Comments

શંકરસિંહ ‘બાપુ’ ફરી ‘પંજા’ સામે હથેળી લંબાવીને ઊભા છે!

1990 થી 1996 ના ગાળામાં શંકરસિંહ વાઘેલાનું નામ ગુજરાતના કોઈ પણ રાજકારણી માટે કે પછી ગુજરાતના કોઈ પણ ગામના ખેડૂત નેતા,સરપંચ માટે અજાણ્યું નહતું. 1996 પછી ગુજરાતના રાજકારણમાં બાપુ સામે મોદીએ પોતાની રાજકીય જમીન ઊભી કરવાની શરૂઆત અને શંકરસિંહે એમની રાજકીય જમીન ખોવાની શરૂઆત કરી.

એક સમયે ગુજરાતમાં ભાજપને ઊભું કરવા માટે એક જ બુલેટ પર સાથે ફરતા મોદી અને બાપુના રસ્તા ધીમે ધીમે અલગ થઇ ગયા. શંકરસિંહ બાપુ પાક્કા રાજકારણી ખરા પણ એમની આસપાસ રહેલી સલાહકાર મંડળીને કારણે અવળે રસ્તે અને ભૂલભરેલા નિર્ણયો લેવાની શરૂઆત કરી અને એવી પછડાટ ખાધી કે એક વખત ગુજરાતના રાજકારણમાં ઘરે ઘરે દબદબો ધરાવતા શંકરસિંહે એ જ ગુજરાતમાં પોતાનું રાજકીય વર્ચસ્વ ટકાવી રાખવા માટે એ જ કોંગ્રેસના શરણે આવીને ઊભા રહેવું પડે છે.

જે કોંગ્રેસ સામે એમણે ભાજપ ઊભો કર્યો, પછી પોતાનો પક્ષ રાજપા રચ્યો. એમાં ન ફાવ્યા એટલે કોંગ્રેસ સાથે ગયા અને ત્યાં ન ફાવ્યું તો એન.સી.પી.માં ગયા. ફરી પોતાનો પક્ષ રચવાનો નિષ્ફ્ળ પ્રયાસ કર્યો અને આજે જયારે આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ફરી બાપુ કોંગ્રેસનો હાથ પકડવા માટે હાથ લંબાવીને ઊભા છે.

વારે ઘડીએ રાજકીય પક્ષો બદલનારા બાપુ પરથી એમના ટેકેદારો તો ઠીક, ગુજરાતની પ્રજાએ પણ ભરોસો ગુમાવી દીધો છે. ગુજરાતની પ્રજા એમની પર ભરોસો મૂકે પણ કેમ? ભરોસાની વાત આવે એટલે બાપુનો રાજકીય ભૂતકાળ તપાસવો પડે તો કદાચ આ પ્રશ્નનો જવાબ મળે.

શંકરસિંહ વાઘેલાએ 1960 ના દાયકામાં તેમની રાજકીય સફરની શરૂઆત રાષ્ટ્રીય સ્વયં સેવક દળની રાજકીય પાંખ ‘જનસંઘ’માં જોડાઈને કરી.શંકરસિંહ આખા ગુજરાતમાં જનસંઘ ઊભું કરવા માટે કામ કરી જ રહ્યા હતા કે એવામાં વર્ષ 1975 માં ઇંદિરા ગાંધીએ કટોકટીની જાહેરાત કરી દીધી.

શંકરસિંહ જાણે આ મોકાની તલાશમાં જ હતા ને કટોકટીને એમણે તક તરીકે ઝડપી, તે સમયે ગુજરાતમાં ઇંદિરા સરકાર વિરુદ્ધ જે જનઆંદોલન થયું હતું તેમાં બાપુ હીરો બની ગયા.આ આંદોલનથી ગુજરાતમાં બાપુ એક નેતા તરીકે પ્રસ્થાપિત થયા ને જનસંઘને ગુજરાતમાં એક ઓળખ મળી.આ કોટોકટી વખતે બાપુની મહેનતનું જ પરિણામ હતું કે વર્ષ 1977 માં છઠ્ઠી લોકસભા ચૂંટણી વખતે બાપુ જનતા દળની ટિકિટ પરથી કપડવંજ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા.

