Columns

મણિપુરમાં ચાલી રહેલી હિંસા રાજ્ય અને કેન્દ્ર સરકારની ગલત નીતિઓનું પરિણામ છે

પાછલા અઠવાડિયાથી મણિપુરની અંદર અશાંતિ અને હિંસાનો માહોલ છવાયેલો છે. મણિપુરની બે મુખ્ય પ્રજાતિઓ મૈતેઈ અને કુકી વચ્ચે જમીન બાબતે લઈને પાછલા દસકાથી ખટરાગ ચાલી રહ્યો હતો, જેણે મે મહિનાની ત્રીજી તારીખથી જબરદસ્ત હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે. હજુ સુધી ૬૦ કરતાં વધુનાં મૃત્યુ થયાં છે, સેંકડો લોકો ઘાયલ છે. બંને પક્ષના મળીને લગભગ ૨૦ હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. મૈતેઈ પ્રજાને ‘અનુસૂચિત જનજાતિ’ જાહેર કરવાની વિરુદ્ધમાં મે મહિનાની ત્રીજી તારીખે ‘ઓલ ટ્રાઈબલ સ્ટુડન્ટ્સ યુનિયન મણિપુર’દ્વારા કાઢવામાં આવેલી રેલી ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યાર બાદ આ હિંસાએ જોર પકડયું હતું.

સરકારે ચોથી તારીખે કલમ ૩૫૫ નો અમલ કર્યો, જેનો ઉપયોગ આંતરિક કે બાહરી આક્રમણ સામે રક્ષણ આપવા માટે કરવામાં આવે છે. તે મુજબ હિંસાને શાંત પાડવા ટ્રકો ભરીને આસામ રાઈફલ્સ, રેપિડ એક્શન ફોર્સ અને લોકલ પોલીસને અનેક વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા હતા. આજની તારીખે મણિપુરમાં થતી હિંસાથી બચવા માટે આ લશ્કરની છાવણીમાં હજારોની સંખ્યામાં શરણાર્થીઓ ઉમટી રહ્યાં છે. કુકી કબીલાના અનેક ચર્ચ તેમ જ મૈતેઈ પ્રજાતિનાં મંદિરોને બાળી નંખાયાં છે તેવા સમાચાર તેમજ વિડિયો જાહેર થયા છે.

તેના આધારે આ હિંસાને સાંપ્રદાયિક દિશા આપવાની કોશિશ થઈ રહી છે. એવું સાંભળવામાં આવે છે કે હિન્દુ મૈતેઈ પ્રજાએ ખ્રિસ્તી કૂકી લોકોના ચર્ચને આગ ચાંપી કે પછી કુકી લોકોએ ખીણ પ્રદેશના મૈતેઈ લોકોની જમીનો આંચકી. ભાજપશાસિત પ્રદેશ હોવાને કારણે આવું થવું સામાન્ય બાબત છે; પરંતુ હકીકત કંઈક જુદી જ છે. મણિપુરની સમસ્યા સાંપ્રદાયિક તત્ત્વોને કારણે નહીં, પરંતુ રાજ્યની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ, સરકારી ફાયદાઓ મેળવવા માટેની હોડ અને જંગલો હડપવાની કામગીરીને કારણે વણસી છે. આ હિંસાને કારણે આર્થિક રીતે પછાત લોકોને જ વધુ નુકસાન ભોગવવાનું આવ્યું છે.

