Charchapatra

પરીક્ષા- પાસ અને નાપાસની ભેદરેખા જરૂરી

શાળાઓમાં પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો હોય ત્યારે પ્રાથમિક કક્ષાએ આ ઔપચારિક પરીક્ષા પધ્ધતિ થોડી રમૂજી લાગે! વિદ્યાર્થીઓ પરીક્ષા આપે, શિક્ષકો પેપર તપાસી ઔપચારિક રીઝલ્ટ પણ બનાવે, પરંતુ આમાં સાચું મૂલ્યાંકન તો ગાયબ જ! કારણ કે સરકારનો નિયમ કે પ્રાથમિક લેવલે દરેક વિદ્યાર્થીને પાસ જ કરી દેવા! ભલે એ વિદ્યાર્થી આગળના ધોરણમાં જવા યોગ્ય હોય કે ન હોય. એ તો પાસ થઇ જ જવાનો અને આગળના ધોરણમાં ભણવાનો પણ! તો વિચારો કે એનું બૌધ્ધિક ભવિષ્ય કેવું હશે! ઇમારતનો પાયો જ રફ મટિરીયલથી ચણાયો હશે તો ઇમારતનું ભવિષ્ય શું એ આપણે વિચારી શકીએ. તો શિક્ષણવિદો જાગો, વિચારો અને અવાજ ઉઠાવો કે બધાને જ પાસ કરી દેવાની પધ્ધતિ યોગ્ય નથી. જે સરકાર આવા નિયમો બનાવે છે તે પણ થોડી ઘણી ભણેલી ગણેલી તો છે ને! તો પછી શિક્ષણ સાથે ચેડાં કરતાં આવા નિયમો બનાવી બુધ્ધિનું પ્રદર્શન શા માટે? રફ ડાયમન્ડને પણ વારંવાર પોલીશ કરવાથી જ ચમકીલો બને છે તો પછી વિદ્યાર્થીઓના ચમકદાર ભવિષ્ય માટે એક જ ધોરણમાં પુનરાવર્તન કેમ નહીં? વિચારો અને આવા વાહિયાત નિયમો બદલો તો શિક્ષણનું સ્તર ઊંચુ આવશે. નહીં તો વિદ્યાર્થી તો પાસ થઇ જશે, પરંતુ ભવિષ્યના ડોકટર, ઇજનેર નાપાસ થશે તેનું શું? માટે પાસ અને નાપાસની ભેદરેખા તો હોવી જ જોઇએ.
અમરેલી – પાયલ વી. પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top