Columns

સૌથી ઉત્તમ: જયારે આપણે કોઈ બાબતે દ્વિધામાં મુકાઇ જઈએ ત્યારે હ્રદય જેમ કહે તેમ કરવું

૧૯૨૩ માં ‘પ્રોફેટ’ માટે નોબેલ પારિતોષિક વિજેતા ખલીલ જિબ્રાન એક સારા સાહિત્યકારની સાથે સાથે મહાન વિચારક હતા અને દરેક બાબતે ઊંડા વિચાર અને મનન બાદ જ કૈંક બોલતા અથવા લખતા.તેમના દ્વારા બોલાયેલા અને લખાયેલા એક એક શબ્દ પાછળ તેમનું ઊંડું ચિંતન અને જીવનની સમજ છુપાયેલી હતી.

એક દિવસ ખલીલ જિબ્રાન તેમના મિત્રો સાથે વાતો કરતા બેઠા હતા.તેમના મિત્રે કહ્યું, ‘દોસ્ત એક પ્રશ્ન મનમાં છે. તને પૂછવો છે, કારણ તને જીવનની ઊંડી સમજ છે.’ ખલીલ જિબ્રાન મજાકમાં બોલ્યા, ‘દોસ્ત, અઘરો પ્રશ્ન નહિ હોય અને મને આવડતો હશે તો જરૂર જવાબ આપીશ.’ મિત્રે કહ્યું, ‘દોસ્ત તારી માટે કયાં કોઈ પ્રશ્ન અઘરો છે.મારો પ્રશ્ન છે જીવનમાં સૌથી ઉત્તમ શિક્ષક કોણ છે?’

ખલીલ જિબ્રાન તરત બોલ્યા, ‘દોસ્ત, સૌથી ઉત્તમ શિક્ષક ‘સમય’ છે.સમય આપણને ઘણું બધું શીખવે છે અને એવા અનુભવ સાથે શીખવાડે છે કે જે પાઠ આપણે જીવનપર્યંત ન ભૂલીએ.’ એક પ્રશ્ન પૂછ્યો એટલે બીજા મિત્રે કહ્યું, ‘મિત્ર, મારા મનમાં પણ એક પ્રશ્ન છે કે સૌથી ઉત્તમ પુસ્તક કયું છે?’ ખલીલ જિબ્રાનને આ પ્રશ્નનો પણ તરત જવાબ આપ્યો કે, ‘દોસ્ત, સૌથી ઉત્તમ પુસ્તક આ ‘સંસાર’ છે.આ સંસાર રસપ્રદ છે.આ સંસારમાં આગળ શું થશે તેની કોઈને ખબર નથી એટલે રહસ્યમય પણ છે.

આ સંસારમાં ઘટતી ઘટનાઓ આપણને ઘણું બધું શીખવાડે છે.’ પ્રશ્નો પૂછાતા હતા અને જિબ્રાન જવાબ આપતા હતા.ત્રીજા મિત્રે પૂછ્યું, ‘દોસ્ત, સૌથી ઉત્તમ સલાહકાર કોણ છે?’ જિબ્રાન બોલ્યા, ‘દોસ્ત, સૌથી ઉત્તમ સલાહકાર છે ‘આપણું હ્રદય.’ જયારે પણ કોઈ અઘરો નિર્ણય લેવાનો હોય ત્યારે અંતરનો અવાજ સાંભળવો.જયારે આપણે કોઈ બાબતે દ્વિધામાં મુકાઇ જઈએ ત્યારે હ્રદય જેમ કહે તેમ કરવું.પાસાં સવળાં જ પડશે.હંમેશા મનના અવાજને સાંભળી આગળ વધવું.જે કામ કરવાની હ્રદય ના પાડે તે ન કરવું.’

ચોથા મિત્રે પૂછ્યું, ‘દોસ્ત સૌથી ઉત્તમ મિત્ર કોણ છે?’ જિબ્રાન બોલ્યા, ‘આમ તો દરેક સાચો મિત્ર ઉત્તમ છે અને કપરા સમયમાં સાથે રહે તે મિત્ર અતિ ઉત્તમ છે અને મારા માટે સર્વોત્તમ મિત્ર ‘ઈશ્વર’ છે.કારણ કે ઈશ્વર આપણો સાથ ક્યારેય નથી છોડતો. હંમેશા તેની કૃપા આપણી સાથે જ રહે છે.’ ખલિલ જિબ્રાને તેમના મનન અને ચિંતનના ફળ સમી સુંદર સમજ આ પ્રશ્નોના ઉત્તર દ્વારા આપી.

          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top