Editorial

મફતના વચનો સંદર્ભમાં ચૂંટણી આચાર સંહિતામાં સુધારો કરવાની ચૂ઼ંટણી પંચની દરખાસ્ત તર્કસંગત છે

ચૂંટણી પ્રચાર વખતે રાજકીય પક્ષો પોતાના ચૂંટણી ઢંઢેરામાં જાત જાતના વચનો આપતા હોય છે – જેમ કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે, મહિલાઓને સીટી બસમાં મફત મુસાફરી કરવા દેવામાં આવશે વગેરે, વગેરે. જાત જાતના લોભામણો વચનો તો અગાઉ પણ અપાતા જ હતા, આવા અનેક વચનો અપાયા બાદ કેટલાક પુરા કરવામાં આવે, કેટલાક પુરા કરવામાં નહીં આવે તે સામાન્ય બાબત હતી. પરંતુ ભારતના રાજકીય નભમાં આમ આદમી પાર્ટીનો ઉદય થયા બાદ સ્થિતિ થોડી બદલાઇ. આ પક્ષે મફત વિજળી, મફત પાણી, મહોલ્લા ક્લિનિક જેવા સામાન્ય માણસને તીવ્ર રીતે સ્પર્શે એવા વચનો આપ્યા અને દિલ્હીમાં તેનું નોંધપાત્ર અંશે પાલન પણ કરી બતાવ્યું.

કદાચ આવા વચનોના જોરે જ તેની આગેકૂચ થઇ અને તેણે પંજાબ વિધાનસભા પણ કબજે કરી. બીજી બાજુ અન્ય રાજ્યોમાં કેટલાક પ્રાદેશિક પક્ષો પણ આવા વચનો આપવા પ્રેરાયા. આવા વચનોનું પાલન કરવા જતાં કેટલાક રાજ્યોમાં નાણાકીય મુશ્કેલીઓ ઉભી થઇ હોવાના પણ અહેવાલો આવ્યા. બીજી બાજુ આપણા નાનકડા પાડોશી દેશ શ્રીલંકામાં ભયંકર આર્થિક સંકટ ઉભું થયા બાદ આપણા વડાપ્રધાને મફતની લહાણીઓ દેશને કેવું મોટું નુકસાન પહોંચાડી શકે છે તે મુદ્દો જોરશોરથી ઉપાડ્યો. આ માટે તેમણે મફતની રેવડીઓ શબ્દપ્રયોગ કર્યો, જે આમ પણ હિન્દીમાં પ્રચલિત છે. આના પછી આ રેવડી કલ્ચર અંગે ઉગ્ર ચર્ચા શરૂ થઇ. સામ સામા પ્રહારો થયા અને આ મુદ્દો છેવટે સુપ્રીમ કોર્ટના પ્રાંગણમાં પણ ગયો. ત્યાં હજી સુનાવણી ચાલુ જ ત્યારે ચૂંટણી પંચે એવી દરખાસ્ત મૂકી છે કે ચૂંટણી વચનોને વધુ જવાબદારીપૂર્ણ બનાવવા માટે ચૂંટણીઓ માટેની આદર્શ આચાર સંહિતામાં કેટલોક સુધારો કરવામાં આવે.

મફતનાં વચનોની લહાણીઓ અંગે ચાલતી ચર્ચાઓ વચ્ચે ચૂંટણી પંચે પ્રસ્તાવ મૂક્યો છે કે ચૂંટણી આચાર સંહિતમાં ફેરફાર કરીને રાજકીય પક્ષોને તેમના વચનો નાણાકીય રીતે કેટલા ટકી શકે તેવા છે તેની સાચી માહિતી મતદારોને જણાવવાનું કહેવામાં આવે. તમામ માન્ય રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોને ચૂંટણી પંચે એક પત્ર લખ્યો છે. આ પત્રમાં ચૂંટણી પંચે આ દરખાસ્ત અંગે તેમના અભિપ્રાયો ૧૯ ઓકટોબર સુધીમાં મોકલી આપવા જણાવ્યું છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે ઠાલા ચૂંટણી વચનોની દૂરગામી અસરો હોય છે અને વધુમાં જણાવ્યું હતું કે તે બાબતની અવગણના કરી શકાય તેમ નથી કે ચૂંટણી વચનોની અનિચ્છનીય નાણાકીય અસરો અંગે અપૂરતી માહિતીઓ આપવામાં આવે છે.

