Comments

સરકારને મોડે મોડે વ્યવસાયલક્ષી શિક્ષણની જરૂરિયાત સમજાઈ ખરી!

ગુજરાત સરકાર મોડે મોડે, મોટા ઉપાડે માધ્યમિક શાળાઓમાં વ્યવસાયલક્ષી શિક્ષણ શરૂ કરવા જઈ રહી છે. તે અંગે શાળાઓ પાસેથી નિયતપત્રકમાં માહિતી મંગાવવામાં આવી છે. વર્ષ: 2016માં ભારત સરકારના માનવજૂથ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા પસંદ કરેલ મર્યાદિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને પાયલોટ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ કરી ધોરણ-9 થી 12ના વિદ્યાર્થીઓમાં વ્યાવસાયિક સજ્જતા અને ધંધાકીય કૌશલ્યો વિકસે તે હેતુથી વોકેશનલ વિષયો દાખલ કરવામાં આવ્યા હતા. પ્રસ્તુત પ્રોજેક્ટનાં પરિણામો હકારાત્મક આવતાં હવે આ પ્રકલ્પ ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં દાખલ કરવાનો સરકારનો ઈરાદો છે.

ડબલ એન્જિન સરકારનો, ગુજરાતના શિક્ષણ મોડેલ માટે આ એક નવતર પ્રયોગ છે અને આવકારદાયક પણ છે. હાલના સરકારી આંકડા પ્રમાણે ગુજરાત રાજ્યની 345 જેટલી સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વોકેશનલ એજ્યુકેશન કાર્યરત છે. સરકારનું જ કહેવું છે કે આટલી સંખ્યાની શાળામાં ચાલતા આ પ્રકલ્પથી 50 ટકા જેટલા વિદ્યાર્થીઓને પણ વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત આવરી શકતા નથી! બીજી તરફ નેશનલ એજ્યુકેશન પોલિસી- 2020 અન્વયે 50 ટકા જેટલાં વિદ્યાર્થીઓ આ પ્રવાહમાં સામેલ થવા જોઈતાં હતાં તે થઈ શક્યુ નથી! એટલે હવે સંભવ છે કે નેશનલ એજ્યુકેશન પોલિસી-2020ના એક ધ્યેયને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે આ પહેલ કરી છે.

સરકારે 67 જેટલા વોકેશનલ વિષયોની યાદી બહાર પાડી છે. તેમાંથી શાળાએ પોતાની સ્થાનિક જરૂરિયાત મુજબ વિષય પસંદ કરવાના છે. ધોરણ-9માં વિદ્યાર્થી સંખ્યા 40 કે તેથી વધુ હોય તો એક વોકેશનલ ટ્રેડ અને 80 થી વધુ સંખ્યા હોય તો બે વોકેશનલ ટ્રેડ શરૂ કરવાનું સરકારનું આયોજન છે. આ માટે શાળા પાસે લેબ સેટઅપ અને પ્રેક્ટીકલ રૂમો ઉપલબ્ધ હોવા જરૂરી છે. સમગ્ર શિક્ષા અંતર્ગત જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ વોકેશનલ એજ્યુકેશન માટે દરખાસ્ત મોકલશે તેની ચકાસણી કરી શિક્ષણ મંત્રાલય મંજૂરી આપશે.

શાળાના આચાર્યશ્રી નોડેલ અધિકારી ગણાશે અને તેમને આ અંગેની તાલીમ આપવામાં આવશે. બીજી તરફ વિદ્યાર્થીઓને શાળામાં જ વિવિધ વોકેશનલ વિષયોનું સૈદ્ધાંતિક અને પ્રેક્ટીકલ જ્ઞાન પૂરું પાડવામાં આવશે. જેમાં પ્રેક્ટીકલ કાર્યનું વેઈટેજ વધુ રાખવામાં આવ્યું છે. તે સાથે વિદ્યાર્થીઓને નજીકના વિસ્તારમાં આવેલી ઈન્ડસ્ટ્રીઝ, કંપની, ફેક્ટરીમાં વિઝીટ માટે અને ત્યાર બાદ ઈન્ટર્નશીપ માટે મોકલવામાં આવશે.

સરકારશ્રીના આ પ્રકારના અભિયાનમાં બીજું એક મહત્ત્વનું પાસું એ છે કે આ માટે જરૂરી પુસ્તકો, લેબોરેટરી વર્કશોપ, ટૂલ્સ વગેરેનો તમામ ખર્ચ સરકાર ભોગવશે. આચાર્યો, શિક્ષકોને વિના મૂલ્યે ટ્રેનિંગ આપવામાં આવશે. વોકેશનલ ટ્રેનર્સની શાળા કક્ષાએ ભરતી કરવાની યોજના પણ વિચારણા હેઠળ છે. શાળાને કોઈ આર્થિક ભારણ ન પડે એ રીતે આ પ્રકલ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

શાળાએ પસંદ કરેલ ટ્રેડના પ્રેક્ટીકલ માટે શાળામાં ઊભી કરેલ લેબોરેટરીમાં સરકાર દ્વારા નિયુક્ત વોકેશનલ ટ્રેનર્સ, શિક્ષણ આપશે. વિદ્યાર્થીઓને વિના મૂલ્યે વોકેશનલ વિષયોનાં પુસ્તકો અને સામગ્રી પૂરાં પાડવામાં આવશે. તે સાથે જ કારકીર્દિ અંતર્ગત શૈક્ષણિક અને વ્યાવસાયિક માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે. ગેસ્ટ લેક્ચર, ઈન્ડસ્ટ્રીઝ વિઝીટ, ઈન્ટર્નશીપ અભ્યાસક્રમના ભાગ રૂપે ફરજિયાત રહેશે. જેથી વિદ્યાર્થીઓને પોતાની ક્ષમતા અને કૌશલ્યોના વિકાસ માટે જીવંત, અનુભવલક્ષી પ્રવૃત્તિઓ કરવાની તક પ્રાપ્ત થશે.

