Editorial

ભારતમાં વિદ્યાર્થીઓના આપઘાતના બનાવોમાં ઉછાળો ખૂબ ચિંતાજનક છે

રાજસ્થાનના કોટામાંથી હાલમાં આઠ દિવસથી ગુમ થયેલા 16 વર્ષીય પ્રવેશ કોચિંગ વિદ્યાર્થીનો મૃતદેહ નજીકના જંગલ વિસ્તારમાંથી મળી આવ્યો હતો, સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE) ની તૈયારી કરી રહેલો વિદ્યાર્થી રચિત સોંધિયા 11 ફેબ્રુઆરીથી કોચિંગ સેન્ટર માટે તેની હોસ્ટેલ છોડ્યા પછી ગુમ હતો. તે છેલ્લીવાર ગરડીયા મહાદેવ મંદિર પાસેના જંગલ વિસ્તારમાં પ્રવેશતા સીસીટીવીમાં કેદ થયો હતો. પોલીસને સોંધિયાના રૂમમાંથી એક નોટ મળી આવી હતી જેમાં મંદિર જવાની તેની યોજનાનો ઉલ્લેખ હતો. સોંધિયાની બેગ, મોબાઈલ ફોન, રૂમની ચાવી અને અન્ય સામાન પોલીસને મંદિર નજીકથી મળી આવ્યો હતો. પ્રથમ દષ્ટિએ આ આત્મ હત્યાનો જ બનાવ જણાય છે. અને આવા તો કેટલાય વિદ્યાર્થીઓએ છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાના જીવનનો અંત આણ્યો છે.

ભારતમાં વિદ્યાર્થી છોકરા છોકરીઓના આપઘાતના બનાવો વધતા જાય છે. આ મુદ્દાની ગંભીરતાને સમજવા માટે અહીં કેટલાક આંકડા છે. 2021 માં, ભારતમાં 13,000 થી વધુ વિદ્યાર્થીઓ આત્મહત્યા દ્વારા મૃત્યુ પામ્યા, જે દરરોજ 35થી વધુનો દર છે. આ 2020 કરતાં 4.5% નો વધારો હતો, જ્યારે તે વર્ષ12,526 વિદ્યાર્થીઓ આત્મહત્યા દ્વારા મૃત્યુ પામ્યા હતા. ભારતમાં 2011 અને 2021 વચ્ચેના એક દાયકામાં વિદ્યાર્થીઓની આત્મહત્યામાં 70%નો વધારો થયો છે. દસ વર્ષના સમયગાળામાં આ ઘણો જ મોટો વધારો કહેવાય. 1995 થી, દેશે 2021 માં આત્મહત્યા દ્વારા સૌથી વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ ગુમાવ્યા, જ્યારે છેલ્લા 25 વર્ષોમાં લગભગ 2 લાખ વિદ્યાર્થીઓ આત્મહત્યા દ્વારા મૃત્યુ પામ્યા છે.

2017મા 9,905 વિદ્યાર્થીઓના આત્મહત્યા દ્વારા મૃત્યુ થયા હતા અને ત્યારબાદ તો વિદ્યાર્થીઓના આત્મહત્યા દ્વારા મૃત્યુમાં 32.15% નો વધારો થયો છે. 2021માં 1,834 વિદ્યાર્થીઓની આત્મહત્યાની સૌથી વધુ સંખ્યા મહારાષ્ટ્રમાં હતી, ત્યારબાદ મધ્ય પ્રદેશ અને તમિલનાડુ આવે છે. રિપોર્ટમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે મહિલા વિદ્યાર્થીઓની આત્મહત્યાની ટકાવારી 43.49% ની સપાટીએ હતી, જ્યારે પુરૂષ વિદ્યાર્થીઓની આત્મહત્યા કુલ વિદ્યાર્થી આત્મહત્યાના 56.51% છે. સ્પષ્ટ જણાય છે કે વિપરીત સંજોગો સામે ઝીંક ઝીલવાની શક્તિ છોકરાંઓ કરતાં છોકરીઓમાં વધુ છે.

શિક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ, 2014-21 દરમિયાન IIT, NIT, કેન્દ્રીય યુનિવર્સિટીઓ અને અન્ય કેન્દ્રીય સંસ્થાઓના 122 વિદ્યાર્થીઓ આત્મહત્યા દ્વારા મૃત્યુ પામ્યા હતા. રાજસ્થાનનું કોટા એન્જિનિયરિંગ અને મેડિકલ પ્રવેશ પરીક્ષાઓની તૈયારી માટેનું હબ છે અને ત્યાં વિદ્યાર્થીઓની મોટા પ્રમાણમાં આત્મહત્યાઓ એ ખાસચિંતાનો ઉપરાંત વિચારવાનો વિષય છે. આઇઆઇટી, એનઆઇટી તથા કેન્દ્રીય યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ અને કેન્દ્રીય પરીક્ષાઓના પરીક્ષાર્થીઓના આપઘાતના ઉંચા પ્રમાણ માટે દેખીતી રીતે ગળાકાપ સ્પર્ધાનો માહોલ અને તેમાંથી જન્મતી તાણ તથા લક્ષ્યો આંબી નહીં શકવાનો ભય, સમાજના મહેણાટોણાનો ભય વગેરે બાબત ખાસ જવાબદાર જણાય છે.

વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી આત્મ હત્યાઓ માટે અનેક કારણો જવાબદાર છે પરંતુ ખાસ તો વધેલી સ્પર્ધાત્મકતા વચ્ચે પરીક્ષા લક્ષી તાણ અને મા-બાપની અપેક્ષાઓ પુરી કરવા માટેનો તનાવ જેવા કારણો મુખ્ય છે. માતા-પિતાની, શિક્ષકોની અને સમાજની ઉંચી અપેક્ષાઓ વિદ્યાર્થીઓમાં પરીક્ષામાં સારો દેખાવ કરવા માટે અત્યંત તાણ અને દબાણ તરફ દોરી જાય છે.

સફળ થવા માટેનું દબાણ વિદ્યાર્થીઅો પર એટલી હદે હાવી થઇ જાય છે કે જે છેવટે તેમને નિષ્ફળતા અને નિરાશાની લાગણી તરફ દોરી જાય છે અને આવા સંજોગોમાં વિદ્યાર્થીઓ આપઘાત કરવા માટે પ્રેરાય છે. સખત દબાણ, મૂંઝવનારા સંજોગો વગેરેને કારણે વિદ્યાર્થીઓમાં ડીપ્રેશન, વ્યગ્રતા, બાયપોલર ડીસઓર્ડર જેવી માનસિક સમસ્યાઓ પણ સર્જાય છે અને આ માનસિક સમસ્યાઓ તો વ્યક્તિને આપઘાત કરવા માટે પ્રેરનારુ ખાસ પરિબળ છે. અને તેમાં પણ જો વિદ્યાર્થી ઘરથી દૂર હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હોય તો તો એકલતાને કારણે અને કુટુંબ તથા સ્વજનોના ટેકાના અભાવને કારણે આવી માનસિક સમસ્યાઓમાં ઓર ઉમેરો થાય છે.

તેમાં પણ જો હોસ્ટેલ અથવા તો વિદ્યાર્થી, વિદ્યાર્થિની જ્યાં રહેતા હોય તે સ્થળનો માહોલ તેમને સાનુકૂળ નહીં હોય તો તો સ્થિતિ વધુ ભયંકર બની જાય છે. જો કે ફક્ત અભ્યાસ કે તેને સંલગ્ન કારણો જ વિદ્યાર્થીઓની આત્મહત્યાઓ માટે જવાબદાર નથી. હોસ્ટેલનું પ્રતિકૂળ વાતાવરણ, રેગિંગ જેવા પરિબળોને કારણે પણ વિદ્યાથર્ીઓના આપઘાતના બનાવો બને છે. આ ઉપરાંત કુટુંબની નાણાકીય સ્થિતિની ચિંતા, કૌટુંબિક સંઘર્ષો, મિત્રતાની સમસ્યાઓ અને પ્રેમ સંબંધમાં નિષ્ફળતા, બ્રેકઅપ જેવી બાબતોને કારણે પણ આપઘાતના બનાવો બને છે. વિદ્યારથીઓમાં આપઘાતના બનાવોમાં મોટો ઉછાળો એ ખરેખર મોટી ચિંતાનો વિષય છે.

કોલેજોમાં, ખાસ કરીને હોસ્ટેલોમાં છોકરા-છોકરીઓનું યોગ્ય કાઉન્સેલિંગ થવું જરૂરી છે. ખરેખર તો ફક્ત કાઉન્સેલિંગ જ નહીં પણ આખો માહોલ જ બદલવાની જરૂર છે. મા-બાપ અને શિક્ષકોનું પણ કાઉન્સેલિંગ થવું જોઇઅે અને તેમને પણ સમજાવવા જોઇએ કે તમારા સંતાનો અને વિદ્યાર્થીઓ પાસે વાજબી પ્રમાણમાં જ અપેક્ષાઓ રાખો અને તેમના પર દબાણ કરવાને બદલે તેમને પ્રેરણા અને હિંમત આપો. તીવ્ર સ્પર્ધાત્મકતાનો માહોલ તો દૂર થવો ખૂબ જરૂરી છે. કોલેજો, હોસ્ટેલોમાં સિનિયરો દ્વારા કરવામાં આવતું રેગિંગ, સાયબર બુલીઇંગના બનાવો વગેરે બાબતો પ્રત્યે સખત હાથે કામ લેવું જરૂરી છે. આ ઉપરાંત નિર્દોષ વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં મૂકતી દરેક સમસ્યાનો ઉકેલ શોધવા સક્રિય થવાની જરૂર છે.

Most Popular

To Top