Comments

સંચાર માધ્યમોના વિસ્તારથી રાષ્ટ્રવિકાસનું સ્વપ્ન સાકાર થશે

‘ગણપતિ દૂધ પીએ છે’ તેવા સમાચાર દેશના ખૂણેથી ઊડયા અને એ જ દિવસની રાત્રિ સુધીમાં દેશમાં અને પરદેશમાં રહેતા મૂર્તિપૂજકો સુધી ફેલાઇ ગયા. પરિણામે લોકો દૂધ સાથે મંદિરોમાં પહોંચ્યાં, બજારમાંથી દૂધ ખૂટયું, રસ્તાઓ અને ગટરોમાં દૂધની ધારાઓ વહી. બીજા દિવસે વર્તમાનપત્રોમાં, સમાચારોમાં દૂધ પીતા ગણપતિ છવાયેલા રહ્યા. પરંતુ ત્રીજા દિવસે આશ્ચર્યકારક રીતે સમગ્ર બાબત ઉપર જાણે પડદો પડી ગયો. બૌદ્ધિક તર્કથી વિપરીત પ્રકારની આ ઘટનાની ચર્ચામાં કોઇને ખાસ ઉત્સાહ રહ્યો નહીં. સમાચારના સથવારે બીજી એક ઘટના વિસ્તાર પામી, ‘ગુજરાતમાં અનામત આંદોલન’. પત્રકારોએ કલમ અને કેમેરા ઝાલી ગુજરાતની શેરીઓનો ચિતાર ડ્રોઇંગ રૂમ સુધી પહોંચાડયો અને બંધારણથી બદ્ધ લોકશાહી વ્યવસ્થામાં શક્ય ન હોવા છતાં એક National Agendaની ભૂમિકા તૈયાર થઇ.

વર્તમાનપત્રોના મથાળે સવાર થયેલા બે પ્રસંગોની સામાજિક, રાજકીય મુલવણીમાં ન પડીએ તો પણ એક વિશિષ્ટ ઘટના તરફ ધ્યાન ખેંચાય છે, તે છે ‘બદલાતા સમયમાં સમૂહ સંચાર માધ્યમ (mass communication)ની અસરકારક્તા.’ લોકવાયકાઓ, લોકવાર્તાઓ અને લોકસંસ્કૃતિથી ભરપૂર આપણા દેશમાં ‘ગણપતિ દૂધ પીએ છે’ અથવા ‘અનામત આંદોલન છેડાયું છે’ તેવો એક ટૂંકો સંદેશ એના એ જ સ્વરૂપે અને વેગથી પહેલાં કયારેય ફેલાયાનું જાણમાં નથી. ભાષા અને પ્રદેશોની વિભિન્નતા વચ્ચે પણ વિજ્ઞાનના સહારે સંચાર માધ્યમોએ લોકો વચ્ચે એક ટૂંકો સંદેશો પહોંચાડવામાં જે ભૂમિકા ભજવી છે તે અપ્રતિમ ગણાય.

૧૯૧૭માં British Broadcasting Corporation ના સ્થાયીકરણના પગલે મુંબઇમાં ૧.૫ કિલોવૉટનું પ્રથમ રેડિયો સ્ટેશન ઊભું કરવામાં આવ્યું. જે દ્વારા આડક્તરી રીતે પ્રથમ વખત જ ભારતીય સમુદાયમાં સામુહિક સમજણ અને વિશ્લેષણાત્મક અભિપ્રાય કેળવાય! તે પછી અંગ્રેજી શાસનમાં તેમ ભારતની પંચવર્ષીય યોજનાની અમલવારીમાં કે યુદ્ધ, હોનારત, દુષ્કાળ, સામાજિક અને રાજકીય આતંક કે આંતરિક કટોકટી વચ્ચે રાષ્ટ્રને એકસૂત્રતાથી બાંધી રાખવાના કેન્દ્રીય ઉપાય તરીકે દશ્ય-શ્રાવ્ય માધ્યમોને અનિવાર્ય એકમ તરીકે સ્વીકારી અલગ મંત્રાલય પણ રચાયું. ૧૨મી સદીમાં રાજવીઓ, વેપારીઓ અને બ્રાહ્મણોના વિચારવિનિમય માટે વપરાતા કાસદિયા, આંગડિયા, ઘોડેસવાર જેવાં વ્યક્તિલક્ષી સંચાર માધ્યમોનો કાળ અસ્ત થયો અને ર૧મી સદી સાથે ‘ઇલેક્ટ્રોનિક યુગ’ની શરૂઆત થતાં mass communication આસપાસ દુનિયા વીંટળાઇ ગઇ છે.

