Feature Stories

શ્રેષ્ઠ લીડરની વ્યાખ્યા શું? ગુલામ નબી આઝાદનો પાંચ પાનાંનો એક લાંબો પત્ર બેસ્ટ ઉદાહરણ!

અંગ્રેજીમાં એક શબ્દ છે; ગ્રેસફૂલ. આપણી વાતચીતમાં આ શબ્દ બહુ આવતો હોય છે. કોઈ વ્યક્તિ સભ્યતાથી વાત કે વર્તન કરે તો આપણે કહેતા હોઈએ છીએ કે “તેનામાં ગ્રેસ બહુ છે.” ગ્રેસ માટે ગુજરાતીમાં સૌમ્ય, સુખદાયક, આહલાદક કે રૂચિકર જેવા શબ્દો છે. ગ્રેસ શબ્દ મૂળભૂત રીતે શારીરિક છટાનો ઘોતક છે, એટલે તે ‘બ્યૂટી’ અથવા સુંદરતાનો પાડોશી શબ્દ છે. ગ્રેસ માટે હંમેશાં હંસનું ઉદાહરણ આપવામાં આવે છે. હંસના આકાર અને હલચલમાં એક પ્રકારની સહજ સુડોળતા હોય છે, જે જોનારની આંખમાં ઠંડક પહોંચાડે. એ સંદર્ભમાં ગ્રેસ એટલે લાલિત્ય. કથ્થક નૃત્ય કરતી એક નૃત્યાંગના કે સિંહની ચાલમાં ગ્રેસ હોય છે. પશુ, પંખી કે માણસના શરીરની હરકત અથવા હિલચાલમાં જયારે સહજતા, નિર્વિઘ્નતા, મુલાયમતા અથવા સ્નિગ્ધતા હોય, તેને ગ્રેસફૂલનેસ કહેવાય.

તેના પરથી ગ્રેસફૂલનેસને માનસિક ગુણ તરીકે પણ જોવામાં આવે છે. આ આપણે ધારીએ છીએ તેટલું સરળ નથી. જે વ્યક્તિમાં અહંકાર ન હોય, જેને પોતાની મહત્તાનો અહેસાસ ન હોય, જેનામાં “લોકોએ મને પ્રેમ કરવો જ જોઈએ” એવી બાળ-સહજ જીદ્દ ન હોય, તે વ્યક્તિ જ આસાનીથી ગ્રેસફૂલ રહી શકે. આનું એક તાજું ઉદાહરણ કોંગ્રેસ પાર્ટીમાંથી હમણાં રાજીનામું આપનારા વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ છે. 52 વર્ષ સુધી કોંગ્રેસમાં સેવા આપનારા 73 વર્ષના આઝાદે, 26મી ઓગસ્ટે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે પાર્ટીનાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને પાંચ પાનાંનો એક લાંબો પત્ર લખ્યો છે.

કોંગ્રેસ પાર્ટીની રાજનીતિ કેવી છે, ગાંધી પરિવાર કેવો છે, ગુલામ નબી આઝાદે શું કર્યું હતું અને નહોતું કર્યું તેની વાત બાજુએ રાખીને માત્ર પાંચ પાનાના પત્રની જ વાત કરીએ, તો એક વ્યક્તિએ સંસ્થા કે સંબંધ છોડતી વખતે કેવી રીતે તેની શિષ્ટતા ન ગુમાવવી જોઈએ, તેની અગત્યની શીખ તેમાં છે. આઝાદનો આ પત્ર અભ્યાસનો વિષય છે. આઝાદનું આખું રાજકીય જીવન કોંગ્રેસમાં ગયું છે. એ યુથ કોંગ્રેસના અધ્યક્ષ, કાનૂન અને કોર્પોરેટ મંત્રાલયમાં ડેપ્યુટી મંત્રી, લોકસભાના સભ્ય, સંસદીય અને નાગરિક ઉડ્ડયન મંત્રી, રાજ્યસભાના સભ્ય, જમ્મુ-કશ્મીરના મુખ્યમંત્રી, ડો.મનમોહન સિંહની સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા રહી ચુક્યા છે.

