Columns

અનાજનું આવી રહેલું સંકટ કુદરતી નહીં પણ માનવસર્જીત હશે

દુનિયા વિશે ભવિષ્યવાણીઓ કરવા માટે જાણીતા ‘ધ ઇકોનોમિસ્ટ’મેગેઝિને વિશ્વમાં આવી રહેલા અન્ન સંકટ બાબતમાં કવર સ્ટોરી કરી છે. આ કવર સ્ટોરીમાં ઘઉંના કણસલાંમાં ઘઉંના દાણાને બદલે દાણા જેવી દેખાતી મનુષ્યની ખોપડીઓ ગોઠવી દેવામાં આવી છે. આ કવર સ્ટોરી મુજબ જો જગતમાં અન્ન સંકટ પેદા થશે તો તેના માટે યુક્રેન પર હુમલો કરનારા રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન જવાબદાર હશે. કોવિડ-૧૯ અને જળવાયુ પરિવર્તનને કારણે દુનિયામાં અનાજનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે. તેમાં યુક્રેનના યુદ્ધે દુકાળમાં અધિક માસની ભૂમિકા ભજવી છે. યુદ્ધને કારણે યુક્રેનનું અનાજનું ઉત્પાદન અડધું થઈ ગયું છે અને નિકાસ તો સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે.

રશિયા અને યુક્રેન મળીને જગતનું ૬ ટકા અનાજ પેદા કરે છે, પણ નિકાસમાં તેમનો ફાળો ૧૬ ટકા જેટલો છે. રશિયા અને યુક્રેન ઘઉં ઉપરાંત મકાઈ અને જવનું ઉત્પાદન પણ કરે છે. વળી તેમનું અનાજ કતલ માટે ઉછેરવામાં આવતાં પ્રાણીઓને પણ ખવડાવવામાં આવતું હોય છે. વિશ્વબજારમાં અનાજના ભાવોમાં ૫૦ ટકા જેટલો તોતિંગ ઉછાળો જોવામાં આવ્યો છે. અનાજ ઉપરાંત યુક્રેનના યુદ્ધને કારણે ખનિજ તેલના અને કેમિકલ ફર્ટિલાઇઝરના ભાવો પણ વધી ગયા છે.

અનાજના ભાવો વધતાં બ્રેડ, પાસ્તા અને કોર્ન સિરપના ભાવો પણ વધી ગયા છે, જેનો ઉપયોગ ઠંડાં પીણાંઓને ગળ્યાં બનાવવા માટે કરવામાં આવે છે. યુક્રેનના મોટા ભાગના યુવાન કિસાનો યુદ્ધના મોરચા પર ગયા હોવાથી ત્યાં અનાજનું ઉત્પાદન એકદમ ઘટી ગયું છે. યુક્રેનનાં ખેતરો પણ રશિયાના બોમ્બમારાનો ભોગ બન્યા હોવાથી તેમાં અનાજ પાકવાની સંભાવના બહુ ઓછી રહી છે. જે થોડું અનાજ પાકશે તે યુક્રેનનાં ચાર કરોડ નાગરિકો માટે સાચવી રાખવામાં આવશે. યુક્રેનનાં બંદરો ઉપર રશિયાએ ઘેરો ઘાલ્યો હોવાથી ત્યાંથી અનાજની નિકાસ થઈ શકે તેમ નથી. રશિયા જો અનાજની નિકાસ કરે તો તેને ડોલરમાં ચૂકવણી કરવા પર પ્રતિબંધ હોવાને કારણે રશિયા પણ નિકાસ કરવા આતુર નથી.

