Gujarat

સરકારે ખાતરી આપતાં હવે એસટી નિગમના કર્મચારીઓએ હડતાળ પરત ખેંચી

રાજય સરકાર સાથે સાંજે ચર્ચા બાદ પોતાના પડતર પ્રશ્નોના મામલે માસ સીએલ પર જવાની એસટી કર્મચારીઓની હડતાળ આજે રાત્રે પરત ખેંચી લેવામાં આવી હતી. એસટી નિગમના ત્રણ એસોસિએશન સાથે રાજય સરકારના વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સરકાર તરફથી કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપવામાં આવી હતી.

એસટી નિગમના કોન્ટ્રાકટ આધારિત કર્મચારીઓને 16હજાર ફિક્સ પગાર આપવામાં આવે છે. આ ઉપરાંત નિગમના નિવૃત્ત થતા કર્મચારીઓને 240 રજાનું રોકડમાં રૂપાંતર, એસટી અને કંડકટરના નાઈટ એલાઉન્સમાં હાલ માત્ર 100 રૂપિયા આપવામાં આવે છે, જે વધારીને 150 રૂપિયા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

આ સિવાય લેબર વિભાગ સાથે થયેલ કરાર પ્રમાણે મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવામાં આવે. એસ.ટી નિગમના સંગઠનોની માંગ છે કે વર્ષ 2018 બાદ ભરતી થયેલ કંડકટર અને ડ્રાઈવરનો પગાર ગ્રેડ પે સાતમા પગાર પંચ મુજબ ચૂકવવામાં આવે. આ તમામ માંગણીઓ પર સરકાર દ્વારા આજે બેઠકમાં વિચારણા કરાઈ હતી. સરકાર દ્વારા તેનો ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી હતી. જેના પગલે નિગમના ત્રણેય એસોસિએશને આજે મધરાતથી શરૂ થતી માસ સીએલની હડતાળ પાછી ખેંચી લીધી હતી.

Most Popular

To Top