Comments

અત્યંત ઊંચાં પરિણામો ચિંતાનો વિષય હતાં

એક વિદ્યાર્થીને નેવ્યાસી ટકા છતાં તે રડી રહ્યો હતો. કારણ માત્ર એટલું જ હતું કે તેણે પંચાણુ ટકા ધાર્યા હતા.
વ્યક્તિને અપેક્ષા મુજબનાં પરિણામો ન મળે ત્યારે તે દુ:ખી થાય છે પણ સમજદાર લોકો તેનાથી અકળાઈ જતાં નથી. ગુજરાતમાં બારમા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ગત વર્ષ કરતાં 6% ઓછું આવ્યું તેની મિડિયાએ ચર્ચા શરૂ કરી દીધી, પણ બોર્ડ પરીક્ષાનું ઓછું પરિણામ ‘‘સંચાલકો’’ને દુ:ખી કરે, શિક્ષણશાસ્ત્રીઓએ તેમાં વિચલિત થવું નહીં! બોર્ડ પરીક્ષાનું 65 % જેટલું ઊંચું પરિણામ સામાન્ય કે સામાન્ય કરતાં વધારે છે. ખરી વાત તો એ છે કે વિજ્ઞાન પ્રવાહમાં સમગ્ર બોર્ડનું પરિણામ 72% થી 80% આવે તે ચિંતાનો વિષય છે. કારણ કે વધારે ઉત્પાદન ઘણી વાર ગુણવત્તાનો ભોગ લે છે! એ જ રીતે ઊંચાં પરિણામો શિક્ષણની ઊંચી ગુણવત્તાની ખાતરી આપતા નથી!

બારમા ધોરણમાં બોર્ડની પરીક્ષાના વિજ્ઞાન પ્રવાહમાં પહેલાં 50 % પરિણામ માંડ માંડ આવતું હતું. પછી ઉચ્ચ શિક્ષણમાં ખાનગીકરણનો યુગ શરૂ થયો. એન્જિનિયરીંગ, ફાર્મસી અને ક્રમશ: મેડીકલ કોલેજો ખૂલવાની શરૂ થઈ અને પછી સંચાલકો, નેતાઓ અને સરકારી શિક્ષણ છે. એ બારમા વિજ્ઞાન પ્રવાહમાં A ગૃપ B ગૃપની ફોર્મ્યુલા બનાવી! ‘‘આધે ઈધર જાવ, આધે ઈધર જાવ…’’કરીને ચમત્કારિક ઊંચાં પરિણામો મેળવવાનાં શરૂ થયાં. એમાંય પરીક્ષાપધ્ધતિ સરળ બનાવી, હેતુલક્ષી પ્રશ્નો ઉમેરાયા અને પરિણામો ઊંચાં જવા લાગ્યાં. પરિસ્થિતિ તો એ આવી કે- ‘‘વિદ્યાર્થીએ નપાસ થવું હોય તો અરજી કરવી પડે!’’- ની સ્થિતિ સર્જાઈ.. અત્યંત ઊંચાં પરિણામો માટે-‘‘શિક્ષણ બોર્ડ જ નપાસ’’ની લાગણી ઉદ્ભવી અને ‘‘સેલ્ફ ફાયનાન્સ કોલેજો ભરવાનું કાવતરું!’’ચર્ચાનો વિષય બન્યું!

ઊંચાં પરિણામો અને વિદ્યાર્થીઓનો ખાનગી એન્જિનિયરીંગ કોલેજોનો મોહ એકાદ-બે વર્ષમાં ઊતરી જશે તેવું આ કોલમમાં આપણે જણાવ્યું જ હતું! અને હવે તે દિશામાં પ્રયાણ શરૂ થઈ ગયું છે! ખાનગી કોલેજો ચાલે અને સંચાલકોનાં ઘર ભરાય એટલે શિક્ષણની ગુણવત્તાના ભોગે ઊંચાં પરિણામ ન અપાય. પણ ગુજરાતમાં કેટલાક મિડિયાકર્મી ખાનગી કોલેજ સંચાલકોના ઈન્ટરવ્યુ કરી આ ‘‘નીચા પરિણામ’’નો ઊહાપોહ ઊભો કરે છે. વિપક્ષ પણ કારણ વગરનો આ મુદ્દામાં ઉમેરાય છે. ધોરણ દસ અને બારમાની બોર્ડની પરીક્ષામાં આવનારા વિદ્યાર્થીઓ કોચીંગ ક્લાસમાં જાય જ છે. શહેરની નામાંકિત શાળાઓમાં પણ બોર્ડનાં વિદ્યાર્થીઓ નિયમિત સ્કૂલે આવતાં નથી. ગુજરાતનાં ઉચ્ચ મધ્યમ વર્ગનાં વાલીઓ જ બાળકોને બોર્ડની પરીક્ષાના એક વર્ષ પહેલાં જ કોચિંગ ક્લાસમાં મૂકી દે છે! અને તેઓ જ ઈચ્છે છે કે બાળક રોજ શાળાએ નહીં જાય તો ચાલશે!

