Editorial

રાજસ્થાનમાં અશોક ગેહલોતે શરૂ કરેલો વિવાદ તેમની રાજકીય કારકિર્દી પુરી કરે તેવી સંભાવના

કોંગ્રેસને ફરીથી દેશ અને રાજ્યમાં સત્તા પર બેસાડવા માટે રાહુલ ગાંધી દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે પરંતુ તેમના જ પક્ષના નેતાઓ આંતરિક લડાઈઓમાંથી ઉંચા આવતા નથી અને તેને કારણે કોંગ્રેસ એક ડગલું આગળ ચાલે તો બે ડગલા પાછળ ધકેલાઈ જાય છે. તેમાં પણ કોંગ્રેસના જૂના જોગીઓ સુધરવાનું નામ લેતા નથી. અગાઉ જ્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણીઓ થઈ ત્યારે બંને રાજ્યોમાં કોંગ્રેસે સત્તા મેળવી હતી. પરંતુ આંતરિક માથાકૂટમાં જ જ્યોતિરાદિત્ય સિંધીયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા અને તેને કારણે કોંગ્રેસે મધ્યપ્રદેશમાં સત્તા ગુમાવી.

મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસના નવા અને જૂના નેતા વચ્ચેનો સંઘર્ષ હતો. કોંગ્રેસે મુખ્યમંત્રી તરીકે કમલનાથની પસંદગી કરી અને જ્યોતિરાદિત્ય સિંધીયા નારાજ થઈ ગયા. થોડો સમય બધુ ચાલ્યું પરંતુ બાદમાં વિસ્ફોટ થયો અને સિંધીયા ભાજપમાં જતાં રહ્યા. સિંધીયા અને કમલનાથ લડ્યા તેમાં નુકસાન કોંગ્રેસને થયું. સત્તા તો ગઈ અને કમલનાથ પણ સત્તા વગરના થઈ ગયા.
મધ્યપ્રદેશમાં આ સ્થિતિ થઈ હોવા છતાં પણ રાજસ્થાનના અશોક ગેહલોત અને સચિન પાયલોટ સુધરવાનું નામ લેતા નથી. રાજસ્થાનમાં કોંગ્રેસની સત્તા આવ્યા બાદ અશોક ગેહલોતને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

જોકે, ગેહલોતને સતત ડર રહે છે કે સચિન પાયલોટ તેમની સત્તા લઈ લેશે. આ કારણે જ ગેહલોતે કોંગ્રેસનું રાષ્ટ્રીય પ્રમુખપદ પણ જતું કર્યું છે. કોંગ્રેસ હાઈકમાન્ડે અશોક ગેહલોતને કોંગ્રેસના પ્રમુખ બનાવવા માટે ફોર્મ પણ ભરાવી દીધું હતું પરંતુ ગેહલોતના સમર્થકોએ બળવો કરતાં કોંગ્રેસ હાઈકમાન્ડે ગેહલોતને ફરી રાજસ્થાન મોકલી દીધા હતા અને પ્રમુખપદે મલ્લિકાર્જુન ખડગેને બેસાડ્યા હતા. જોકે, આ વાત હજુ સમી નથી ત્યાં ફરી રાજસ્થાનમાં ઘમાસાણ શરૂ થઈ ગયું છે.
રાહુલ ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલી ભારત જોડો યાત્રા હાલમાં મધ્યપ્રદેશમાં ફરી રહી છે અને આગામી દિવસોમાં રાજસ્થાનમાં તેનો પ્રવેશ થશે. રાજસ્થાનમાં આ યાત્રા પ્રવેશે તે પહેલા જ અશોક ગેહલોતે સચિન પાયલોટને ગદ્દાર કહી દીધા છે.

જ્યારથી ગેહલોતે બળવો કર્યો ત્યારથી કોંગ્રેસ હાઈકમાન્ડ તેનાથી ખફા છે. અશોક ગેહલોત આ વાત જાણે છે અને તેને કારણે જ તેણે યાત્રાના પ્રવેશવાના સમયે જ માથાકૂટ શરૂ કરી છે. અશોક ગેહલોતે આવું એટલા માટે કર્યું છે કે, હાઈકમાન્ડને દબાવી શકે. કારણ કે ગેહલોતના ટેકા વિના રાજસ્થાનમાં ભારત જોડો યાત્રાને એટલી સફળતા મળે તેમ નથી. અશોક ગેહલોતે સચિન પાયલોટ પર કરેલા આક્ષેપોનો સચિન પાયલોટે સામે જવાબ પણ આપ્યો છે. અશોક ગેહલોતે સમજી વિચારીને જ આ નિવેદનો કર્યા છે કે જેથી હાઈકમાન્ડ ભારત જોડો યાત્રા માટે તેમના ઘુંટણિયે પડી જાય. જોકે, એક વખત નારાજ હાઈકમાન્ડ હવે અશોક ગેહલોતથી ભારે ખફા છે.

અશોક ગેહલોત જાણે છે કે, રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સરકાર બદલાઈ જાય છે. આગામી ચૂંટણીમાં આ પરંપરા પ્રમાણે કોંગ્રેસની રાજસ્થાનમાં સરકાર આવે તેવી સંભાવના ઓછી છે. આ સંજોગોમાં અશોક ગેહલોત કેસરીયા કરવાના મૂડમાં છે કે જેથી ચૂંટણી સુધી તેમની સરકાર જળવાયેલી રહે. અશોક ગેહલોતે વિવાદનો મધપૂડો છંછેડી દીધો છે ત્યારે હવે કોંગ્રેસ હાઈકમાન્ડ તેને સાંખી લેવા માટે તૈયાર નથી. આ સંજોગોમાં આ વિવાદ અશોક ગેહલોતની રાજકીય કારકિર્દી પુરી કરી નાખે તો નવાઈ નહી હોય.

Most Popular

To Top