Comments

ભાગ્ય પર કર્મફળની અસર

એક દિવસ આશ્રમમાં અમુક શિષ્યો ગુરુજી પાસે એક પ્રશ્ન લઈને આવ્યા.શિષ્યોએ પૂછ્યું, ‘ગુરુજી, આમ તો કહેવાય છે કોઈને પણ ભાગ્યમાં જે લખ્યું હોય તેનાથી વધારે કંઈ જ મળતું નથી.ભાગ્યને બદલી શકાતું નથી તો પછી આપણે સારાં કર્મ કરીએ તો પણ ફળ તો જે ભાગ્યમાં નિર્ધારિત છે તે જ મળવાનું છે તો સારાં કર્મ શું કામ કરવાં જોઈએ.’ ગુરુજી બોલ્યા, ‘શિષ્યો, હું તમને એક નાનકડી દૃષ્ટાંતકથા કહું છું તે પરથી તમે સમજી જશો કે હંમેશાં સારાં કર્મ શું કામ કરવાં જોઈએ.’ગુરુજીએ દૃષ્ટાંત કથા કહેવાની શરૂ કરી.

એક દિવસ વૈકુંઠમાં લક્ષ્મીજીએ ભગવાન નારાયણને આવો જ પ્રશ્ન કર્યો કે પ્રભુ ભાગ્ય ચઢે કે કર્મ? ભગવાન નારાયણે કહ્યું, ‘ચાલો, દેવી, પૃથ્વી પર એક લટાર મારીએ અને તમને તમારા પ્રશ્નનો જવાબ પણ આપી દઈશ.ફરતાં ફરતાં લક્ષ્મી નારાયણ એક જંગલમાં આવેલા દલદલ પાસે આવ્યાં. ત્યાં એક ગાય દલદલમાં ફસાઈ ગઈ હતી અને જેટલી બહાર નીકળવાની કોશિશ કરતી એટલી વધુ ને વધુ અંદર ધસતી જતી હતી.એટલામાં ત્યાં એક ચોર આવ્યો. તેણે ગાયને દલદલમાં ફસાયેલી જોઈ અને તરત મનમાં વિચાર્યું, સારું થયું આ ગાય દલદલમાં ફસાઈ,આ દલદલ પાર કરવાનું સહેલું થઇ ગયું અને ચોર ગાય પર પગ મૂકી કૂદીને દલદલ પાર કરી ગયો.ગાય દલદલમાં વધુ અંદર ખૂંપી ગઈ.ચોરને ચોરી કરવા જાય તે પહેલાં જ રસ્તામાં પાંચ સોનામહોરો ભરેલો નાનો બટવો મળ્યો.

આ બાજુ દલદલ પાસેથી એક બ્રાહ્મણ પસાર થયો. તેણે ગાયને દલદલમાં ફસાયેલી જોઈ અને તેને ચિંતા થઈ કે આ ગાયને બહાર કાઢવામાં નહિ આવે તો તે થોડી વારમાં અંદર ખૂંપીને મરી જશે. બ્રાહ્મણે આજુબાજુ નજર દોડાવી પણ કોઈ મદદ માટે હતું નહિ,છતાં બ્રાહ્મણે એકલા હાથે દોરડું શોધી ગાયના ગળામાં બાંધી તેને ધીમે ધીમે ખેંચીને બહાર કાઢી.આમ કરવામાં બ્રાહ્મણના કપડાં કાદવવાળાં થયાં અને તેના હાથ અને પગ છોલાતાં લોહી પણ નીકળ્યું.

લક્ષ્મી નારાયણ આ જોતાં હતાં.લક્ષ્મીજી બોલ્યાં, ‘પ્રભુ, આ કેવું ખરાબ કર્મ કરનાર ચોરને વગર મહેનતે સોનામહોર ભરેલો બટવો મળ્યો અને સારું કર્મ કરનાર બ્રાહ્મણને પીડા મળી.તો પછી સારા કર્મ કોઈ શું કામ કરે ’ભગવાન નારાયણ બોલ્યા, ‘હા દેવી, ઉપરછલ્લું જોતાં તો એમ જ લાગે છે.પણ દેવી ચોરને આજે ઘણું ધન મળવાનો યોગ હતો, પણ તેના ખરાબ કર્મને કારણે માત્ર પાંચ સોનામહોર મળી.અને બ્રાહ્મણને આગળ જંગલમાં સર્પદંશથી મૃત્યુનો યોગ હતો પણ તે ગાયને બચાવવા રોકાયો અને સારા કર્મને કારણે માત્ર થોડી પીડામાં તેનો મૃત્યુયોગ ટળી ગયો.માટે દેવી’સતત સારાં કર્મ કરવાં બહુ જરૂરી છે.સારા કર્મનું ફળ મળે જ છે અને ખરાબ કર્મની સજા પણ મળે જ છે.’ભગવાન નારાયણે દેવી લક્ષ્મીના પ્રશ્નનો જવાબ આપ્યો. ગુરુજીએ આ કથા દ્વારા સમજાવ્યું કે ભલે જે થાય તે ભાગ્ય અનુસાર થાય છે પણ સારા કર્મ અવશ્ય ફળ આપે છે અને સતત સારાં કર્મ કરવાં જોઈએ અને ખરાબ કર્મ કરવાથી દૂર રહેવું જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top