SURAT

ભાડભૂત બેરેજની 800 કરોડની યોજનાનો ખર્ચ 13 વર્ષે 5322 કરોડ થઈ ગયો

ભરૂચ જિલ્લાના ઉદ્યોગો, પ્રજા, માછીમારો, ખેડૂતો, જળ અને જમીન માટે PM નરેન્દ્ર મોદીની અતિ મહત્ત્વકાંક્ષી ભાડભૂત બેરેજ યોજના હવે સાકાર થવા તરફ આગળ વધી રહી છે. 2017માં વડાપ્રધાને ભૂમિપૂજન કર્યા બાદ DBL ને કોન્ટ્રાક્ટ અપાયો હતો. શુક્રવારે મુખ્યમંત્રીના સલાહકાર બી.એન.નવલાવાલાએ અન્ય અધિકારીઓ સાથે ભાડભૂત બેરજની ચાલી રહેલી કામગીરીની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. 2012માં ₹800 કરોડ અંદાજાયેલા ખર્ચ સામે 14 વર્ષે 2025માં ₹5322 કરોડમાં યોજના પૂર્ણ થશે.

શુક્રવારના રોજ મુખ્યમંત્રીના સલાહકાર બી.એન.નવલાવાલા સાથે યોજનાનાના સેક્રેટરી કે.બી.રાબડિયા, સી.ઈ. આર.કે.ઝા, એસ.ઇ. આર.જે.રાવ, કલેક્ટર એમ.ડી.મોડિયા, પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર એચ.કે.કટારિયા, ડી.કે.ગામીત સહિતના અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી. અને કામગીરીની સમીક્ષા કરી હતી. ભરૂચ જિલ્લાના ભાડભૂત તરફના છેડેથી આ સમીક્ષાની શરૂઆત કરવામાં આવી હતી. ભાડભૂત બાદ હાંસોટના ઉતરાજ તરફ ટીમ રવાના થઇ હતી અને ત્યાં પણ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેરેજ બનવાથી દહેજ અને હાંસોટ વચ્ચેનું અંતર પણ ઘટી જશે. બેરેજ ઉપર ચારમાર્ગીય લેન બનાવાશે. જેના ઉપરથી વાહનો પસાર થઇ શકશે.

ભાડભૂત ખાતે દરિયાના ખારા જળને નાથવા જિલ્લાના સૌથી મહત્ત્વના ₹5322 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ 8 ઓક્ટોબર-2017માં ભરૂચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો. સરદાર સરોવર ડેમના નિર્માણથી નર્મદા નદીમાં પાણીની આવક ઘટવાના પગલે ભરૂચ નજીક નર્મદા નદીના 65 કિલોમીટર વિસ્તારમાં દરિયાના ખારા પાણીનું સામ્રાજ્ય છેલ્લાં 25-30 વરસોથી જામ્યું હતું. ભાડભૂત બેરેજ યોજના વર્ષ-2012થી કાગળ પર દોડી રહી હતી. જો કે, 15 હજાર માછીમાર પરિવારોના વિરોધના કારણે યોજનામાં વિઘ્નો ઊભા થવા સાથે મૂળ 800 કરોડની આ યોજના 13 વર્ષે 2025માં 6.5 ગણા ખર્ચે પૂર્ણ થાય તેવી શક્યતા છે.

જળસંગ્રહમાંથી કોને કેટલું પાણી અપાશે?

