આદિવાસીઓ દ્વારા આદિવાસી એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બહુમતિ મેઇતી સમુદાયને પણ અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની સરકારની હિલચાલના વિરોધમાં આ રેલી યોજવામાં આવી હતી.

આ રેલી પછી મેઇતી લોકો અને આદિવાસીઓએ એકબીજા પર હુમલા કરવા માંડ્યા હતા, રાત્રે તો આ રમખાણો ખૂબ વકર્યા હતા જેના પછી હિંસાગ્રસ્ત વિસ્તારોમાં લશ્કરી ટુકડીઓ રવાના કરવામાં આવી હતી અને દેખો ત્યાંથી ઠાર કરોના આદેશો જારી કરવામાં આવ્યા હતા. વિવિધ વિસ્તારોમાં તોડફોડ અને આગચંપીના બનાવો નોંધાયા હતા. અનેક મકાનોને આગ ચંપાઇ હોવાના અહેવાલ છે તથા આદિસાસી બહુલ વિસ્તારોમાંથી મેઇતી લોકો જીવ બચાવવા ભાગી છૂટ્યા હોવાનું જાણવા મળે છે.

મણિપુરમાં આદિવાસીઓમાં વ્યાપેલા વ્યાપક રોષ માટે બે મહત્વના કારણો છે. એન. બિરેન સિંહની સરકારે કેટલાક જંગલ વિસ્તારોને રક્ષિત વિસ્તારો જાહેર કરીને ત્યાં ખેતી કરવાની મનાઇ ફરમાવી દીધી તેથી આદિવાસીઓમાં રોષ હતો જ, ત્યાં બિનઆદિવાસી એવા મેઇતી સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની સરકારની હિલચાલે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું. કૂકી અને નાગ જાતિના આદિવાસીઓએ ભેગા થઇને આ હિલચાલ સામે મોટી રેલી કાઢી અને તેમાંથી રમખાણો શરૂ થઇ ગયા. કૂકી અને નાગ આદિવાસીઓમાંથી મોટી સંખ્યામાં લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે. ધર્મ પરિવર્તન કર્યું હોવા છતાં તેમને માટે અનામત જેવા લાભો ચાલુ રહ્યા છે અને આ લાભોમાં મેઇતી સમુદાય ભાગ પડાવશે એવો ભય લાગતા જ તેઓ ઉશ્કેરાયા. અનામતનો મુદ્દો આપણા દેશના ખૂણે ખૂણામાં કેટલો મહત્વનો બની ગયો છે તે પણ આના પરથી સમજાય છે.

ઉત્તર પૂર્વ ભારત કે ઇશાન ભારતના રાજ્યોની સ્થિતિ અત્યંત ગુંચવાયેલી છે. ત્યાં વિવિધ રાજ્યોમાં વિવિધ આદિવાસી જાતિઓ અને અન્ય જાતિઓ વચ્ચે સંઘર્ષનો જૂનો ઇતિહાસ છે. કેટલાક રાજ્યો વચ્ચે સરહદી વિવાદો પણ છે. આસામ અને મિઝોરમ વચ્ચે કેવો સરહદી વિવાદ થયો અને બંને રાજ્યોના પોલીસ દળો પણ એકબીજા સાથે બાખડ્યા તે આપણે જોયું છે અને એક સમયે તો એવી સ્થિતિ સર્જાઇ હતી કે જાણે બે દેશ વચ્ચે યુદ્ધ ચાલતું હોય.

મણિપુરમાં આદિવાસી અને બિનઆદિવાસી મેઇતી સમુદાય વચ્ચેનો સંઘર્ષ છે તો આસામ અને ત્રિપુરા જેવા રાજ્યોમાં સ્થાનિક લોકો અને બંગાળી જેવા બહારથી આવીને વસેલા લોકો વચ્ચેનો સંઘર્ષ છે તો કેટલાક રાજ્યોમાં અલગતાવાદી સંગઠનો પણ સમયે સમયે ઉત્પાત મચાવે છે. મણિપુરની હાલની ઘટનાઓએ સાબિત કરીને બતાવ્યું છે કે ઉત્તર પૂર્વ ભારતમાં વિકાસ કાર્યો વડે શાંતિ સ્થાપિત કરાવી દીધી હોવાનું આશ્વાસન સરકાર લઇ શકે તેમ નથી. ત્યાંના વિશિષ્ટ માહોલ બાબતે જરાયે ગાફેલ રહેવાનું પાલવે તેમ નથી.

Most Popular

To Top