ગ્રામીણ વિસ્તારોમાં આવેલ આર્થિક-સામાજિક પરિવર્તનના કારણે દર વર્ષે નવા ૪૭ લાખ પરિવારો વાર્ષિક રૂ.૩૦,૫૦૦ અને તેથી વધુ આવકની મર્યાદામાં પ્રવેશે છે. “Business India”ના અવલોકન અનુસાર અન્ન, વસ્ત્ર અને નિવાસમાં સ્થાયી થતા ગ્રામજનોની પહેલી પસંદગી મનોરંજક ઉપકરણ તરફ ઢળે છે અને આથી દેશનાં ૫૪% કુટુંબોમાં રેડિયો, ૭૬% કુટુંબોમાં ટી.વી. પ્રચલિત બન્યાં છે. જયારે ૫૮% કુટુંબોમાં દૈનિકપત્રો અને સામયિકો વંચાય છે.

બાર વર્ષ પહેલાં ઉત્તર ગુજરાતનાં ગામડાંઓમાં દૂરદર્શનની ટી.વી. ચેનલ જોવા સામે દેખાવો થતાં તેવાં રાજયોનાં અંતરિયાળ ગામડાંઓમાં આજે કેબલ ટી.વી. પ્રચલિત બન્યો છે. આથી સંચાર માધ્યમો સાથે સંકળાયેલ વ્યાપારિક સંસ્થાઓ એવો અંદાજ બાંધે છે કે, ૨૧મી સદીના મધ્ય ભાગે ભારત વિશ્વમાં સહુથી વધુ Viewers અને Readers ધરાવતો દેશ હશે.

આઝાદી પછી આપણી સાર્વત્રિક ઉપલબ્ધિઓ આંગળીના વેઢે મુકાય એટલી મર્યાદિત રહી છે. પરંતુ તેમાંની એક ઉપલબ્ધિ આપણું વીજળીકરણ છે. છેલ્લાં પચાસ વર્ષ દરમિયાન આપણે National Ajenda તરીકે રાજસ્થાનના રણથી આંદામાન અને હિમાચલ પ્રદેશના અંદરના ભાગ સુધી વીજળીના તાર પહોંચાડી શકયા છીએ. પરંતુ આપણી ઉપલબ્ધિ છૂટીછવાઇ હોઈ વીજળીના તારને વીજપ્રવાહના વાહકથી કંઇક આગળ વધારી “Link rope”તરીકે પ્રસ્થાપિત કરવાનું શક્ય બન્યું નથી. પરંતુ હવે સંચાર માધ્યમોને જે Support Structure જોઇએ છે તે માટે ઘરે ઘરે વીજળી પહોંચાડવાના ધ્યેયને ૧૦૦% સિધ્ધ કરીએ. સાથોસાથ બદલાતા આર્થિક માહોલ વચ્ચે ટી.વી., ટેલિફોન, કમ્પ્યૂટર, મોબાઇલ, ઇન્ટરનેટ જેવાં ત્વરિત સંચાર સાધનોને કરબોજમાંથી મુક્ત રાખીએ તો જન-જનને જોડવાનું કામ સરળ બને.