– 500 મિલિયન ક્યુબીક મીટર મીઠા પાણીનો સંગ્રહ– 60 મિલિયન ક્યુબીક મીટર ઘર વપરાશ– 10 મિલિયન ક્યુબીક મીટર લિફ્ટ ઈરિગેશન– 200 મિલિયન ક્યુબીક મીટર ઉદ્યોગો માટે– 130 મિલિયન ક્યુબીક મીટર આરક્ષિત

રાજ્યમાં મત્સ્ય ઉત્પાદનમાં ભરૂચ જિલ્લાનો હિસ્સો 27.80 ટકા

સૂચિત રિપોર્ટમાં રાજયમાં ભરૂચ જિલ્લો મીઠા પાણીનું મત્સ્ય ઉત્પાદનમાં 27.80 ટકાનો મોટો હિસ્સો ધરાવે છે. જ્યારે દરિયાઈ મત્સ્ય ઉત્પાદનનો હિસ્સો માત્ર 0.94 ટકા છે. જે જોતાં મત્સ્યોદ્યોગની માળખાકીય સુવિધાઓ, માછીમારોની રોજગારી અને મત્સ્ય પ્રવૃત્તિના સંદર્ભમાં જિલ્લાનું હાલનું મત્સ્ય વ્યવસાયનું ચિત્ર નિમ્ન કક્ષાનું હોવાનું રિપોર્ટમાં સૂચવાયું હતું. જ્યારે માછીમારોના મત પ્રમાણે વર્ષે તેઓને હિલ્સા માછલી થકી જ કરોડોનું ટર્નઓવર થાય છે.

21 ગામમાં માછીમારોની વસતી 12638

બેરેજના સૂચિત રિપોર્ટમાં 21 ગામમાં કુલ 2520 માછીમાર કુટુંબો વસે છે. જેની કુલ વસતી 12638 હોવાનું દર્શાવાયું છે. સાથે જ માછીમારોની કુલ વસતીના 50 ટકા જ સક્રિય માછીમારો હોવાનું પણ તાકવામાં આવ્યું છે. મત્સ્ય સાધનોની ઉપલબ્ધિમાં દરેક કુટુંબ અંદાજે 50 જાળ ધરાવે છે અને 20 ટકા કુટુંબો યાંત્રિક કે બિનયાંત્રિક હોડીઓ ધરાવતા હોવાનો રિપોર્ટ રજૂ કરાયો હતો. જ્યારે માછીમારોના જણાવ્યા મુજબ જિલ્લામાં 25 હજારથી વધુ પરિવારો હોવાની કેફિયત રજૂ કરાઈ રહી છે.

બેરેજની ડિઝાઈનમાં 1000 વર્ષની ગણતરી

બેરેજની ડિઝાઈન અને બાંધકામ 3 તબક્કામાં પર્યાવરણીય વ્યવસ્થાપન પ્લાનમાં આવરી લેવાયા છે. જેમાં બાંધકામ પહેલાં, પછીનો તબક્કો, કુદરતી આફતો જેવી કે ધરતીકંપ, વાવાઝોડું, ચક્રવાત, સુનામી, ઊંચાં મોજાં ઊછળવાં, પૂર વગેરે સાથે બેરેજની ડિઝાઈનને વર્ગીકૃત કરાઈ છે. ભાડભૂત બેરેજને સૌથી વધુ જોખમ પૂરનું છે અને તેથી જ તેની ગણતરી છેલ્લાં 1000 વર્ષને ધ્યાને રાખી લેવામાં આવી છે. ભરતીના પાણીની સ્થિતિમાં પૂરનું બેરેજના દરવાજા દ્વારા નિકાલ શક્ય છે. દરવાજાનું યોગ્ય સંચાલન દ્વારા કોઈપણ નુકસાન વિના પૂર વ્યવસ્થાપન થઈ શકશે.

