Columns

ગુજરાતના સંસદીય ઇતિહાસમાં ત્રીજો પક્ષ ક્યારેય ફાવ્યો નથી

BJPએ ગુજરાતમાં 1985નો કોંગ્રેસનો રેકોર્ડ તોડ્યો છે. 1985ની સાલમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એ સમયના મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસને કુલ 182 બેઠકોમાંથી 149 બેઠકો મળી હતી અને 55.55 % મત મળ્યા હતા. BJPને ત્યારે 14.96 % મત સાથે માત્ર 11 બેઠકો મળી હતી. 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 49.10 % મત સાથે લોકસભાની 515 બેઠકોમાંથી 404 બેઠકો મળી હતી અને BJPને 7.74 % મત સાથે માત્ર 2 બેઠકો મળી હતી. બન્ને ચૂંટણીઓ ઇન્દિરા ગાંધીની હત્યા પછી તરતમાં યોજાઈ હતી જેનું આ પરિણામ હતું. 1985ની વિધાનસભાની ચૂંટણી પછી થોડાક જ મહિનામાં અનામતવિરોધી આંદોલન થયું હતું અને ગુજરાતના પાટીદારોનો કોંગ્રેસ સાથે સંબંધવિચ્છેદ થયો હતો.

આ ઘટના 37 વરસ જૂની છે અને 37 વરસમાં BJPએ ગુજરાતમાં ચૂંટણી જીતવાની કેમિસ્ટ્રી વિકસાવી છે પણ કોઈ અકળ કારણસર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી જીતવાની નથી કોઈ કેમેસ્ટ્રી વિકસાવી શકી કે નથી BJPની કેમેસ્ટ્રીમાં કોઈ ઘોંસ પાડી શકી. તમને એમાં જરાય આશ્ચર્ય ન થવું જોઈએ કે 2002માં ગોધરા-ગુજરાતકાંડ પછી તરતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં BJPને 127 બેઠકો અને 49.8 % મત મળ્યા હતા અને એ પછી તેમાં ઉત્તરોત્તર ઘટાડો જ થયો હતો. નરેન્દ્ર મોદી સ્વયં ગુજરાતના મુખ્ય પ્રધાન હોવા છતાં અને ગુજરાત મોડેલની મુઠ્ઠી હજુ ઉઘાડી નહોતી પડી એ છતાં BJPને એ પછીની કોઈ ચૂંટણીમાં 127 બેઠકો અને 49 % મત મળ્યા નહોતા. 2017ની ચૂંટણીમાં BJPને માત્ર 99 બેઠકો મળી હતી, જ્યારે કે હિંદુહૃદયસમ્રાટ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે અને દેશના વડા પ્રધાન તરીકે સાક્ષાત હાજરી ધરાવતા હતા.

તો પછી આ વખતે એવું શું બન્યું કે BJPએ 1985નો કોંગ્રેસનો રેકોર્ડ તોડ્યો? કેન્દ્ર સરકારે કે રાજ્ય સરકારે એવી કોઈ સિદ્ધિ મેળવી નથી કે પ્રજા સમરકંદ બુખારા ઓવારી જાય! ઊલટું BJPને મત નહીં આપવા માટે વધુ કારણો હતાં. જવાબ બહુ સરળ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને AAP BJPની બી ટીમ છે. આ છે ચૂંટણી જીતવાની ફોર્મ્યુલા કે વિનિંગ કેમેસ્ટ્રી. ચીમનભાઈ પટેલ, માધવસિંહ સોલંકી અને અમરસિંહ ચૌધરીનો યુગ પૂરો થયો એ પછીથી ગુજરાતના કોંગ્રેસના નેતાઓની કોઈ સક્રિયતા ક્યારેય નજરે પડી નથી. આ હું પહેલી વાર નથી કહેતો અનેક વાર કહી ચૂક્યો છું અને બીજા અનેક લોકો અનેક વાર કહી ચૂક્યા છે. AAP પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઇશારે રચાયેલી બી ટીમ છે એ પણ હું 2011માં ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનનું આંદોલન શરૂ થયું ત્યારથી કહેતો આવ્યો છું. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં 27 વરસની એન્ટી ઇન્કમબન્સીને માત આપીને 1985નો રેકોર્ડ BJP તોડી શકી એનાં કારણો આ છે, બાકી જે 2002થી 2017નાં વર્ષોમાં ન બન્યું એ આજે કેમ બને?!