છતાં, તેમના રાજીનામા-પત્રમાં એટલી કડવાશ છે કે એવો પ્રશ્ન થવો વ્યાજબી છે કે તેઓ ગ્રેસ સાથે પાર્ટી છોડી ન શકે તેવો વ્યવહાર તેમની સાથે થયો હતો? રસપ્રદ વાત એ છે કે તેમણે તેમની સાથે અન્યાય થયો છે તેવું કહ્યું નથી. માણસને પોતાનું દુઃખ ન હોય, છતાં બીજી વ્યક્તિને ભાંડે, તો એનો અર્થ એ થાય કે તેનામાં સંબંધ તોડવાનો અપરાધબોધ છે અને તે તેના વર્તનને ઉચીત ઠેરવવા માટે કારણો ઉભાં કરે છે.

આઝાદ માત્ર બે લીટી લખીને પણ પાર્ટી છોડી શકયા હોત, પરંતુ પાંચ પાનામાં તેમણે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી કેવા ફાલતું છે તે સાબિત કરવાનો મરણીયો પ્રયાસ કર્યો છે. સેમ્પલ; સોનિયા ગાંધી નામનાં જ લીડર છે અને રાહુલ ગાંધીના પીએ અને સિક્યુરિટી ગાર્ડ મહત્વના નિર્ણયો લે છે. પ્રશ્ન એ નથી કે આઝાદ કહે છે તે સાચું છે કે નહીં, પ્રશ્ન એ છે કે તેઓ ગ્રેસ સાથે રાજીનામું આપી શક્યા હોત? રાજકીય વિવેચકો બિટવીન ધ લાઇન્સ એવું વાંચે છે આઝાદે “કોંગ્રેસ બહારના નેતાઓને” ખુશ કરવા માટે ગાંધી પરિવારને નિશાન બનાવ્યો હતો અને એટલે જ તેમણે ગ્રેસ સાથે જવાનું મુનાસીબ માન્યું ન હતું.

અહીં એક લીડર તરીકે ગુલામ નબી આઝાદની ગુણવત્તા પર સવાલ થાય છે, અને એ સવાલ તેમના પુરતો મર્યાદિત નથી. ચાહે તે રાજનીતિ હોય કે બિઝનેસ,કોઈપણ ક્ષેત્રના કોઇપણ લીડરની ગુણવત્તા તેનામાં કેટલો ગ્રેસ છે તેના પરથી નક્કી થાય છે. જે લીડર લોકો, સંસ્થા, સંગઠન કે સમુદાયનું નેતૃત્વ કરે છે, તેનું કલ્યાણ તેના હૈયે હોય છે. લીડર ક્યારેય પોતાના હિત માટે લીડર ન હોય. એટલા માટે તેનો સૌથી મહત્વનો ગુણ પરાનુભૂતિ છે. તે જયારે પોતાની નહીં, પણ અન્યની અનુભૂતિ કરે, ત્યારે તેનામાં ગ્રેસ આવે. ગ્રેસ એક લીડરને બીજા સાથે લગાવ સ્થાપિત કરવામાં મદદ કરે છે. લીડર જ્યારે પોતાના પ્રેમમાં પડે, ત્યારે ‘મને અન્યાય થાય છે’ તેવી ભાવના તેનામાં આપોઆપ બળવત્તર બને. તે જયારે બીજાના પ્રેમમાં પડે, ત્યારે તેનામાં ગ્રેસ પેદા થાય.

શ્રેષ્ઠ લીડરની વ્યાખ્યા શું? એ સૌથી ઉપર હોય તે? એનામાં રાક્ષસી તાકાત હોય તે? એ નીડર હોય તે? એ આદેશ કરી શકે અને એના અનુયાયીઓ હોય તે? આ બધાં સતહી લક્ષણો છે. શ્રેષ્ઠ લીડરની વ્યાખ્યા એ જ છે, જે એક હીરોની છે. હીરો એ છે, જે આપણે કોણ છીએ અને શું બની શકીએ છીએ, એ વચ્ચેના અંતરનું ઉદાહરણ બને. આપણામાંના મોટાભાગના લોકો ત્યારે જ સારા હોય છે, જ્યારે સારા બનવાનું અનુકૂળ હોય. હીરો ત્યારે પણ સારો જ હોય, જ્યારે સારા રહેવાનું પ્રતિકૂળ હોય. હીરોનું એ સાહસ આપણને શરમ આપે અને ચેલેન્જ પણ આપે.