વિશ્વની ૭૦૦ કરોડની વસતિની ભૂખ ભાંગી શકે તેટલું અનાજ ખેતરોમાં પેદા થાય છે, પણ મલ્ટિનેશનલ કંપનીઓ અને સમૃદ્ધ રાષ્ટ્રો દ્વારા અનાજનો ગેરવહીવટ કરવામાં આવતો હોવાથી દુનિયામાં ભૂખમરો પેદા કરવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના જણાવ્યા મુજબ આજની તારીખમાં દુનિયાના ૯૩ દેશોના ૯૫.૭ કરોડ લોકોને પેટ ભરાય તેટલું ભોજન મળતું નથી. આ વર્ષે આબોહવા પરિવર્તન અને યુદ્ધને કારણે તેમાં ૨૩.૯ કરોડ લોકોનો વધારો થવાની સંભાવના છે. અર્થાત્ જે ૨૩.૯ કરોડ લોકો અત્યાર સુધી માંડ માંડ બે ટંકનો રોટલો રળી ખાતા હતા, તેમને પણ હવે ભૂખે મરવાનો વારો આવશે. અમેરિકાનાં ગરીબો ભૂખ્યાં સૂઈ રહ્યાં છે.

અમેરિકામાં અનાજનું વિપુલ ઉત્પાદન થાય છે, પણ તેનો ઉપયોગ ગરીબોના પેટ ભરવા માટે કરવાને બદલે માંસ અને બળતણ પેદા કરવા માટે કરવામાં આવે છે. અમેરિકાની બહુમતી પ્રજા માંસાહારી છે. માંસનું ઉત્પાદન કરવા માટે વિશાળ એનિમલ ફાર્મ ઊભા કરવામાં આવે છે. તેમાં ગાયોને અને ડુક્કરોને મકાઈ અને સોયાબીન ખવડાવવામાં આવે છે. પશુના શરીરમાં એક રતલ માંસ પેદા કરવા માટે તેને ૧૪ રતલ અનાજ ખવડાવવું પડે છે. જો અમેરિકાનાં બધાં લોકો માંસાહારનો ત્યાગ કરીને શાકાહારી બની જાય તો પણ જગતની અનાજની અછત દૂર થઈ જાય તેમ છે. અમેરિકામાં જેટલી મકાઈ પાકે છે તેના ૪૦ ટકાનો ઉપયોગ ઇથેનોલ બનાવવા માટે કરવામાં આવે છે. આ ઇથેનોલ પેટ્રોલમાં ભેળવવામાં આવે છે. વળી બાયોફ્યુઅલ બનાવવા માટે પણ લાખો એકર જમીન પર જેટ્રોફા જેવાં વૃક્ષો ઉગાડવામાં આવે છે, તે બંધ કરવાની જરૂર છે.

આબોહવામાં આવી રહેલાં પરિવર્તન અને જાગતિક તાપમાનને કારણે પણ અનાજનું ઉત્પાદન ઘટી રહ્યું છે. ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષમાં ૧૧.૩૫ કરોડ મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન થવાનો અંદાજ બાંધવામાં આવ્યો હતો, પણ માર્ચ મહિનામાં ભારે ગરમી પડતાં ઘઉંના પાકને નુકસાન થયું છે, જેને કારણે ઉત્પાદન ઘટીને ૧૦.૫ કરોડ મેટ્રિક ટન થઈ જશે. આ પરિસ્થિતિમાં ભારતે અગમચેતી વાપરીને ઘઉંની નિકાસ પર પ્રતિબંધ ફરમાવી દીધો તેને કારણે વિશ્વબજારમાં ઘઉંના ભાવોમાં ૬ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ભારતનાં સ્થાનિક બજારોમાં પણ ઘઉંના ભાવોમાં ૨૦ થી ૪૦ ટકાની વૃદ્ધિ જોવા મળી રહી છે. ભારત સરકાર દ્વારા ગરીબોને દર મહિને મફતમાં પાંચ કિલો અનાજ આપવામાં આવતું હોવાથી બફર સ્ટોક ખાલી થઈ રહ્યો છે. હવે જો ભારતમાં એક ચોમાસું પણ નબળું જશે તો ભારતમાં પણ અનાજની કટોકટી પેદા થશે.