2017માં BJPની મોટા પાયે પીછેહઠ થઈ હતી એનું કારણ રાહુલ ગાંધીએ ત્યારે કરેલો અથાક પરિશ્રમ હતો. તેમણે ત્યારે ગુજરાત ખૂંદી વળ્યું હતું. આ સિવાય હાર્દિક પટેલના કારણે પટેલોના એક વર્ગનો કોંગ્રેસને ટેકો મળ્યો હતો. 2017 પછીથી ગુજરાત કોંગ્રેસના નેતાઓએ હજુ વધુ સરસાઈ મેળવવા અને વધુ જગ્યા બનાવવા કોઈ મહેનત કરી હોય એવું જોવા મળ્યું નથી. આ વખતે રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેના પ્રચારમાં ખાસ રસ લીધો નહોતો અને સમય આપ્યો નહોતો. રાહુલ ગાંધી ભારત જોડો પદયાત્રા કાઢી રહ્યા છે અને એમ લાગે છે કે તેમની પ્રાથમિકતા કોંગ્રેસના નવસર્જનની છે.

તેમને સમજાઈ ગયું છે કે પક્ષનું નવસર્જન નીચેથી લોકોની વચ્ચે જવાથી અને નવયુવાનોની ભરતી કરવાથી થવાનું છે, ગુજરાત કોંગ્રેસના નેતાઓ જેવાઓનો બોજો ઊંચકવાથી નથી થવાનું. તેઓ પક્ષ માટે બોજારૂપ છે. આવા લોકોને BJPમાં જવું હોય તો જતા રહે અથવા પક્ષની અંદર હાંસિયામાં પડ્યા રહે પણ પક્ષને એવા લોકોનો જ ખપ છે જે પક્ષ માટે નવસર્જનના યજ્ઞમાં ઉપયોગી થાય. ગુજરાતમાંથી એક માત્ર જીગ્નેશ મેવાણી સિવાય આવી લાયકાત બીજો કોઈ કોંગ્રેસી નેતા ધરાવતો નથી. જીગ્નેશ મેવાણી BJPના તોફાન વચ્ચે વડગામમાંથી બીજી વખત ચૂંટણી જીતી શક્યા છે એ તેમની મહેનત અને રાજકીય પ્રતિબદ્ધતાનું પરિણામ છે.

જે BJPએ ગુજરાતમાં ભવ્ય વિજય મેળવ્યો એનો દિલ્હી મહાનગરપલિકામાં અને હિમાચલ પ્રદેશમાં પરાજય થયો. ચૂંટણીપંચ દરેક રીતે મદદરૂપ બન્યું હોવા છતાં. રાહુલ ગાંધીએ ગુજરાતની જેમ હિમાચલ પ્રદેશમાં પણ કોઈ સઘન પ્રચાર નહોતો કર્યો. આમ BJP અજેય છે એવું નથી. 24 કલાક સક્રિય રહેતો અને નજરે પડતો રાજકીય વિકલ્પ હોય તો મતદાતાઓને જોઇએ છે. પશ્ચિમ બંગાળ અને બિહાર આનાં ઉદાહરણ છે. ગુજરાતના સંસદીય ઇતિહાસમાં ત્રીજો પક્ષ ક્યારેય ફાવ્યો નથી. AAPનું કામ કોંગ્રેસને નુકસાન પહોંચાડવાનું અને BJPને મદદરૂપ થવાનું હતું જે તેણે કરી આપ્યું. આમ આદમી પાર્ટીના જુવાળની અને તે કોંગ્રેસની જગ્યા લેશે વગેરે વાતો થતી હતી પરંતુ AAPને કોંગ્રેસની ચોથા ભાગની બેઠકો નથી મળી.
આવતા વર્ષે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ નિર્ણાયક નીવડવાની છે.

Most Popular

To Top