Sports

ક્રિકેટના વ્યસ્ત શેડ્યુલનો મુદ્દો ફરી ગરમ બનવા માંડ્યો

લ્લા ઘણા સમયથી ક્રિકેટના વ્યસ્ત શેડ્યુલનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે. ભારતીય ક્રિકેટરો વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, રોહિત શર્મા તેમ જ અન્ય દેશોના ખેલાડીઓને તેમના ક્રિકેટ બોર્ડ દ્વારા છાશવારે વર્કલોડ મેનેજમેન્ટના નામે આરામ આપવામાં આવી રહ્યો છે. જો કે આમ છતાં તેઓ સતત ક્રિકેટ રમતા રહે છે અને આવા વ્યસ્ત ક્રિકેટ શેડ્યુલના કારણે ઘણી વાર ક્રિકેટર વહેલી નિવૃત્તિ લઇ લે છે અથવા તો ક્રિકેટમાંથી લાંબા સમયનો બ્રેક લઇ લે છે.

ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર અને ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ક્રિકેટના વ્યસ્ત શેડ્યુલથી કંટાળીને મેન્ટલ હેલ્થનું કારણ આગળ ધરીને ક્રિકેટમાંથી અચોક્કસ મુદતનો બ્રેક લીધો હતો. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની કેપ્ટન મેગ લેનિંગે પણ હાલમાં જ પૂરી થયેલી કોમનવેલ્થ ગેમ્સમાં તેની આગેવાનીમાં ટીમે ગોલ્ડ મેડલ જીત્યા પછી ગુરુવારે પોતાની જાત પર ફોક્સ કરવાના નામે ક્રિકેટમાંથી અચોક્કસ મુદતનો બ્રેક લીધો છે.  ગુરુવારે એવી જ એક બીજી ઘટનામાં ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટે ક્રિકેટના વ્યસ્ત શેડ્યુલથી કંટાળીને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને છોડી દેવાની જાહેરાત કરી છે અને તેના કારણે ફરી એક વાર આ મુદ્દો ગરમ બની ગયો છે.

ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટે ખૂબ જ વ્યસ્ત ક્રિકેટ શેડ્યુલથી ત્રાસીને અંતે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ સાથેના પોતાનો કોન્ટ્રાક્ટનો અંત આણતા તે હવે ઘણું ઓછું ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતો જોવા મળશે. બોલ્ટે આ નિર્ણય પોતાના પરિવારને વધુ સમય આપવા અને સતત રમાતા ક્રિકેટના કારણે લાગતા થાકને ઓછો કરવા માટે કર્યો છે. જો કે 33 વર્ષનો આ ઝડપી બોલર ડોમેસ્ટિક ક્રિકેટમાં રમતો રહેશે. તે હવે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમનો હિસ્સો નથી. તે જાતે હવે ઉપલબ્ધ હોવાનું કહેશે ત્યારે જ તેની પસંદગી ટીમમાં કરવામાં આવશે. બોલ્ટ હાલ મર્યાદિત ઓવરોની સીરિઝ માટે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસે ગયેલી ટીમમાં સામેલ છે. આ ફોર્મેટમાં તે લાંબા સમય પછી વાપસી કરી રહ્યો છે.

21 દિવસ પહેલા ઈંગ્લિશ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે વન ડે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો અને કહ્યું હતું કે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમવું તેના માટે ખૂબ મુશ્કેલ છે. તેનું શરીર પણ હવે પ્રતિક્રિયા આપી રહ્યું છે અને હવે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 548 વિકેટ લઇ ચૂકેલા આ ઝડપી બોલરે અચાનક પોતાના દેશના બોર્ડ સાથે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનો અંત આણતા ફરી એક વાર ક્રિકેટ સંચાલન કરનારા વૈશ્વિક વહીવટદારોને સવાલોના ઘેરામાં લાવી દીધા છે. તેના આ નિર્ણયને પગલે ક્રિકેટના વ્યસ્ત શેડ્યુલનો મુદ્દો ફરી ગરમ બન્યો છે.  બોલ્ટે કહ્યું હતું કે દેશ માટે ક્રિકેટ રમવું મારા માટે ગર્વની વાત છે. તે એક સ્વપ્ન હતું જે સાકાર થયું. હું છેલ્લા 12 વર્ષથી સતત રમી રહ્યો છું.

હવે હું મારા પરિવારને સમય આપવા માંગું છું. મેં મારી પત્ની અને 3 બાળકો માટે આ નિર્ણય લીધો છે. મારો પરિવાર મારી પહેલી પ્રાથમિકતા છે અને તેમને હવે મારી જરૂર છે. તેણે કહ્યું હતું કે મેં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી મારી જાતને બાકાત રાખવાનો સભાન નિર્ણય લીધો છે. જો હું ત્યાં નહીં હોઉં તો તે ચોક્કસપણે ટીમને અસર કરશે. જો કે, ઝડપી બોલરની કારકિર્દી પણ બહુ લાંબી હોતી નથી. આવી સ્થિતિમાં, આ યોગ્ય સમય છે કે હવે હું મારા જુદા પગલા તરફની મારી યોજનાઓ આગળ ધપાવું. આ તરફ ઓસ્ટ્રેલિયાની વર્લ્ડકપ વિજેતા મહિલા કેપ્ટન મેગ લેનિંગ આ વર્ષના અંતે ભારત પ્રવાસે આવનારી ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનશિપ નહીં કરે, કારણ કે તે પોતાની જાત પર ફોકસ કરવા માટે રમતમાંથી અચોક્કસ મુદતનો બ્રેક લઇ રહી છે.

ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ ડિસેમ્બરમાં 5 T 20 મેચની સીરિઝ માટે ભારતનો પ્રવાસ કરવાની છે. તે પછી તેઓ પાકિસ્તાન સામે ઘરઆંગણે એક સીરિઝ રમશે અને ત્યાર બાદ આવતા વર્ષે દક્ષિણ આફ્રિકામાં T-20 વર્લ્ડકપ રમવા માટે જશે. લેનિંગે આજે બુધવારે પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે કેટલાક વર્ષો અતિ વ્યસ્ત રહેવાના કારણે હવે મેં મારી જાત પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. તેણે કહ્યું હતું કે હું ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને મારી સાથી ખેલાડીઓનો આભારી છું. આ સમય દરમિયાન મારી પ્રાઇવસીનું ધ્યાન રખાશે એવી આશા રાખું છું.

હાલમાં જ બર્મિંઘમમાં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન પહેલી વાર સામેલ કરાયેલા મહિલા T-20 ક્રિકેટમાં મેગ લેનિંગની કેપ્ટનશિપ હેઠળ ઓસ્ટ્રેલિયાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2010માં ઇન્ટરનેશલ લેવલે ડેબ્યુ કરનારી લેનિંગ 2014માં ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટન બની હતી. તેણે કુલ 171 મેચોમાં ઓસ્ટ્રેલિયન ટીમનું સુકાન સંભાળ્યું છે અને તેની કેપ્ટનશિપ હેઠળ ઓસ્ટ્રેલિયાની ટીમે T-20 અને 50 ઓવરોનો વર્લ્ડકપ જીત્યો છે. આ તમામ બાબતોએ ફરી એક વાર ક્રિકેટ સંચાલન કરનારા વૈશ્વિક વહીવટદારોને સવાલોના ઘેરામાં લાવી દીધા છે. આ ક્રિકેટરોના આ નિર્ણયને પગલે ક્રિકેટના વ્યસ્ત શેડ્યુલનો મુદ્દો ફરી ગરમ બન્યો છે.

Most Popular

To Top