Columns

જેવા વિચાર તેવા આચાર

એક સાધુ વૃંદાવનમાં રહે અને ભિક્ષુક રહેવાનો નિયમ એટલે રોજ ભિક્ષા માંગવા નીકળે. જે મળે તે સ્વીકારે અને ખાઈ લે અને બાકી બધો સમય હરિનામમાં વિતાવે…એક દિવસ વહેલી સવારે સાધુ ભિક્ષા લેવા નીકળ્યા અને તેમણે રસ્તામાં જોયું કે એક ભગવાધારી સાધુ છાપું વાંચી રહ્યો હતો. સાધુ તેની તરફ તુચ્છ નજરે જોઇને હસ્યા અને આગળ વધી ગયા.પોતાની સમજ અને નિયમો અને ભક્તિ પર મનમાં એક છાનો ગર્વ થયો કે મેં જીવનમાં કેવી ભક્તિ અને સમર્પણ સાધ્યું છે.ભગવાનના ધામમાં રહું છું.ભિક્ષા માંગી તેની પર ગુજરાન ચલાવવાનો નિયમ પાળું છું અને આખો દિવસ પ્રભુના ધામમાં ..પ્રભુના નામમાં મસ્ત રહું છું.

આ જો મૂર્ખ સાધુ આમ ભગવા પહેર્યા છે ..પ્રભુ ધામમાં ભગવાનની નજીક છે છતાં ભગવાનને ભૂલીને દુન્યવી સમાચારો જાણવા છાપું વાંચી રહ્યો છે.આ આખો સંસાર ક્ષણભંગુર છે છતાં આ સાધુ થઈને ભગવાનને ભજવાને બદલે સંસારના નકામા સમાચારો વાંચવામાં સમય બગાડી રહ્યો છે. સાધુએ કંઈ કહ્યું નહિ, પણ પેલા છાપું વાંચતા સાધુ વિષે તેને ઉતારી પાડતાં અને પોતે મહાન છે તેવા વિચારો કર્યા.અને આ વિચારો સાથે તેમણે ભિક્ષા માંગી.પહેલા ઘરે તેમને રોટી મળી તે પણ એક જુના છાપાના કાગળમાં વીંટાળીને…સાધુ ભિક્ષા માંગી ..પોતાની કુટીર પર ગયા અને ભોજન કરવા બેઠા.

છાપાના કાગળમાં વીંટાળેલી રોટી ખોલી અને ખાવાની શરૂઆત કરતાં જ તેઓ છાપાના ટુકડા પર જે લખેલું હતું તે વાંચવા લાગ્યા અને એવો રસ પડ્યો કે ખાવાનું ભૂલી ગયા અને હમણાં થોડી વાર પહેલાં પોતે બીજા છાપું વાંચતા સાધુ માટે નકારાત્મક વિચારતા હતા તે પણ ભૂલી ગયા. પછી તો એવું થયું કે સાધુ રોજ જ્યાં રોટી છાપામાં વીંટાળીને આપતા હતા તે ઘરે જ ભિક્ષા લેવા ખાસ જતા …રસ્તામાં પણ કોઈ છાપાનો ટુકડો દેખાય તો તે ઉપાડીને વાંચવા લાગતા…પોતે જે કાર્યને બીજાને કરતા જોઈ ઉતારી પાડતાં હતા તે જ કાર્ય હવે તેઓ પોતે સતત કરવા લાગ્યા. તેની તેમને પણ સમજ કે ખ્યાલ ના રહ્યો.અન્ય માટે કરેલા નકારાત્મક વિચારે તેમને ઘેરી લીધા. કોઈના પણ માટે નકારાત્મક ન વિચારો …હંમેશા હકારાત્મક જ વિચારો ..સતત સારું વિચારો કારણ કે તમારા મનમાં રહેલા વિચારો ક્યારે તમારી પર હાવી થઈ જઈ તમારી પાસે તેવું જ વર્તન કરાવે છે અને તેની તમને પણ ખબર પડતી નથી.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top