SURAT

સુરત: સરથાણાની પોલીસ ચોકીનો દરવાજો તોડી ચોરી

સુરત(Surat) : શહેરમાં પોલીસ ચોકી (Police Station) પણ સુરક્ષિત નહીં હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વકીલ મેહુલ બોઘરાને જ્યાં ટ્રાફિક બ્રિગેડ (Traffic Brigade) દ્વારા ડંડાથી મારવામાં આવ્યો હતો તે સરથાણા સીમાડાની ટ્રાફિક પોલીસ ચોકીમાં ચોરી થઈ છે. આ અંગે મળતી વિગત અનુસાર સરથાણા સીમાડા ટ્રાફિક પોલીસ ચોકી ખાતે ફરજ બજાવતા શૈલેષકુમાર ગમનલાલ રાઠોડે સરથાણા પોલીસ સ્ટેશનનમાં ચોરી (Theft) અંગે ફરિયાદ આપી છે.

શૈલેષકુમાર રાઠોડે ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગઈ તા. 25મી ઓગસ્ટની રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમોએ સિમાડા પોલીસ ચોકીના મુખ્ય દરવાજાની વચ્ચેના ભાગે લાકડાની પ્લાયવુડની શીટ તોડી નાંખી હતી અને ચોકીની અંદર ઘુસીને કમ્પ્યૂટરનું મોનિટર ચોરી ગયા હતા. જેની અંદાજિત કિંમત 10 હજાર રૂપિયા થાય છે. જે પોલીસની ચોરોને પકડવાની ડ્યૂટી છે તે પોલીસની ચોકીમાં જ ચોર થતા આશ્ચર્ય સર્જાયું છે. આ સરથાણા એ જ વિસ્તાર છે જ્યાં ગયા અઠવાડિયે એડવોકેટ મેહુલ બોઘરા પર ટ્રાફિક બ્રિગેડ સાજન ભરવાડ દ્વારા જીવલેણ હુમલો કરાયો હતો. લોકો એવી ચર્ચા કરી રહ્યાં છે કે ઉઘરામાં વ્યસ્ત ટ્રાફિક પોલીસ પોતાની ચોકીની સુરક્ષાનું પણ ધ્યાન રાખી શકતી નથી.

ડુમસના ધ સ્ટેશન કેફેમાં ચોરી
સુરત: ડુમ્મસ રોડ પર વેલેન્ટાઈન થિયેટરની બાજુમાં ગ્રીન ઓર્ચિડ પાર્ટી પ્લોટમાં આવેલા ધ સ્ટેશન કેફેના (The Station Cafe) માલિકને ત્યાં નોકરોએ જ ચોરી કરી હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે. ધ સ્ટેશન કેફેના માલિક સંદીપ ક્રિષ્ણકાંત શાહે ફરિયાદ આપી છે કે પોતે નેપાળના વતની છે અને અહીં મગદલ્લા ગામમાં રાયન ઈન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં જયનાબેન પટેલના મકાનમાં રહે છે.

તેમના કેફેમાં સોનુ મિશ્રા વોચમેન તરીકે અને ગૌરવસિંહ મેહરવાનસિંહ નોકર તરીકે કામ કરતા હતા. બંને જણા ઉત્તરાખંડના વતની છે. આ બંને જણાએ ભેગા મળી ધ સ્ટેશન કેફેમાંથી રૂપિયા 2.44 લાખની માલ મત્તા ચોરીને નાસી ગયા છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી બંને ચોર ઈસમોની તપાસ હાથ ધરી છે. આ કેસમાં એવી વિગત બહાર આવી છે કે મૂળ નેપાળના વતની સંદીપ શાહ પાસે બંને નોકરોના ઓળખના પુરાવા નહોતા. તેઓ બંને નોકરોના પૂરા નામ પણ જાણતા નહોતા.

Most Popular

To Top