શાળાની આસપાસના સ્થાનિક વિસ્તાર કલા અને ઔદ્યોગિક જરૂરિયાતને પ્રોત્સાહન પૂરું પાડી વિદ્યાર્થીઓને સફળ વ્યાવસાયિક બનાવવાનો, સરકારશ્રીનો આ પ્રયત્ન સરાહનીય છે એમાં બે મત નથી. સરકારે જડબેસલાક પૂર્વ આયોજન કર્યું લાગે છે અને બનતી ત્વરાએ વોકેશનલ કોર્સીસ શાળા કક્ષાએ શરૂ થવા જઈ રહ્યા છે. શિક્ષણ જગત તેને આવકારશે પણ ખરું. તે સાથે કેટલાંક લેખાજોખાં તપાસવાનું પણ એટલું જ જરૂરી છે.

વર્ષ: 1975-76માં જ્યારે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ (10+12+3 પેટર્ન) શરૂ કરવામાં આવી હતી ત્યારે તેનો આશય એવો હતો કે ધોરણ-10 પછી અને ધોરણ-12 પછી મોટા ભાગનાં વિદ્યાર્થીઓ વ્યવસાયલક્ષી, ડિપ્લોમા કે સર્ટીફિકેટ કોર્સમાં પ્રવેશ લેશે અને બહુ થોડાં વિદ્યાર્થીઓ જ ઉચ્ચ ડિગ્રી અભ્યાસક્રમમાં પ્રવેશ લેશે જેથી દેશને જરૂરી કુશળ વ્યાવસાયિકો પૂરતા પ્રમાણમાં મળી રહેશે. પરંતુ તેમ થયું નહિ! સરકારની આશા ઠગારી નિવડી! માધ્યમિક શિક્ષણ પંચની ભલામણ ફુલ્લી નાપાસ થઇ! કેમ કે ડિગ્રી અભ્યાસક્રમો તરફનો વિદ્યાર્થીઓનો ધસારો યથાવત્ રહ્યો. ભૂતકાળના આ અનુભવો સરકારે ધ્યાનમાં લીધા છે કે નહિ તેની આ લખનારને જાણ નથી. આશા છે કે એ દિશામાં સરકારે પૂરેપૂરી વિચારણા કરી જ હશે.

આપણાં બધાની માનસિકતા આરંભે શૂરાની હોય છે. આયોજનો જડબેસલાક અને આફલાતુન કરીએ છીએ પરંતુ અમલીકરણમાં પ્રતિબધ્ધતા અને સાતત્ય જળવાતું નથી તેથી ગમે તેવું ઉચ્ચ કક્ષાનું, ઉમદા અભિયાન પણ સરવાળે તૂટી પડે છે!ઘણી શાળાઓ પાસે ઓરડાનો અભાવ હોવાની સંભાવના છે. આજે કેટલી શાળામાં વિજ્ઞાનના પ્રયોગો, પ્રયોગશાળામાં થાય છે. ગ્રંથાલય અને પ્રયોગશાળાની દશા જોવા જેવી હોય છે! પુસ્તકો અને સાધનો બંધ કબાટમાં પણ ધૂળ ખાય છે!

આમ જોવા જઇએ તો વોકેશનલ કોર્સમાં થિયરી કરતાં પ્રેકટીકલ્સનું સવિશેષ મહત્ત્વ છે. વર્ગખંડના વ્યાખ્યાન કરતાં ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત વધુ આવશ્યક છે. લેખિત પરીક્ષા કરતાં પ્રાયોગિક પરીક્ષા વધુ મૂલ્યવાન છે. આ બધી બાબતો, આચાર્યો, શિક્ષકો કે સરકાર દ્વારા નિયુકત ટ્રેનરો કેટલી ગંભીરતાથી લેશે? વિદ્યાર્થીઓ સાચા અર્થમાં સફળ અને અસરકારક વ્યાવસાયિક બનીને બહાર આવી સ્વતંત્ર વ્યવસાય કરી શકશે?

ખેર! સરકારશ્રીનો નિર્ણય, પૂર્વ આયોજન, આયોજનની ઊંડાણલક્ષી સૂક્ષ્મતા વગેરે જોતાં લાગે છે કે જો અમલીકરણમાં કોઇ ઢીલ નહિ થશે તો આ પ્રકલ્પ જરૂર સફળ થશે. બાકી આપણા દેશમાં શિક્ષણ ક્ષેત્રે અગાઉના સમયમાં હાથ ધરવામાં આવેલ ઘણા પ્રકલ્પો, અભિયાનો કાગળ પર સફળ અને વાસ્તવમાં નિષ્ફળ રહ્યા છે. જો આપણે સ્વાવલંબન, સ્વનિર્ભરતા તરફ જવું હોય તો આ પ્રોજેકટને આવકારવો રહ્યો. શિક્ષણજગતનું માનવબળ એકમત થઇ પૂરી નિષ્ઠા અને અને પ્રતિબધ્ધતા સાથે કામે લાગશે તો સૌનું કલ્યાણ થશે.
વિનોદ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top