Editorial

આ વર્ષે ચોમાસુ અપૂરતા વરસાદ સાથે જ પુરું થાય તેવા સંજોગો છે

આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે અને તેમાં માફકસરનો વરસાદ થશે તેવી હવામાન ખાતાની આગાહી હતી પરંતુ હવે આ આગાહી ખોટી પડી રહેલી જણાય છે. એક તો આ વર્ષે ચોમાસાની શરૂઆત મોડી થઇ. કેરળમાં ચોમાસુ બેસે તે પહેલા તો અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડું સર્જાઇ ચુક્યું હતું અને આ વાવાઝોડાની અસર હેઠળ નૈઋત્યના ચોમાસાના પવનો ખાસ્સા ખોરવાયા.

કેરળમાં ચોમાસાની મોડી શરૂઆત થઇ અને તેના થોડા દિવસ પછી ગુજરાત પર બિપોરજોય વાવાઝોડું ત્રાટક્યું. તેના સાથે કચ્છ અને વરસાદમાં ઘણો બધો વરસાદ ત્યાં ચોમાસુ વિધિવત શરૂ થાય તે પહેલા જ પડી ગયો. આ વાવાઝોડું નબળુ પડીને આગળ વધીને રાજસ્થાન તરફ ગયું અને રાજસ્થાનમાં પણ ઘણો વરસાદ પડ્યો. બીજી બાજુ નૈઋત્યનું ચોમાસુ કેરળથી આગળ વધીને દેશના અન્ય ભાગોમાં શરૂ થવા માંડ્યું અને રાજધાની દિલ્હીના પ્રદેશમાં તો ચોમાસું આશ્ચર્યજનક રીતે વહેલું બેસી ગયું.

ઘણા દાયકાઓ પછી એવી ઘટના બની કે દિલ્હીમાં ચોમાસુ વહેલુ બેસી ગયું. ત્યારપછી જુલાઇ મહિનામાં તો દેશના ઘણા બધા વિસ્તારોમાં, ખાસ કરીને ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતના વિસ્તારોમાં ઘણો વરસાદ થયો. આપણા ગુજરાતે પણ પૂરની સ્થિતિઓ જોઇ. યમુનામાં પૂરને કારણે વર્ષો પછી દિલ્હીમાં પણ મોટા પૂરની સ્થિતિ સર્જાઇ. પરંતુ જુલાઇમાં ભારે તરખાટ મચાવ્યા પછી ઓગસ્ટમાં વરસાદ હાથતાળી દઇ ગયો અને ભારતમાં ૧૯૦૧ પછી આ ઓગસ્ટ મહિનો સૌથી સૂકો ઓગસ્ટ મહિનો રહ્યો છે.

જો કે ઓછા વરસાદને કારણે ભારતે ૧૯૦૧ પછીનો સૌથી સૂકો ઓગસ્ટ મહિનો જોયો તેના પછી નૈઋત્યનું ચોમાસુ આ સપ્તાહના અંતે ફરી બેઠું થાય અને દેશના મધ્ય અને દક્ષિણી ભાગોમાં વરસાદ લાવે તેવી અપેક્ષા છે એમ ભારતીય હવામાન વિભાગે હવે જણાવ્યું છે. જો કે તેણે મધ્ય અને દક્ષિણ ભારતમાં જ વરસાદની આગાહી કરી છે તે નોંધપાત્ર છે. હવામાન વિભાગના ડિરેકટરે હાલમાં જણાવ્યું હતું કે સપ્ટેમ્બર મહિનામાં લાંબા ગાળાની સરેરાશ ૧૬૭.૯ મીમીના ૯૧થી ૧૦૯ ટકાની રેન્જમાં સામાન્ય વરસાદ થવાની શકયતા છે.

અલબત્ત, મોહાપાત્રાએ જણાવ્યું હતું કે જો સપ્ટેમ્બરમાં વરસાદ હાયર સાઇડ પર રહે છે એટલે કે વધુ થાય છે તો પણ જૂનથી સપ્ટેમ્બરની ચોમાસુ ઋતુનો સરેરાશ વરસાદ ઋતુ માટે સામાન્ય કરતા ઓછો રહેવાની શક્યતા છે. વાત સ્પષ્ટ છે કે વરસાદની ઘટ હવે પૂરી શકાય તેમ નથી. આ વર્ષે અલ-નીનોની અસર ભારતના વરસાદ પર નહીં થાય તેવી હવામાન ખાતાની આગાહી ઓગસ્ટ મહિના માટે ખોટી પડી છે. જુલાઇમાં વધુ પડતો વરસાદ થયા બાદ દક્ષિણ-પશ્ચિમી એટલે કે નૈઋત્યનું ચોમાસુ ઓગસ્ટના મોટા ભાગના મહિનામાં હાથતાળી આપી ગયો હતો.

વિષુવવૃતિય પેસિફીક મહાસાગરમાં અલ-નીનોની સ્થિતિ અને હિંદ મહાસાગરમાં પ્રતિકૂળ ડાઇપોલની પરિસ્થિતિઓને કારણે આવું બન્યું હતું. જો કે મોહાપાત્રાએ જણાવ્યું હતું કે હિંદ મહાસાગરમાંની ડાયપોલની સ્થિતિ હવે પોઝિટિવ બનવા માંડી છે જે અલ-નીનોની અસરનો મુકાબલો કરશે. ચોમાસાની હાલની સ્થિતિની ખેતી પર અસર અંગે પૂછવામાં આવતા હવામાન વિભાગના વડાએ જણાવ્યું હતું કે બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને પૂર્વીય ઉત્તર પ્રદેશ જેવા ભાત પકવતા પ્રદેશોમાં ઓગસ્ટમાં સારો વરસાદ થયો છે અને તેથી પાક પર વિપરીત અસર થાય તેવી વકી નથી. જો કે અન્ય વિસ્તારોના પાક પર અસરની વાત તેમણે કરી હોવાનું જાણવા મળ્યું નથી.

હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે દક્ષિણના દ્વિપકલ્પીય ભારત અને પશ્ચિમ-મધ્ય ભારતના કેટલાક પોકેટ્સ સિવાય દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય કરતા વધુ મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે. એટલે હવે તાપના દિવસોનો પણ સામનો કરવા આપણે તૈયાર રહેવાનું છે. મે મહિનામાં કાળઝાળ ગરમી પછી જૂનના પાછલા દિવસોમાં કંઇક રાહત થઇ હતી અને જુલાઇમાં તો ભારે વરસાદ પછી સારી ઠંડક થઇ ગઇ હતી. આપણે ત્યાં ઓગસ્ટમાં છેલ્લા કેટલાયે દિવસથી ઉનાળા જેવી ગરમી પડી જ રહી હતી, હવે સપ્ટેમ્બરમાં વધુ ગરમી સહન કરવી પડશે એમ લાગે છે. અને એક વિશ્લેષણ પ્રમાણે અલ-નીનોને કારણે ગુજરાત સહિતના અનેક ભાગોમાં વરસાદ અપૂરતો જ રહી શકે છે તેથી આ ચોમાસુ અપૂરતા વરસાદ સાથે જ પુરું થાય તેવી પુરી શક્યતા છે.

Most Popular

To Top