એ જ રીતે, શ્રેષ્ઠ લીડર એ છે જે આપણને આપણી અંદરની સંભાવનાઓ પ્રત્યે જાગ્રત કરે અને એને પૂરી કરવા માટે આપણને પ્રોત્સાહિત કરે. શ્રેષ્ઠ લીડર એ નથી, જે સૌથી ઉપર છે. શ્રેષ્ઠ લીડર એ છે, જે તમને એની ઉંચાઈ સુધી લીફ્ટ કરે. વિજ્ઞાન કહે છે કે, સકારાત્મક રીતે બોલાયેલી વાતોથી મગજમાં એક પ્રેરણાત્મક બદલાવ આવે છે. એમાંથી તંદુરસ્તી અને પર્ફૉર્મન્સ સાથે જોડાયેલાં અમુક કેમિકલ પેદા થાય છે. એનાથી ઉલટું, ટીકાઓ કે નકારાત્મક વાણીથી નકારાત્મક ન્યુરલ રિએકશન આવે છે. એનાથી આપણું આદિમ મગજ બચાવની ભૂમિકામાં આવી જાય છે, જેની અસર પર્ફૉર્મન્સ પર, વિચારશક્તિ પર પડે છે.
નિષ્ફળતાનો એકરાર કરવો એટલે કમજોરીનો એકરાર કરવો. જેને પોતાની તાકાત વિશે ઊંચો ખ્યાલ હોય, તેના માટે પોતાની કમજોરીને કબૂલ રાખવી અઘરી હોય છે, એટલે એ ક્યારેય તેની નિષ્ફળતાની કબૂલાત ન કરે. ખરાબ લીડરશીપની આ સૌથી મોટી નિશાની છે. ખરાબ લીડર હંમેશાં પોતાની ત્રુટિઓને ઢાંકી રાખે. ઉત્તમ લીડર હંમેશાં પોતાનામાં સુધાર માટેના અવસર શોધે.

સાચો લીડર એ છે, જે તમારી અંદરથી તમારું બહેતર બહાર લાવે, તમારામાં જે શ્રેષ્ઠ છે, તેને મજબૂત કરે. એનાથી વિપરીત, એવા પણ લીડર હોય છે, જે તમને કનિષ્ઠ કરવા પ્રેરે, તમારામાં જે ગંદકી છે, તમારામાં જે બદતર છે, તે બહાર લાવે. સારા ગુરુ, સારા બોસ, સારા દોસ્તની પણ આ જ વ્યાખ્યા છે; એ આપણી અંદરથી આપણું શ્રેષ્ઠ બહાર લાવે, કનિષ્ઠ નહીં.
લીડરશિપનો અર્થ જો અનુયાયીઓની સંખ્યા થતો હોય, તો મહાત્મા ગાંધી કરતાં એડોલ્ફ હિટલર મોટો લીડર હતો. ગાંધીજીના અનુયાયીઓ તો ભારત પુરતા સીમિત હતા, પણ હિટલરના અનુયાયીઓ પુરા યુરોપમાં જીવ આપી રહ્યા હતા. ના, લીડરશિપનો અર્થ થાય છે મૂલ્યો અને આદર્શો. લીડર તો ડાકુઓ અને ક્રિમિનલોની ટોળકીના પણ હોય છે, પરંતુ એ મૂલ્ય આધારિત નહીં, સ્વાર્થ આધારિત લીડરશિપ છે. અનુયાયીઓને લોભ-લાલચથી ભરમાવો તો તે ગેંગ કહેવાય અને મૂલ્યોથી નેતૃત્વ કરો તો તે સંગઠન કહેવાય. ગેંગની સંખ્યા સંગઠનની સંખ્યાથી મોટી હોય તો તેનો લીડર મહાન ન થઈ જાય. વ્યક્તિની લોકપ્રિયતા તેની ગુણવત્તાની સાબિતી નથી. ઘણા ગુંડાઓ અને ઘણી વેશ્યાઓ લોકપ્રિય હોય છે.

Most Popular

To Top