Comments

અમેરિકન પ્રમુખે પણ કબૂલ્યું કે ઇઝરાયેલ સમર્થન ગુમાવી રહ્યું છે

ગયા અઠવાડિયે યુએસ પ્રમુખ જો બિડેને ગાઝામાં અંધાધૂંધ બોમ્બધડાકા અને મોટા પાયે જાનમાલના વિનાશનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ઇઝરાયેલ સમર્થન ગુમાવી રહ્યું છે. નેતન્યાહુએ બદલાવું પડશે. ઇઝરાયેલ અને તેના નેતાઓ સાથે દાયકાઓ ઊંડો ઇતિહાસ ધરાવતા બિડેન ઈઝરાયેલ અને તેના લોકો માટે પ્રેમ ધરાવે છે. ગાઝા કટોકટી પહેલાં પણ વર્તમાન નેતન્યાહુ સરકાર પ્રત્યે યુએસ વહીવટીતંત્રનો પ્રતિભાવ સૂચક રહ્યો છે. ઇઝરાયેલી નેતાઓ તેમના પ્રથમ વર્ષમાં વ્હાઇટ હાઉસ ખાતે યુએસ પ્રમુખ સાથે મુલાકાત કરતાં હોય છે. આ વખતે બિડેને નેતન્યાહુ સાથે વ્હાઇટ હાઉસમાં મળવાને બદલે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દરમિયાન ન્યૂયોર્કમાં મળવાનું પસંદ કર્યું હતું.

જો કે આગામી દિવસોમાં યુએસ-ઇઝરાયેલ સંબંધોમાં મોટા ફટકાની અપેક્ષા દેખાતી નથી. ઇતિહાસ જોઈએ તો જણાશે કે અમેરિકન રાષ્ટ્રપતિઓ ઇઝરાયેલના વડા પ્રધાનો સાથે જાહેર લડાઈ ઇચ્છતા નથી. આવા ઝઘડાઓ બિનઉત્પાદક અને રાજકીય રીતે ખર્ચાળ પણ હોઈ શકે છે. યુએસ રાષ્ટ્રપતિઓ ભૂતકાળમાં પણ ઇઝરાયેલ પર દબાણ કર્યાના દાખલા છે, જેમકે પ્રમુખ ગેરાલ્ડ ફોર્ડ અને સેક્રેટરી ઓફ સ્ટેટ હેનરી કિસિંજર દ્વારા ૧૯૭૫માં ઇજિપ્ત સાથે બીજા સિનાઇ ડિસએન્ગેજમેન્ટના કરાર પર હસ્તાક્ષર કરવા માટે યિત્ઝાક રાબિનની સરકાર પર દબાણ કરવા માટે યુએસ-ઇઝરાયેલ સંબંધોનું પુનઃમૂલ્યાંકન કરવાની ધમકી આપી હતી. ૧૯૭૯માં ઇજિપ્તીયન-ઇઝરાયેલ શાંતિ સંધિ અંગે વડા પ્રધાન મેનાકેમ સાથે પ્રમુખ જિમી કાર્ટરની ખેંચતાણ અને પ્રમુખ જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશ અને સેક્રેટરી ઓફ સ્ટેટ જેમ્સ બેકર ૧૯૯૧માં મેડ્રિડ કોન્ફરન્સ સમયે લોન ગેરંટી અને સેટલમેન્ટ માટે ઇઝરાયેલ સાથે સંઘર્ષમાં ઊતર્યા હતા.

પેલેસ્ટિનિયન રાજ્યના વિરોધ અંગે નેતન્યાહુને ઠપકો આપ્યા પછી પણ બિડેને કહ્યું હતું કે અમે ઇઝરાઇલને સુરક્ષિત રાખવા સિવાય બીજું કંઈ કરીશું નહીં. અમે ઇઝરાયલને પોતાનો બચાવ કરવા અને હમાસ સામે લડવા જરૂરી મદદ કરીશું. રાષ્ટ્રપતિએ તેમની ટિપ્પણીમાં ફક્ત એક જ વાર પેલેસ્ટિનિયનોનું રક્ષણ કરવાની જરૂરિયાતનો ઉલ્લેખ કર્યો હતો અને તેમણે હમાસની સખત શબ્દોમાં નિંદા કરી હતી.

વર્ષોથી ઇઝરાઇલ માટે બિડેનનું વ્યક્તિગત સમર્થન તેમના સ્થાનિક રાજકારણ સાથે એકીકૃત રીતે ભળી ગયું છે. બિડેન એ પેઢીના છે જ્યારે ઇઝરાયેલને મદદરૂપ થવું નૈતિક રીતે યોગ્ય અને રાજકીય રીતે સ્માર્ટ અને જરૂરી હતું. પરંતુ યુએસના રાજકીય જીવનમાં ઘણી બધી બાબતોની જેમ, ઇઝરાયેલ પણ એક ધ્રુવીકરણ મુદ્દો બની ગયો છે અને ઇઝરાયેલ-હમાસ યુદ્ધે તે વિભાજનને કોંગ્રેસ અને જાહેર વલણ બંનેમાં પ્રતિબિંબિત કર્યું છે. મુખ્યત્વે પેલેસ્ટિનિયનોના મૃત્યુના સતત વધી રહેલા આંકડાઓ રોષનું કારણ બની રહ્યા છે. યુએસના સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટીને ઇઝરાયેલને ચેતવણી આપી હતી કે વધતા જતા નાગરિકોના મૃત્યુ આંક પેલેસ્ટિનિયનોને અલગ કરીને અને નવા આતંકવાદીઓ બનાવીને ઇઝરાયેલને વ્યૂહાત્મક હાર આપી શકે છે.

બિડેન માટે આ મુદ્દે રાજકારણ જટિલ બની રહ્યું છે. મોટા ભાગના ડેમોક્રેટ્સ હજુ પણ ઇઝરાયેલને મજબૂત સમર્થન આપે છે, પરંતુ લઘુમતી અને કેટલાક સેનેટરો પણ ઇચ્છે છે કે વહીવટીતંત્ર નેતાન્યાહુ પર વધુ કડક બને, તેમને યુદ્ધવિરામ માટે દબાણ કરે અથવા તો યુએસ લશ્કરી સહાય પર શરતો લાદવામાં આવે. ઇઝરાઇલ વિશે બિડેનનાં અંગત મંતવ્યો અને તેમના પોતાના પક્ષમાં રૂઢિચુસ્તોનું વલણ તેમના માટે ચિંતા ઊભી કરી શકે છે. અમેરિકન પ્રમુખની ચૂંટણીમાં ગાઝા એક હોટ મુદ્દો બની શકે છે.

યુએસના દબાણ હેઠળ ઇઝરાયેલ તેના ગ્રાઉન્ડ અભિયાનના આક્રમક તબક્કામાંથી નવા વર્ષની શરૂઆતમાં ગુપ્ત માહિતી-સંચાલિત કામગીરી તરફ વળે એવું બની શકે છે. આનાથી માનવતાવાદી સહાય અને કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સમારકામનો માર્ગ ખૂલવાની શક્યતા છે. અમેરિકાના પ્રમુખને તો મોડું મોડું સમજાયું. સારું થયું. પણ ૭મી ઓક્ટોબરે હમાસનો હુમલો થયો અને એકદમ આપણે ત્યાં વહારે ચઢી ગયેલા દેશભક્ત  ઈઝરાયેલભક્ત ઈઝરાયેલની તરફેણમાં કૂદી પડ્યા હતા તેમને આ સમજાયું હશે ખરું?
ડૉ. જયનારાયણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top