બેરેજમાં માછીમારોની સમસ્યા નિવારવા 5 મીટરનો ફિશ પેસેજ

જે-તે સમયે વિયર કમ કોઝવેના જબરદસ્ત વિરોધને લઈ માછીમારોના પ્રશ્નોને લઈ ભાડભૂત બેરેજ પ્રોજેક્ટમાં ફિશ પેસેજની વ્યવસ્થા પણ કરાઈ છે. માછીમારો બેરેજમાંથી પોતાની હોડી દ્વારા દરિયામાંથી નદીમાં અને નદીમાંથી દરિયામાં માછીમારી માટે જઈ શકે એ માટે સૂચિત બેરેજની ડિઝાઈનમાં 5 મીટર પહોળો ફિશ પેસેજ રાખવામાં આવ્યો છે. આ પેસેજથી દરિયામાંથી આવતી હિલ્સા માછલીઓ નદીના મીઠા જળમાં ઈંડાં મૂકવા માટે જઈ શકશે તેવું તારણ પણ આપવામાં આવ્યું હતું.

વિયર કમ કોઝવેની વિશેષતા

– લંબાઈ 1663 મીટર– પહોળાઈ 30 મીટર– ઊંચાઈ 3 મીટર (પાણીની અંદર)– ઊંચાઈ 7 મીટર (પાણીની ઉપર)– દરવાજા 90 વર્ટિકલ– ડિસ્ચાર્જ 77505 ઘન મીટર પ્રતિ સેકન્ડ– બે સ્તંભ વચ્ચેનું અંતર : 15.50 મીટર– પ્રોજેક્ટની કામગીરી 4 વર્ષમાં પૂર્ણ કરાશે– ફ્લડ પ્રોટેક્શન 41.70 કિ.મી. બંને કિનારે– એપ્રોચ રોડ 7.29 કિ.મી. ડાબા અને 6.48 કિ.મી. જમણા કાંઠે– નેવિગેશન ચેનલ 6.45 મીટર પહોળાઈના 2 ગાળા

બેરેજની અગત્યતા અને લાભો

– નર્મદા નદીમાં ધસી આવતા દરિયાઈ પાણીને અટકાવી શકાશે– ભૂગર્ભ જળની ગુણવત્તા સુધરશે– 599 મિલિયન ક્યુબીક મીટર મીઠા પાણીનું સંગ્રહ શક્તિ ધરાવતું જળાશય બનશે– સંગ્રહિત થયેલ મીઠું પાણી ભરૂચ તાલુકાનાં ગામોને પીવા માટે મળી રહેશે – દહેજના ઉદ્યોગોને વપરાશમાં મીઠું પાણી મળી રહેશે– ભરૂચ-અંકલેશ્વર જીઆઈડીસીને ઔદ્યોગિક વપરાશ માટે પાણી પૂરું પાડી શકાશે– દહેજ–સુરત વચ્ચેના અંતરમાં 18 KMનો ઘટાડો અને ઈંધણમાં બચત થશે

ભરતીના સમયે TDSનું પ્રમાણ 34000

નેરી દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ અનુસાર નર્મદા નદીમાં જળસ્તર ઘટવાના કારણે બેક વોટર ઈફેક્ટથી દરિયાના પાણી નર્મદા નદીમાં આવી જતાં ખારાશની સમસ્યાથી ભરૂચ જિલ્લો ઘણાં વરસોથી પ્રભાવિત રહ્યો છે. વિયર કમ કોઝવે પ્રોજેક્ટના ભાગરૂપે કેન્દ્ર સરકારની નેરી સંસ્થા દ્વારા લખીગામથી કબીરવડ સુધી 35 કિ.મી. સુધી નર્મદા નદીમાંથી વિવિધ તબક્કે પાણીનાં સેમ્પલોની તપાસણી કરવામાં આવી હતી. જેમાં દરિયાઈ લોટાઈડ (ભરતી સમયે) નર્મદા નદીના પાણીમાં 1000થી લઈ 5000 ટીડીએસની માત્રા આવી છે. જ્યારે ભરતી સમયે 34000થી 39000 સુધી ટીડીએસની માત્રા નોંધાઈ છે. જે પીવાલાયક પાણીના 100થી 150 TDS કરતાં અનેકગણું વધુ હોવાથી નર્મદાના પાણી પીવાલાયક નથી.

Most Popular

To Top