વિશ્વ બેન્કના પ્રમુખ ડેવિડ માલપાસ કહે છે કે યુક્રેનના યુદ્ધને કારણે જગતનાં કરોડો લોકો ભૂખમરા તરફ ધકેલાઈ જાય તેવો ભય પેદા થયો છે. તેમના અંદાજ પ્રમાણે યુક્રેનનું યુદ્ધ જો લાંબું ચાલે તો દુનિયામાં અનાજના ભાવોમાં ૩૭ ટકા જેટલો વધારો થશે, જેને કારણે કરોડો લોકો ગરીબી રેખાની નીચે ધકેલાઈ જશે. તેમની પાસે બે ટંકનો રોટલો ખરીદવા જેટલા રૂપિયા પણ નહીં હોય. હકીકતમાં જગતમાં અનાજની તંગી નથી પણ નાણાંની તંગી છે. અનાજનું ઉત્પાદન વધારવાને નામે કિસાનોને કેમિકલ ફર્ટિલાઈઝર, જંતુનાશક દવાઓ, સંકર બિયારણ, વીજળી અને ટ્રેક્ટરના ભરોસે જીવતા કરી દેવામાં આવ્યા છે. તેને કારણે અનાજનું ઉત્પાદન વધ્યું છે તેમ તેના ભાવો પણ વધ્યા છે. તેને કારણે દેશમાં અનાજના ભંડારો ભરેલા હોવા છતાં ગરીબો અનાજ ખરીદી શકતા નથી. તે અનાજને વધારાનું ગણીને તેની નિકાસ કરી દેવામાં આવે છે. આ પરિસ્થિતિ ભારતમાં પણ પેદા થઈ છે. ભારતનાં ૪૦ કરોડ ગરીબોને બે ટંકનો રોટલો મળતો નથી તો પણ ભારત સરકાર દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં એક કરોડ મેટ્રિક ટન ઘઉંની નિકાસ કરવાની છૂટ આપવામાં આવી હતી. તે પૈકી ૪૫ લાખ મેટ્રિક ટન ઘઉંની નિકાસ થઈ ગયા પછી તે છૂટ પાછી ખેંચી લેવામાં આવી છે.

દુનિયામાં અનાજની ગંભીર અછત પેદા થઈ છે તેમાં દુનિયાના દેશોની દેવું કરીને અર્થતંત્ર ચલાવવાની પદ્ધતિ પણ જવાબદાર છે. દાખલા તરીકે શ્રીલંકામાં અનાજની ગંભીર અછત પેદા થઈ છે, કારણ કે તેણે કેમિકલ ફર્ટિલાઈઝરની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો હતો. તેને કારણે અનાજનું ઉત્પાદન ઘટી ગયું હતું. અનાજની તંગી દૂર કરવા ભારત વગેરે દેશોમાંથી આયાત કરવામાં આવતી હતી. હવે શ્રીલંકા પાસે હૂંડિયામણના ભંડારો ખૂટી જતાં તેને આયાત પર નિયંત્રણો મૂકવાની ફરજ પડી છે, જેને કારણે અનાજના અને ખાદ્ય પદાર્થોના ભાવો આસમાને પહોંચી ગયા છે. જે શ્રીલંકા પાસે અનાજની આયાત કરવાના રૂપિયા નથી તેણે ખનિજ તેલની આયાત ચાલુ જ રાખી છે.

ખનિજ તેલનો ઉપયોગ પેટ્રોલ અને ડિઝલ બનાવવા માટે થાય છે, જેનો ઉપયોગ વાહનો માટે કરવામાં આવે છે. જો સરકાર ખનિજ તેલની આયાત બંધ કરે તો અનાજની આયાત કરી શકે તેમ છે, પણ સરકાર માટે પ્રાથમિકતા અનાજ નથી. શ્રીમંત અને મધ્યમ વર્ગનાં વાહનો માટેનું બળતણ તેના માટે વધુ મહત્ત્વનું છે. ગરીબો પાસે અનાજ ખરીદવાના રૂપિયા ન હોવાથી સરકાર તેમની ચિંતા કરતી નથી. જેવી હાલત શ્રીલંકાની છે, તેવી કટોકટી દુનિયાના ૩૯ દેશોમાં પેદા થઈ છે. જો તે દેશોની સરકારો પણ અનાજના ભોગે ખનિજ તેલની આયાત કરશે તો તેની પ્રજાને પણ ભૂખે મરવાનો વારો આવશે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top