જગતમાં બનતી ઘટનાઓના સમાચારોનો જે રીતે વિસ્તાર થયો તે બતાવે છે કે સમગ્ર વિશ્વમાં માહિતીની ભૂખ ઉપડી છે અને તેને સંતોષવા જોગ સંચાર માધ્યમો પણ સજ્જ બન્યાં છે. સંચાર માધ્યમોને વધુ બળવત્તર બનાવાય અને સમાચારો પ્રત્યેની જિજ્ઞાસાથી આગળ વધીને લોકમાનસની શૈક્ષણિક સાંસ્કૃતિક જરૂરિયાત માટેના સાધન તરીકે ઢાળવામાં આવે તો કમ સે કમ વ્યક્તિ અને સમાજ લાચારીની પરિસ્થિતિમાંથી બહાર નીકળી જશે. ભારત જેવા મહાકાય દેશમાં સ્વાતંત્ર્યના ૬૯ વરસે પણ આરોગ્ય, પ્રાથમિક શિક્ષણ, વ્યસનમુક્તિ, અસ્પૃશ્યતાની સ્થિતિ પ્રાથમિક કક્ષાથી આગળ વધારી શકાઇ નથી ત્યારે પ્રજાની આમસુખાકારીમાં વધારો કરી શકે તેવા આ કાર્યક્રમોને સમૂહસંચાર માધ્યમ સાથે જોડીએ તો દેશના યુવાધનની માગને પહોંચી વળાશે.

માહિતીના મુક્ત આદાનપ્રદાન અને જનવિકાસની પ્રક્રિયાની વિશેષતા એ રહેવાની કે તે જમીન ઉપર ફેલાયા વિના જ આવજા કરે છે અને આપણા અસ્તિત્વના ખ્યાલને, સંસ્કૃતિના ખ્યાલને અખંડિત રાખે છે. સંચાર માધ્યમો વિજ્ઞાન અને ટેકનોલૉજીનું પદ્ધતિમાં થયેલું રૂપાંતર છે. આથી, સંચાર માધ્યમોનો સંબંધ સંખ્યાત્મક સંદેશાવહન સાથે જોડાયેલ રહે છે. ટી.વી., રેડિયો દ્વારા રૂઢિગત ધાર્મિક બાબતોનો પ્રચાર-પ્રસાર પણ રહેશે, જે વ્યક્તિ માટે મોકળાશની અનુભૂતિરૂપ બનશે.

રાષ્ટ્રીય ધોરી માર્ગ કે રેલ્વે મુસાફરી દરમિયાન સારું ખાવાનું મળે કે ન મળે પણ Internet service ઉપલબ્ધ હોય તે જરૂરી બનતું જાય છે. અસરકારી Communication System વિકસતા ગુજરાતનાં નળસરોવર પાસેના પરનાળી જેવા અંતરિયાળ ગામે ૧૪૦૦ માણસના નાના ખેડૂતો ફોન ઉપર વર્ષે ૧૮ લાખ સુધીનો ધંધો કરે છે. મહુવા અને તળાજાનો ખેડૂત સહકારી મંડળીના સેક્રેટરી પાસે એક બેઠકે કલકત્તા, દિલ્હી અને મુંબઇ ફોન કરાવી પોતાની ડુંગળી કયાં મોકલવી તે નકકી કરે છે. પોતાના સસરાની હાજરીમાં લાજ કાઢીને પણ ખંભાતના અખાતના ભાલ ગામડાંની સ્ત્રીઓ પોતાના હીરા ઘસતા પતિની ખબર Whatsapp ઉપર રાખે છે.

સુરત કે નવસારીના કોડ સાથેના ટેલિફોન નંબરો ગામડાંની બહેનોને હોઠે રમતા હોય છે. ડાંગના જંગલ વિસ્તારથી માંડી મહુવા સુધીનાં ગામડાંઓમાં લગ્ન-પ્રસંગે હવે પ્રચલિત ફિલ્મી ગીતોની કૅસેટ વગાડે છે. કંઠસ્થ શિક્ષણ સંસ્કૃતિના દેશમાં આવું પણ હોઇ શકે તે સ્વયં સુખદ આશ્ચર્ય રહે છે. બદલાતા સમયમાં અવકાશના ટૂંકા રસ્તે સંચાર માધ્યમો ન રોકી શકાય તે ગતિએ ઊભરી રહ્યાં છે ત્યારે તેનો ગુણાત્મક ઉપયોગ કરવાની તત્પરતા દાખવવા જેવી છે. આપણા દેશનો સામાન્ય માણસ તેને માટે તૈયાર છે. સવાલ તંત્રની સજ્જતાનો છે.
ડો.નાનક ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top