SURAT

સુરત સિવિલનું રેઢિયાળ તંત્ર, કોલ્ડ સ્ટોરેજમાં મુકવા આપેલો મૃતદેહ 15 કલાક સુધી ખુલ્લામાં મુકી રાખ્યો

સુરત : આ સિવિલ હોસ્પિટલ છે કે બેજવાબદાર વ્યક્તિઓ માટે ગરીબ-શ્રમજીવીઓ ની લાગણી સાથે રમવાનું મેદાન એ સમજાતું નથી એવું કહી વેસુના એક પરિવારે સિવિલ હોસ્પિટલના વહીવટદારો સામે રોષ વ્યકત કર્યો હતો. લીવરની બીમારીથી મૃત્યુ પામેલા વ્યક્તિનો મૃતદેહ ઓન પેપર કોલ્ડ સ્ટોરેજના ચોપડે બતાવી પોસ્ટ મોર્ટમ રૂમની અંદર સ્ટ્રેચર પર 15 કલાક સુધી ખુલ્લામાં મૂકી રખાતા પરિવારજનો રોષે ભરાયા હતા.

પીડિત પરિવારે કહ્યું હતું કે મૃતદેહ ને સડો ન લાગે એટલે કોલ્ડ સ્ટોરેજમાં મુકવા તૈયાર થયા હતા નહીંતર ઘરમાં પણ રાખી શકતા હતા. આ બાબતે અંતિમ વિધિ પુરી થયા બાદ જવાબદારો સામે પગલાં ભરવા લેખિતમાં રજુઆત કરીશું. દરમિયાન સિવિલ સુપરિટેન્ડન્ટ ડો. ગોવેકરે જણાવ્યું હતું કે, ઘટના મારા ધ્યાન પર આવી છે તપાસ કરીશું.

જેનિષ (મૃતકના પરિવારના સભ્ય) એ જણાવ્યું હતું કે ગણેશ રામચંદ્ર હિગાડે 42 વર્ષના હતા. વેસુ SMC આવાસમાં રહેતા હતા. સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરી પરિવાર ને આર્થિક રીતે મદદ રૂપ થતા હતા. સંતાનોમાં એક દીકરો અને એક દીકરી, પત્ની અને માતા સાથે રહેતા હતા.

છેલ્લા થોડા મહિનાઓથી લીવરની બીમારીથી પીડાતા ગણેશભાઈ ને 31મીના રોજ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારની સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જોકે પેપર વર્ક કરવામાં સમય નીકળી જતા પરિવારે અંતિમ વિધિ મંગળવારે સવારે કરવાનો નિર્ણય લીધો હતો. જેને લઈ તેમનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં મુકવા પેપર વર્ક કરવામાં આવ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે આખું પરિવાર શોકમાં હતું. આખી રાત રડતા રડતા વિતાવી, સવાર પડતા જ પરિવારના સ્વજનો સિવિલના પોસ્ટ મોર્ટમ રૂમ પર ભેગા થયા, ત્યારે ખબર પડી કે ઓન પેપર ગણેશભાઈનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં છે અને પોસ્ટ મોર્ટમ રૂમની અંદર ખુલ્લામાં સ્ટ્રેચર પર પડેલો છે. આ જોઈ ખૂબ દુઃખ થયું, જો આવી રીતે ખુલ્લામાં જ રાખવો હતો તો ઘરે પણ લઈ જઈ શકતા હતા. આ સિવિલ હોસ્પિટલ છે કે શ્રમજીવીઓની લાગણીઓ સાથે રમવાનું મેદાન એ સમજાતું નથી. બસ અમને ન્યાય મળે એ માટે લેખિતમાં ફરિયાદ કરીશું કે કોઈ બીજા સાથે આવું ન થાય.

Most Popular

To Top