અહીં કુકી અને મૈતેઈ પ્રજાને આપસમાં શું સમસ્યા છે તે સમજવી પડશે. હકીકતમાં, સમસ્યાનું મૂળ મણિપુરની સીમિત જમીન, સંસાધનો અને સરકારની ભેદભાવભરી નીતિ છે. કુકી પ્રજા મૂળભૂત જંગલવાસી કબીલાઓ વડે રચાયેલી છે અને બંધારણ મુજબ અનુસૂચિત જનજાતિમાં ગણાય છે. તેઓ પરાપૂર્વથી મણિપુરના પહાડી વિસ્તારોમાં વસે છે. તેથી ઉલટું મૈતેઈ પ્રજા સદીઓથી ‘જનરલ’કેટેગરીમાં છે. માટે તેમનું મુખ્ય રહેઠાણ ઇમ્ફાલના ખીણ પ્રદેશોમાં છે. મૈતેઈ લોકો પહાડી વિસ્તારોમાં જમીન ખરીદી નથી શકતા કેમ કે અનુસૂચિત જનજાતિના અધિકારો મુજબ કુકી પ્રજાની જમીનો ‘જનરલ’ કેટેગરીમાં આવતાં લોકો ન ખરીદી શકે. તેનાથી ઉલટું કુકી લોકો ઇમ્ફાલના ખીણ પ્રદેશોમાં જમીન ખરીદી શકે છે અને ત્યાં વસવાટ પણ કરી શકે છે.

અહીં એ જાણવું રસપ્રદ રહેશે કે મણિપુરમાં મૈતેઈ પ્રજાનું પ્રમાણ કુલ વસ્તીના ૫૩ % જેટલું છે જ્યારે કુકી અને નાગા કબીલાઓની વસ્તી લગભગ ૪૦% જેટલી છે. તેની સામે ઇમ્ફાલના ખીણ પ્રદેશનો વિસ્તાર મણિપુરના કુલ વિસ્તારના ૧૦% જેટલો જ છે, જ્યારે બાકીનો ૯૦% જંગલ પ્રદેશ છે. સીધો હિસાબ માંડીએ તો મણિપુરની અડધા કરતાં વધુ પ્રજાને વસવાટ માટે ફક્ત ૧૦% જ પ્રદેશ ઉપલબ્ધ છે, જ્યારે બાકીની પ્રજા આખા મણિપુરમાં ક્યાંય પણ વસવાટ કરી શકે એમ છે. મણિપુરની વસ્તી ઉત્તરોઉત્તર વધી રહી છે અને તેથી રહેઠાણ માટેની જમીનનો પ્રશ્ન જડબું ફાડીને ઊભો થયો છે. મૈતેઈ પ્રજાને વસવાટ માટેની જમીનની અછત છે અને એ જ જમીનમાં કુકી લોકો પણ હક્ક જમાવી રહ્યા છે. આ કુસંપ પ્રચંડ વિરોધમાં ફેરવાયો તેનાં ત્રણ મુખ્ય કારણો છે.

પ્રથમ કારણ એ છે કે સરકાર ઘણા સમયથી મણિપુરનાં જંગલોને રિઝર્વ કે પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાં ફેરવવા માંગે છે. મણિપુરની વધતી જતી વસ્તીને કારણે જંગલમાં વસતા કુકી કબીલાઓ પોતાનાં ગામોનો વિસ્તાર વધારતા જાય છે અથવા જંગલની અંદર નવાં ગામો વસાવતાં જાય છે. કુકી પ્રજાની માન્યતા મુજબ જંગલ ઉપર તેમનો પ્રાચીન અને પરંપરાગત અધિકાર છે, પરંતુ રાજ્ય સરકારને તે અધિકાર માન્ય નથી. આના ઉદાહરણરૂપે ચૂરચંદપુર અને નોને વિસ્તારનાં ૩૮ ગામોને વર્ષ ૨૦૨૨ ના નવેમ્બર મહિનામાં વિસ્તાર ખાલી કરવાની નોટિસો આપવામાં આવી હતી. સરકારે આ નોટિસોનો આધાર ૨૦૨૦ ની ગુગલ સેટેલાઈટ તસ્વીરોને બતાવ્યો હતો, જેમાં ફક્ત જંગલ જ દેખાતું હતું, પરંતુ કુકી લોકોના કહેવા મુજબ સરેરાશ ૧,૦૦૦ લોકોની વસ્તી ધરાવતાં આ ૩૮ ગામો છેલ્લાં ૫૦-૬૦ વર્ષથી આ જંગલ વિસ્તારમાં જ વસેલાં છે.

