Madhya Gujarat

બાલાસિનોરના ખેતરની વાડમાં પસાર કરેલા વીજ કરંટથી કિશોરીનું મોત

આણંદ : બાલાસિનોરના જમોડ ગામે ખૂબ જ કરુણ ઘટના બની હતી. ગામના પરિવારની 17 વર્ષિય દિકરી યુવક સાથે પકડાતાં તે ગભરાઇ ગઇ હતી અને ઘરેથી ભાગી સીમમાં ગઇ હતી. પરંતુ ત્યાં ખેતરમાં પાક બચાવવા ખેડૂતે ફરતી ઈલેક્ટ્રીક વાડ રાખી હતી. જેને અડકી જતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જોકે, ખેતર માલિક સહિત ત્રણ શખસે લાશને સગેવગે કરવા કોશીષ કરી હતી અને ઈલેક્ટ્રીક તાર પણ ત્યાંથી કાઢી નાંખ્યાં હતાં. ચાર દિવસ પહેલા બનેલી આ ઘટનાનો ભાંડો ફુટતા મામલો પોલીસ મથકે ગયો હતો.

બાલાસિનોરના પીલોદરા ગામે રહેતાં પરિવારમાં એક દિકરી અને દિકરો છે. જેમાં દિકરી ધો.12 સાયન્સની પરીક્ષા આપી હતી. દરમિયાનમાં 9મી મેના રોજ ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી પરિવારજનો પીલોદરા ગામેથી નીકળી કરણપુર ગામે સંબંધીના ઘરે ગયાં હતાં. જ્યાં પ્રસંગમાં હાજરી આપ્યા બાદ પરત પીલોદરા ગામે આવ્યાં હતાં. જ્યાં વરઘોડો નિકળ્યો હતો. આ વરઘોડા બાદ દિકરીના પિતા ઘરે જતાં હતાં, તે સમયે ઘરની પાછળ દિકરી એક યુવક સાથે હતી. જેને પગલે પિતાનો યુવક સાથે ઝઘડો થયો હતો. આથી, ગભરાયેલી કિશોરી ત્યાંથી ભાગી ગઇ હતી. મોડે સુધી તે ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. આખરે બીજા દિવસે  કિશોરીની લાશ સીમ વિસ્તારના ખેતરમાં મળી આવી હતી. આથી, પરિવાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જતાં લાશ પર ડામના અને ઇજાના નિશાન જોવા મળ્યાં હતાં.

આ ઘટનાની તપાસ દરમિયાન અલગ જ મામલો બહાર આવ્યો હતો. કિશોરી ઘરેથી ડરના લીધે ભાગી હતી અને સીમમાં આવેલા બળદેવ સોમા પટેલના ગીરો રાખેલ ખેતર સુધી પહોંચી હતી. જ્યાં બાજરીના વાવેતરની સાચવણી કરવા લાકડાના ડંડા રોપી, લોખંડના તાર ભરાવી વીજપ્રવાહ ચાલુ કર્યો હતો. આ તારને અડીના કિશોરીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આથી, ખેતરમાં કામ કરતા ભલા દેસાઇ ચૌહાણ, અજીત રાવજી ઝાલા (બન્ને રહે. પીલોદરા) સાથે ભેગા મળી લાશને બીજાના ખેતરના શેઢા પર મુકી આવ્યાં હતાં. આ બાબતે બાલાસિનોર પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે બળદેવ સોમા પટેલ (રહે.જનોડ), ભલા દેસાઇ ચૌહાણ (રહે.જનોડ), અજીત રાવજી ઝાલા (રહે.જનોડ) સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top