જો કે દર વખતની જેમ બાપુના નસીબે આ જીત પછી લાંબો સાથ ન આપ્યો ને 1980 ની સાલ આવતાં તો અમુક કારણોસર જનતા પાર્ટી વિખેરાઈ ગઈ અને જૂનો જનસંઘ ‘ભારતીય જનતા પાર્ટી’ બની ગયો,પણ જનસંઘના નેતાઓએ ગુજરાતમાં શંકરસિંહ પર જ વિશ્વાસ દાખવ્યો ને ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં ઊભી કરવાની જવાબદારી પણ શંકરસિંહને સોંપી,કદાચ એટલે જ શંકરસિંહ 11 વર્ષ સુધી ગુજરાત ભાજપના જનરલ સેક્રેટરી તરીકે રહ્યા.

ગુજરાતના ગામડે ગામડે ફરીને ભાજપને ઊભો કર્યો. આ એમની મહેનતનું જ પરિણામ હતું કે જે પાર્ટીને કોઈ પૂછતું નહતું એ જ પાર્ટીના નેતા તરીકે 1984 માં રાજ્યસભાના સભ્ય બન્યા.

ધીમે ધીમે બાપુની કારકિર્દીએ વેગ પકડ્યો પણ વર્ષ 1985 ની ચૂંટણીમાં કૉંગ્રેસના નેતા માધવસિંહ સોલંકીની રાજનીતિ સામે ભાજપ બિલકુલ ધરાશાયી થઈ ગયો. કેન્દ્ર ભાજપ અને સંઘના કેટલાક નેતાઓને આ સ્થિતિ ન ગમે એટલે ગુજરાતમાં ભાજપને ગમે તે ભોગે મજબૂત કરવાના પ્રયત્ન શરૂ કર્યા, પરિણામ સ્વરૂપ વર્ષ 1987 માં સંઘ દ્વારા પોતાના પ્રચારક તરીકે કામ કરી રહેલા નરેન્દ્ર મોદીને ભાજપનું સંગઠન મજબૂત કરવાની જવાબદારી સોંપવામાં આવી.

સંઘ અને ભાજપની આ નિમણૂક શંકરસિંહને ન ગમી, કેમકે શંકરસિંહ મોદીને સારી પેઠે જાણતા હતા. એમને મોદીનો વિરોધ ઘણો કર્યો, પણ એમનું કાંઈ ચાલ્યું નહિ. ધીમે ધીમે મોદીની કામ કરવાની પદ્ધતિ અને ભાજપને ચલાવવાની નીતિના પગલે ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા અને મોદી વચ્ચે ભારે ઘમસાણ થયું.ગુજરાત ભાજપ દેખીતી રીતે જાણે બે ભાગમાં વહેંચાયેલો હોય એવું લાગ્યું.

મોદી અને શંકરસિંહ બંનેને રાજકીય મહેચ્છાઓ ખૂબ હતી. ગુજરાતમાં ભાજપને ઊભો કરવાને કારણે શંકરસિંહની હંમેશા મહેચ્છા એ જ હતી કે ગુજરાતમાં જયારે ભાજપની સરકાર બને તો એમને જ મુખ્યમંત્રી બનાવવામાં આવે, પણ બાપુના સ્વભાવને કારણે તે સમયે ભાજપના દરેક લોકોએ કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી તરીકે સહયોગ આપ્યો જેમાં નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થતો હતો.વાઘેલાના મનમાં એ વાત ખટકી ગઈ કે નરેન્દ્ર મોદીને કારણે તેઓ મુખ્ય મંત્રી નથી બની શક્યા,બસ પછી તો પૂછવું જ શું?