તે ઉપરાંત કુકી પ્રજા વર્ષોથી જંગલોમાં અફીણની ખેતી કરે છે. રાજ્ય સરકાર એક બાજુ અફીણની ખેતીને કાયદાકીય પીઠબળ આપવા માંગે છે અને બીજી બાજુ કુકીનાં ખેતરોની સામે પગલાં લેવામાં આવે છે. કુકી પ્રજાને ભય છે કે સરકાર તેમની અફીણની ખેતી છીનવી લેશે. આ બાબતોને કારણે કુકી પ્રજાના મનમાં સરકાર માટે પહેલેથી જ ગુસ્સો હતો. તેમાં મ્યાનમારથી ભાગીને આવતાં શરણાર્થી સામેનો રાજ્ય સરકારનો કડક વ્યવહાર પણ કુકી પ્રજાને ખટક્યો, કેમકે આ શરણાર્થીઓ સાથે તેમના લોહીના સંબંધો છે. સરકારની ઈચ્છા ‘નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનશીપ’ લાવવાની છે, પણ કુકી પ્રજાને શંકા છે કે તેમને આમાંથી બાકાત રાખવામાં આવશે. તેની સામે મૈતેઈ લોકોનો આક્ષેપ છે કે ભાગેડુ શરણાર્થીઓ જ સ્થાનિક પ્રજાને ભડકાવી રહ્યા છે.

મણિપુરની આજની પરિસ્થિતિનું બીજું કારણ એ છે કે મૈતેઈ પ્રજાતિનો એક ભાગ પોતાને ‘અનુસૂચિત જનજાતિ’તરીકે ઓળખાવવાની માંગણી કરી રહ્યો છે. તેમનું કહેવું છે કે તેઓ પોતે મૂળભૂત રીતે જંગલના જ રહેવાસીઓ હતા તેમ જ તેમણે સત્તરમી સદીના અંત ભાગમાં જ વૈદિક ધર્મ સ્વીકાર્યો હતો. આજે પણ તેમના મૂળ આરાધ્ય દેવની દરેકના ઘરમાં પૂજા થાય છે. કુકી લોકોને ભય છે કે જો બહુમતી ધરાવતા મૈતેઈ લોકોને જંગલમાં પ્રવેશ મળી જશે તો કબીલાઓની રોજીરોટી છીનવાઇ જશે. મૈતેઈ પ્રજાનું કહેવું છે કે જો તેમણે જંગલમાં પ્રવેશ ન મળી શકતો હોય તો કુકી પ્રજાને શહેરોમાં નહીં વસવા દેવા જોઈએ. અંતે બંને પ્રજાનો ઝઘડો રહેઠાણ અને વસવાટની જમીન માટેનો છે. આ ઝઘડો આટલો વકર્યો તેમાં વધુ એક કારણ મણિપુરની રાજ્ય સરકાર પોતે છે.

મણિપુરની બે મુખ્ય પ્રજાઓ વચ્ચેનું વૈમનસ્ય આજનું નથી, પણ દાયકાઓ જૂનું છે તેમ છતાં તે પ્રશ્નનું વેળાસર નિરાકરણ લાવવામાં રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ છે. એક બાજુ રહેઠાણની જગ્યાના પ્રશ્નને સરકારે વકરવા દીધો અને બીજી બાજુ વનવાસી સમુદાયની જમીનો ઉપર નજર માંડી. તે ઉપરાંત મૈતેઈ લોકોને અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવા માટે મણિપુરની હાઇ કોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો. વળી મૈતેઈ પ્રજાના એક ભાગને અનુસૂચિત જનજાતિનો ભાગ નથી બનવું કેમ કે તેઓ ૨,૦૦૦ વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા છે. મણિપુરની હિંસા ખ્રિસ્તી કુકી વનવાસીઓ અને હિન્દુ મૈતેઈ જનજાતિ વચ્ચેની હિંસા છે, તેવું જગતના ચોકમાં જાહેર કરીને ભાજપ તેને કોમી સ્વરૂપ આપવા માગે છે. મણિપુરનું ગૂંચવાયેલું કોકડું ઉકલી શકે એમ છે પણ તે માટે રાજ્ય સરકાર અને સ્થાનિક આગેવાનોની સમજદારી અને હિંસા રોકવાની તૈયારી જરૂરી છે.

Most Popular

To Top