Comments

સંતરું ખાટું છે

એક વૃદ્ધ ડોશીમા ગલીના નાકે એક ટોપલીમાં સંતરાં લઈને વેચતાં.એકદમ વ્યાજબી ભાવે તેઓ સારામાં સારાં મીઠાં સંતરાં વેચીને જાતમહેનતે જીવનનું ગાડું ગબડાવતાં.એક સજ્જન તેમની પાસેથી અઠવાડિયામાં ત્રણ વાર સંતરાં લેવા આવતાં.સંતરાં પસંદ કરી લેતાં અને પૈસા આપતાં. એક સંતરું ત્યાં જ ઊભા ઊભા છોલીને એક ચીરી મોઢામાં મૂકીને બડબડ કરતાં, અરે આ સંતરું તો સાવ ખાટું છે. લો, તમે જ ખાઈને જુઓ…બોલતાં ડોશીમાના હાથમાં સંતરું આપી દેતા. ડોશીમા તે સંતરાની એક ચીરી ખાતા અને બોલતા, ‘ભાઈ, મીઠું તો છે ..લો, આ બીજું લઇ લો..’ત્યાં તો પેલા સજ્જન થેલી લઈને ચાલવા માંડતા.આવું હંમેશાં થતું. ક્યારેક સંતરું કડવું લાગતું, તો ક્યારેક ખાટું ….અને એક સંતરું ડોશીમાને આપીને તેઓ ચાલવા માંડતા.

એક દિવસ સજ્જનનાં પત્ની સાથે હતાં અને સજ્જને એક સંતરું ખાટું છે કહીને ડોશીમાને પકડાવ્યું અને ચાલતાં થયાં.પત્નીએ કહ્યું, ‘આ ડોશીમાનાં સંતરાં હંમેશાં મીઠાં જ હોય છે છતાં તમે દર વખતે વાંધાવચકા શું કામ કાઢો છો.’પેલા સજ્જન બોલ્યા, ‘માજી સંતરાં વેચે છે, પણ પોતે ક્યારેય સંતરું ખાતાં નથી એટલે હું આવું વર્તન કરીને સંતરું તેમને પકડાવી દઉં છું, જેથી કરીને હું તેઓ એક સંતરું ખાય તેમને નુકસાન પણ ન જાય.’પત્ની પતિની સહ્રદયતાભરી વાત સાંભળી રાજી થઇ.

એક બાજુ પતિ પત્ની ચાલતાં ચાલતાં આ વાત કરતાં ઘર તરફ જતાં હતાં; બીજી બાજુ ડોશીમા પોતાના હાથમાં રહેલા સંતરામાંથી અડધું બાજુના શાકવાળાને આપીને સંતરું ખાતાં ખાતાં વાતો કરતા હતા.મીઠું સંતરું ખાતાં શાકવાળાએ કહ્યું, ‘માજી, આ માણસ હંમેશા આવીને સંતરાં તમારી પાસેથી જ લે છે અને દર વખતે વાંધાવચકા કાઢે છે અને છતાં હું જોઉં છું તેનાં સંતરાં જોખતી વખતે તમે હંમેશા થોડું વધારે જ જોખો છો.શા માટે આટલી મગજમારી કરતા ગ્રાહકને વધારે આપવાનું ….? માજી સંતરું ખાતાં મીઠું હસતાં બોલ્યાં, ‘હું વધારે જોખતી નથી. તેનો પ્રેમ વજનનો કાંટો તેના તરફ નમાવી દે છે..’શાકવાળાએ કહ્યું, ‘એટલે કંઈ સમજાયું નહિ …’માજી બોલ્યા, ‘આ મારા વર્ષોના ગ્રાહકને એમ છે કે મને કંઈ ખબર પડતી નથી, પણ હું બધું જાણું છું. મને નુકસાન પણ ન થાય, નીચાજોણું પણ ન લાગે અને હું સંતરું ખાઈ શકું માટે તે દર વખતે ખરાબ બની વાંધાવચકા કાઢે છે અને સંતરું મને પકડાવી ચાલ્યો જાય છે.મને બધું સમજાય છે અને એટલે જ કાંટો થોડો નમી જાય છે.’ આપની આજુબાજુ રહેલાં; રોજ આમતેમ મળી જતાં લોકો જોડે કયાંક ને કયાંક આવા અદૃશ્ય પ્રેમ અને લાગણીના સંબંધો જોડાયેલાં રાખવાં જરૂરી છે.       
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top