શંકરસિંહ વાઘેલાને મુખ્યમંત્રી ન બની શકવાને કારણે કેશુભાઈ પટેલ સામે વાંધો પડ્યો. તેઓ કેશુભાઈની સરકારના 47 ધારાસભ્યોને લઈને મધ્ય પ્રદેશના ખજુરાહો જતા રહ્યા અને સરકાર સામે બળવો પોકારી દીધો.આ બળવાને ‘ખજુરિયા-હજુરિયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેના પરિણામ સ્વરૂપે કેશુભાઈ પટેલની સરકાર
ભાંગી પડી.

માંડ ગુજરાતમાં બનેલી સરકાર પડી ભાંગવાથી કેન્દ્ર ભાજપ અને સંઘના નેતાઓ ખૂબ મુશ્કેલીમાં મુકાઈ ગયા.એમણે પ્રયત્ન કર્યા કે કોઈ પણ ભોગે ગુજરાતમાં ભાજપની સરકાર બની રહે,એટલે કેન્દ્ર ભાજપના નેતાઓએ શંકરસિંહ સાથે વાટાઘાટો શરૂ કરી ને શંકરસિંહ વાઘેલાએ મોવડીમંડળ સમક્ષ ત્રણ માગો મૂકી, જેમાંની એક હતી કે કેશુભાઈ પટેલને મુખ્ય મંત્રી પદ પરથી હટાવવામાં આવે.

બીજું કે તેમના સાથી ધારાસભ્યોમાંથી ઓછામાં ઓછા છ લોકોને મંત્રીપદ આપવામાં આવે અને ત્રીજું કે નરેન્દ્ર મોદીને સ્થાનિક રાજકારણમાંથી હટાવીને કેન્દ્રમાં મોકલી આપવામાં આવે.શંકરસિંહ વાઘેલાની આ ત્રણેય માંગો સંતોષાઈ ગઈ અને ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે સુરેશ મહેતાને પદભાર સોંપવામાં આવ્યો.

સરકાર સામે બળવો અને ત્યાર બાદ સમાધાનનો સમય તો આવ્યો, પરંતુ શંકરસિંહ વાઘેલા આ નવી સરકારથી ખુશ નહોતા.શંકરસિંહને તો પોતે જ મુખ્યમંત્રી બનવું હતું, એટલે વર્ષ 1995 માં સુરેશ મહેતાની સરકાર સામે વાઘેલાએ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો અને તેમની સરકાર ભાંગી પડી.

વર્ષ 1996 માં વાઘેલાએ તેમના 47 વિદ્રોહી ધારાસભ્યો સાથે મળીને પોતાની પાર્ટી બનાવી જેનું નામ રાખ્યું ‘રાષ્ટ્રીય જનતા પાર્ટી’.ત્યાર બાદ વાઘેલા 1997-98 સુધી કૉંગ્રેસના ટેકાથી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા.ત્યાર બાદ આવનારી ચૂંટણીઓમાં વાઘેલાનો પક્ષ કંઈ ખાસ પ્રદર્શન ના કરી શક્યો અને તેમણે તેમના પક્ષને કૉંગ્રેસમાં ભેળવી દીધો.

બાપુને લાગ્યું કે હવે તેમની રાજકીય ઈચ્છાઓ પૂરી થશે અને થયું પણ એવું. વર્ષો સુધી જનસંઘ અને ભાજપમાં કામ કરવા છતાં કોંગ્રેસે એમની પર વિશ્વાસ મૂકીને 2002 માં કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા. 2004 માં મનમોહનસિંઘની યૂપીએ-1 સરકારમાં કેન્દ્રીય કાપડ મંત્રી બનાવ્યા.

