Comments

કોંગ્રેસ પક્ષ આળસ મરડીને બેઠો થાય છે

કોંગ્રેસના ઉદયપુર ચિંતન શિબિર પછી યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ પક્ષ છોડી દીધો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગાજી રહી છે ત્યારે આ ઘટના બની રહી છે. પોતાના પાટીદાર સમાજ સંબંધી આંદોલન સંલગ્ન રહીને કીર્તિના નવા આકાશને આંબી જનાર આ ચંચળ યુવા નેતા માટે આ આશ્ચર્યજનક નથી. છેલ્લા કેટલાક વખતથી હાર્દિક પટેલ પાટીદાર સમાજ સાથે દુર્વ્યવહાર કરતા હોવાનો જે ભારતીય જનતા પક્ષ પર પોતે આક્ષેપ કરતો હતો તેની સાથે જોડાવાનો નિર્દેશ તે આપતો હતો.

કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ જાતે વીણેલા નેતાઓમાં હાર્દિક પટેલનો સમાવેશ થતો હતો અને રાહુલે તેને તરત જ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવી દીધા હતા. હાર્દિકને પ્રમુખપદના પોતાના કાર્યકાળની કામગીરીનો હિસાબ આપ્યા વગર મોટી ભૂમિકાની અપેક્ષા હતી? હાર્દિક પટેલ વધુ પડતા મહત્ત્વાકાંક્ષી નેતા લાગે છે. જૂથબંધીથી ખદબદતા કોંગ્રેસ પક્ષ માટે વિધાનસભાની આગામી ચૂંટણી લડવા માટે કપરાં ચઢાણ ચડવાના છે એવી ગંધ આવતાં હાર્દિકની મહત્ત્વાકાંક્ષા અતિશય વધી ગઇ હોય તેવું બને.કોંગ્રેસ છોડવા માટે હાર્દિક પાસે ગમે તે કારણ હોય, પણ તેને કોંગ્રેસના ઉદયપુર ચિંતન શિબિરથી અલગ નહીં પાડી શકાય.

કોંગ્રેસમાં નવી  જૂની પેઢી વચ્ચેનો સંઘર્ષ પક્ષના ભાગલા નહીં પાડે તો ય ચીરા પાડશે એવું લાગે છે. પટેલે કોંગ્રેસને રામરામ કર્યા તે ચિંતન શિબિરની ફળશ્રુતિ છે? શિબિરે પક્ષની મહાસમિતિની ૫૦% બેઠકો ૫૦ વર્ષથી ઓછી ઉંમરનાં લોકો માટે અનામત રાખવાનો હતાશાજનક પ્રયાસ કર્યો પણ ફળશ્રુતિ શું? હાર્દિકને તો પક્ષના કાર્યકારી પ્રદેશ પ્રમુખનું પદ અપાયું હતું, ભલે તે બહારની વ્યકિત હોવાનું ગણાવાયું હતું છતાં. પટેલ અને સિધ્ધુ જેવા નેતાની સમસ્યા આવી જ હોય છે કે તે ઓછા પડતા મહત્ત્વાકાંક્ષી તેમને સંઘભાવનાની કંઇ પડી જ નથી.

ચિંતન શિબિરનો હેતુ પક્ષને નવા પડકારો સામે નવું જોમ આપવાનો છે અને તે માટે પૂરતું કામ થયું પણ છે. ચિંતન શિબિરમાં મોવડીમંડળે બળવાખોરોની વાત પર ધ્યાન આપ્યું લાગે છે. પક્ષના નવા પ્રમુખની આવતા ઓગસ્ટમાં ચૂંટણી થાય ત્યાં સુધી ગાડી બરાબર ચાલે તે માટે મોવડીમંડળે પ્રયાસ કર્યા છે. બળવાખોરો તરફ સમાધાનકારી વલણ અપનાવવા સાથે બે પાંખિયા વ્યૂહરચના અપનાવી છે અને એકતાનો ચહેરો દર્શાવ્યો છે. મોવડીમંડળે ખાસ કરીને ગુલામનબી આઝાદ અને હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હૂડા જેવા બળવાખોરો સાથે સમાધાન કરવા પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કેટલાંક લોકોને લાગતું હતું કે ચિંતન શિબિરમાં તોફાન થશે. બીજું કે કોંગ્રેસને ઘર વ્યવસ્થિત કરવાની હવે તાકીદ છે. આ સંજોગોમાં ગાંધી પરિવાર પક્ષ પર પોતાની પકડ જાળવી રાખે તેવી શકયતા વધતી જાય છે અને રાહુલ ગાંધીની પક્ષના નવા પ્રમુખ તરીકેની તાજપોશીની શકયતા વધતી જાય છે. પક્ષના પીઢ નેતાઓને પધ્ધતિસરનાં સ્થાન પર મૂકાય પછી બળવાખોરો ઢીલા પડશે!

રાજય સભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસ કમમાં કમ સાત બેઠક જીતી શકશે અને તેમાંથી કમમાં કમ બે બેઠકો આઝાદ સહિતના બળવાખોરોને ફાળવાશે તેવા નિર્દેશ છે. હૂડાનો દીકરો તો રાજયસભામાં ગયો છે અને તેમના સાથીને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બનાવાયા છે. જમ્મુ-કાશ્મીરમાં પણ આઝાદને કેન્દ્રમાં રાખી આવો જ કોઇ વ્યૂહ અપનાવાશે. પક્ષને ફરી ચેતનવંતો કરવાનો વ્યાયામ જોરશોરથી ચાલી રહ્યો છે. આમ પણ પાછલે બારણે સમાધાન પ્રક્રિયા તો ચાલુ થઇ જ ગઇ હતી. પણ ઉદેપુર ઉદયપુર ચિંતન શિબિરે સ્પષ્ટ કરી દીધું છે કે પક્ષ આળસ મરડીને બેઠો થઇ રહ્યો છે. ચિંતન શિબિરમાં વર્તમાન નેતૃત્વનો પ્રશ્ન ઉકેલવાની અપેક્ષા ન રાખી શકાય કારણ કે પક્ષના હોદ્દેદારોની ચૂંટણી આવી રહી છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top