સંપન્ન પરિવારો પોતાનાં બાળકોને ખાનગી શાળામાં જ ભણાવે છે અને ટ્યુશન ક્લાસીસમાં પણ ભણાવે છે. માટે જ સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં સુવિધાનો અભાવ, શિક્ષકોની ખાલી જગ્યાઓ આ વિષય પર તે માંગ નથી કરતી! બાકી શિક્ષકોની ખાલી જગ્યાઓ માત્ર બોર્ડની પરીક્ષાના પરિણામને જ અસર કરે છે? શિક્ષકો માત્ર દસમા અને બારમાના વિદ્યાર્થી માટે જ જરૂરી છે? શિક્ષકો તમામ વર્ગના શિક્ષણ માટે જરૂરી છે! બોર્ડનું પરિણામ ઊંચું આવે કે નીચું, સરકારે શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવાની જ હોય! ગુજરાતમાં બારમા સાયન્સનું પરિણામ ગત વર્ષ કરતાં થોડું ઘટ્યું છે.

પણ સંખ્યાની રીતે પાસ થનારાં વિદ્યાર્થીઓ ઘટ્યાં નથી. આપણે સમજવું પડશે કે અગાઉનાં વર્ષોમાં માસ પ્રમોશનથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પાસ થયાં હતાં. આ વર્ષે બારમા સાયન્સમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પાસ થયાં હતાં. આ વર્ષે બારમા સાયન્સમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા વધારે હતી. આપણે ત્યાં ધોરણ દસનું બોર્ડનું પરિણામ લગભગ 60 % આસપાસ રહે છે. હવે દસમામાંથી અગિયારમાં જનારા જ 40 % ઘટી જાય તેને બદલે માસ પ્રમોશનને કારણે લગભગ 90% અગિયારમામાં પ્રવેશ લે તો તેમાંથી થોડાં નાપાસ થાય તો પણ તે વધારે જ હોય!

ટૂંકમાં કોરોનાકાળમાં શિક્ષણ ઉપર પડેલી અસરો હવે પરિણામોમાં દેખાવા લાગી છે. આ અને આવતા બે વર્ષમાં વિવિધ બોર્ડ પરીક્ષામાં પરિણામો ધાર્યા મુજબનાં ન પણ આવે! આપણો પ્રશ્ન પરિણામનો હોવો જોઈએ નહીં! આપણો પ્રશ્ન શિક્ષણની ગુણવત્તાનો હોવો જોઈએ. વળી, આપણું સમગ્ર ધ્યાન શાળા, શિક્ષણ અને દસમા-બારમાની બોર્ડની પરીક્ષા પર જ રહે છે. આપણે ઉચ્ચ શિક્ષણમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે. બારમા વિજ્ઞાન પ્રવાહનું 65% પરિણામ ચિંતા કરાવનારું નથી.

યુનિવર્સિટીઓમાં ગ્રેજ્યુએટ કક્ષાએ આવતા 80% અને 90% પરિણામો ચિંતાજનક છે! આ કોલેજમાં આપણે લખ્યું હતું કે છેલ્લાં વર્ષોમાં પી.એચ.ડી ના વિદ્યાર્થીના સંશોધન કાર્યને અમાન્ય કરવામાં આવ્યું હોય તેવું ક્યાંય બન્યું છે! જેઓ શિક્ષક બનવાની તાલીમ લે છે તેવા બી.એડ. નાં પરિણામો આટલાં ઊંચાં કેમ છે! શાળામાં તો વિદ્યાર્થી કોચિંગ ક્લાસમાં જતો હોય માટે નથી આવતો પણ આપણી બી. એડ. કોલેજોમાં તો તે ઘરે જ રહે છે અને છતાં નથી આવતો! ગુજરાતે શિક્ષણના મૂલ્યની ચિંતા કરવાની જરૂર છે.

જે રાજ્યમાં ગિજુભાઈ બધેકા, માનાભાઈ ભટ્ટ જેવા કેળવણીકારોએ શિક્ષણનાં મૂલ્યોનું જતન કર્યું હોય ત્યાં સેલ્ફ ફાયનાન્સ શાળા કોલેજોના સંચાલકો ‘‘શિક્ષણવિદ્’’બનીને શિક્ષણની ચર્ચા કરે તે યોગ્ય નથી! હજુ દસમાનું પરિણામ બાકી છે, બારમા સામાન્ય પ્રવાહનું પરિણામ બાકી છે. આ બધાં પરિણામો પર કોરોનાની અસર દેખાશે જ! પરિણામ પરની અસરની ચિંતા ન કરશો. શિક્ષણ ઉપર જે અસર પડી છે તેની ચિંતા કરજો.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top