પંચે એ બાબતની નોંધ લીધી છે કે રાજકીય પક્ષો દ્વારા અપાતી અપૂરતી માહિતીઓની ખાસ કરીને વારંવાર યોજાતી ચૂંટણીઓના સંજોગોમાં બહુ નોંધ લેવાતી નથી અને ખાસ કરીને એકથી વધુ તબક્કામાં યોજાતી ચૂંટણીઓમાં રાજકીય પક્ષો ચૂંટણી વચનો આપવાની હરિફાઇમાં ઉતરી પડે છે, ચૂંટણી પંચે ચૂંટણી માટેની આદર્શ આચાર સંહિતાના ભાગ-૮(ચૂંટણી ઢંઢેરા પરની માર્ગદર્શિકા)માં એક પ્રપત્ર કે નિર્દૈશન પત્ર ઉમેરવાની દરખાસ્ત મૂકી છે જેમાં રાજકીય પક્ષો માટે એ આવશ્યક બનાવવામાં આવશે કે તેઓ પોતાના ચૂંટણી ઢંઢેરામાં આપવામાં આવેલા વચનો નાણાકીય રીતે કેટલા શક્ય છે તેની માહિતી મતદારોને આપવામાં આવે અને એ પણ તેમને જણાવવામાં આવે કે રાજ્ય અથવા કેન્દ્ર સરકારના નાણાકીય ક્ષેત્રમાં આ વચનો કેટલા ટકી શકે તેવા છે?

આ સૂચિત પ્રપત્રમાં એ જણાવવામાં આવશે કે રાજકીય પક્ષે જે વચન આપ્યું હોય તે પુરું કરવા માટે આવક ઉભી કરવાના માર્ગો છે જેમાં વધારાનો કર જો કોઇ નાખવાનો હોય તો તે, ખર્ચનું તર્કસંગતીકરણ, જેમાં કેટલીક યોજનાઓમાં કાપ, જો જરૂરી જણાય તો તે મૂકવામાં આવશે તે જણાવવાનો સમાવેશ થાય છે. સરકારની જવાબદારીઓ પર અસર અને/અથવા વધારાના દેવા ઉભા કરવા અને તેની નાણાકીય જવાબદારી પર અસરની વિગતો મતદારોને આપવામાં આવે એવી જોગવાઇ ચૂંટણી આચાર સંહિતામાં કરવાની દરખાસ્ત છે.

ચૂંટણી પંચની આ દરખાસ્તનો ખુલ્લો વિરોધ તો તરત કોઇ રાજકીય પક્ષે કર્યો નહીં પરંતુ આમ આદમી પક્ષે એટલું જરૂર કહ્યું કે પ્રજા પાસેથી લેવાતા વેરાનો ઉપયોગ પ્રજાના કલ્યાણના કામોમાં જ થવો જોઇએ અને નહીં કે રાજકીય પક્ષોના નેતાઓ અને તેમના કુટુંબીજનોના પાછળ. આમ પણ કલ્યાણ યોજનાઓના બાબતે આ પક્ષ ઘણો બોલકો છે અને તેણે કહ્યું છે કે વિજળી, પાણી, શિક્ષણ વગેરે પુરા પાડવા તે સરકારની જવાબદારી છે. છેલ્લા કેટલાક સમયથી ખાનગીકરણનો વાયરો ફૂંકાવા માંડ્યો છે અને શિક્ષણ, આરોગ્ય સેવાઓ વગેરેનું ધંધાદારીકરણ વધવા માંડ્યું છે ત્યારે આ સેવાઓ મફતમાં, સારી ગુણવત્તા સાથે મળતી હોય તો તે પ્રજાને આકર્ષી શકે તેવી બાબત તો છે જ.

પરંતુ આ સાથે આવી સેવાઓ મફતમાં પુરી પાડવા જતા સરકારની તિજોરી પર તીવ્ર બોજ પડે અને છેવટે તેના ભયંકર આર્થિક પરિણામો આવે તો છેવટે તો પ્રજાએ જ ભોગવવાનું આવે. જો ગુણવત્તાયુક્ત સેવાઓ યોગ્ય આયોજન કરીને મફતમાં પુરી પાડી શકાતી હોય તો ઘણી રૂડી બાબત છે. પોતાના વચનો કઇ રીતે પુરા કરી શકાશે તે રાજકીય પક્ષોએ મતદારોને જણાવવું જોઇએ એવી એવી ચૂંટણી પંચની જે દરખાસ્ત છે તે તર્કસંગત છે અને જે પક્ષો યોગ્ય આયોજન કરીને પ્રજાને કલ્યાણ યોજનાઓના વચન આપી શકતા હોય તેમને આની સામે વિરોધ હોવો જોઇએ નહીં.

Most Popular

To Top