યૂપીએ-2 સરકારમાં શંકરસિંહ વાઘેલાને ગુજરાતમાં સંગઠનની જવાબદારી સોંપવામાં આવી, પછી ગુજરાતમાં વિરોધ પક્ષના નેતા બનાવવામાં આવ્યા,પણ બાપુની ઈચ્છા-મહેચ્છાઓ કાંઈક જુદી હતી.એમને તો આખા ગુજરાત કોંગ્રેસની ફરીથી આખી કમાન્ડ જોઈતી હતી,એટલે પહેલાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સામે વાંધો પાડ્યો ને પછી તો અનેક વખત વાદવિવાદનો સમય શરૂ થયો.

છતાં કોંગ્રેસનું મોવડીમંડળ સમાધાનના રસ્તા શોધતું રહ્યું, પણ શંકરસિંહ કાંઈક જુદી જ લાઈન પર હતા. એમની ઈચ્છાઓ તો કાંઈક જુદી હતી એટલે કોંગ્રેસની અનેક સમજાવટ પછી પણ બાપુ ન માન્યા તે ન જ માન્યા. છેવટે વર્ષ 2017 ની ચૂંટણી પહેલાં વાઘેલાએ કૉંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો અને પોતાનો નવો પક્ષ રચ્યો, જેનું નામ આપ્યું ‘જન વિકલ્પ મોરચા અને નિશાન ફાળવાયું ટ્રેકટર.

2017 નાં પરિણામોએ સાબિત કરી આપ્યું કે બાપુનું રાજકીય ટ્રેકટર ચાલ્યું નહિ.એમનું ટ્રેકટર કોઈ ગેરજવાળો પણ રીપેર કરી શકે એવી સ્થિતિ નથી.બાપુને પણ પોતાની રાજકીય સ્થિતિનો ખ્યાલ આવી ગયો.છતાં બાપુ માન્યા નહિ.

2019 માં બાપુ ફરીથી એક એવો પક્ષ જેનું ગુજરાતમાં કોઈ વજૂદ જ નથી એવા એન.સી.પી. ના રવાડે જઈ ચડ્યા,ત્યાં પણ બાપુની મહત્ત્વાકાંક્ષાઓ એમને નડી ગઈ અને બાપુએ ઘડિયાળ બંધ કરીને છુટા થવું પડ્યું.

બાપુએ ઘડિયાળ બંધ થયા પછી અટકી જવું હતું પણ માને એ બીજા. બાપુએ ફરી રાજકારણમાં પોતાની જાતને સાબિત કરવા માટે પ્રજા શકિતનામનો પક્ષ રચ્યો, જેની શક્તિઓ વિષે બાપુને 2021 ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવતાં ખબર પડી ગઈ અને પોતાનો એક પણ ઉમેદવાર જાહેર ન કર્યો અને હવે ફરીથી કોંગ્રેસના પંજા સામે હાથ લંબાવીને ઊભા છે.

આગળ લખ્યું છે એમ દરેક સ્થિતિ વર્ષ વાર જોઈ લો, બાપુ સતત એમનું ઠેકાણું એમની ઈચ્છા પૂરી કરવા જ બદલતા રહ્યા છે.પોતાની ઈચ્છાઓ પૂરી કરવા અને મહત્ત્વાકાંક્ષાઓ સંતોષવા માટે બાપુએ હંમેશા પોતાના લોકોનો જ ભોગ લીધો હોય એવા અનેક દાખલા છે.

તો જો પોતાના જ લોકોના ભોગે પોતાનું રાજકારણ બાપુ આગળ વધારતા હોય તો પ્રજા થોડી ગાંડી છે કે દરેક વખતે બાપુની વાત પર ભરોસો મૂકી દે? બાપુ દર વખતે બોલે છે કાંઈક ને કરે છે કાંઈક,દર વખતે બોલીને ફરી જાય છે,એટલે કોંગ્રેસ સાથે એમની નવી ઇનિંગ શરૂ થાય છે કે નહિ અને થશે તો કેટલું ટકશે એ તો ભગવાન જ જાણે!

          – લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top