Columns

જ્ઞાનવાપી મસ્જિદમાં પૂજા કરવાનો હિન્દુઓનો કેસ માત્ર દાખલ કરવામાં આવ્યો છે

ભારતમાં ન્યાયની પ્રક્રિયા જટિલ છે અને અત્યંત ધીમી પણ છે. કાશીમાં આવેલા પ્રાચીન વિશ્વેશ્વર મહાદેવના મંદિરને તોડીને તેની જગ્યાએ જ્ઞાનવાપી મસ્જિદ બનાવી દેવામાં આવી છે, તે દીવા જેવી સ્પષ્ટ હકીકત હોવા છતાં હવે તે સ્થાને ફરીથી મંદિર બનાવી શકાય તેમ નથી; કારણ કે તેમાં ૧૯૯૧ નો પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ નડે છે. આ કાયદો બાબરી મસ્જિદ જેવો વિવાદ ભારતના બીજા ભાગોમાં ન થાય તે માટે નરસિંહ રાવની સરકારે બનાવ્યો હતો, જેમાં લખવામાં આવ્યું છે કે ૧૯૪૭ ની ૧૫ મી ઓગસ્ટે કોઈ પણ ધાર્મિક સ્થળનો જે દરજ્જો હોય તે બદલી શકાય નહીં. અર્થાત્ ૧૫ મી ઓગસ્ટે કોઈ સ્થળ મસ્જિદ તરીકે ગણાતું હોય તો તેને પાછું મંદિરમાં રૂપાંતરિત કરી શકાય નહીં. આ કાયદામાં માત્ર બાબરી મસ્જિદનો અપવાદ જ રાખવામાં આવ્યો હતો. આ કાયદાને કારણે જ્ઞાનવાપી મસ્જિદનું રૂપાંતર મંદિરમાં કરવાનો કેસ કોઈ કોર્ટમાં ટકી શકે તેમ નથી.

સોમવારે વારાણસીની જિલ્લા અદાલતે ઠરાવ્યું હતું કે પાંચ હિન્દુ મહિલાઓ દ્વારા કાશીની જ્ઞાનવાપી મસ્જિદમાં શ્રૃંગાર ગૌરી, ગણેશ વગેરે મૂર્તિઓની પૂજા કરવાના અધિકાર માટે જે કેસ કરવામાં આવ્યો છે, તે ટકી શકે તેવો છે અને તેને કોર્ટમાં આગળ ચલાવી શકાય તેમ છે. મુસ્લિમ પક્ષકારો દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે ‘‘આ કેસ મસ્જિદનું રૂપાંતર મંદિરમાં કરવા માટેનો છે, માટે ૧૯૯૧ ના પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ મુજબ તે ટકી શકે તેવો નથી.’’

વારાણસીના જિલ્લા ન્યાયાધીશ અજય ક્રિશ્ના વિશ્વેશે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે ‘‘અરજદારોની માગણી મસ્જિદનું રૂપાંતર મસ્જિદમાં કરવાની નથી પણ મસ્જિદમાં પરાપૂર્વથી આવેલી હિન્દુ દેવીદેવતાઓની મૂર્તિઓની પૂજા કરવાની છે, માટે તેને દાખલ કરવામાં કોઈ વાંધો નથી.’’ વારાણસીની કોર્ટ દ્વારા હજુ હિન્દુ મહિલાઓની પૂજા કરવાની અરજી દાખલ કરવામાં આવી છે. હવે કેસ ચાલશે અને ચુકાદો આવશે ત્યારે કદાચ પૂજા કરવાનો અધિકાર માન્ય કરવામાં આવશે.

૨૦૨૧ ના  ઓગસ્ટમાં વારાણસીની જિલ્લા અદાલતમાં પાંચ હિન્દુ મહિલાઓ દ્વારા કેસ કરવામાં આવ્યો હતો કે તેઓ છેક ૧૯૯૩ સુધી જ્ઞાનવાપી મસ્જિદની દિવાલમાં આવેલી હિન્દુ દેવીદેવતાઓની મૂર્તિઓની પૂજા કરતી હતી, માટે તેમને પૂજા કરવાનો અધિકાર આપવામાં આવે. ત્યાર બાદ ઉત્તર પ્રદેશની સરકારે મુસ્લિમોનું તુષ્ટિકરણ કરવા કાયદો કર્યો કે જ્ઞાનવાપી મસ્જિદમાં હિન્દુઓ વર્ષમાં એક જ વખત પૂજા કરી શકશે.

આ કેસની પ્રાથમિક સુનાવણી કર્યા પછી કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના પરિસરનો વીડિયો સર્વે કરવાનો આદેશ કર્યો હતો, જેનો પણ મુસ્લિમ પક્ષકારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોર્ટે વિરોધને ગણકાર્યા વગર વીડિયો સર્વે પૂરો કરવા જણાવ્યું હતું. વીડિયો સર્વેમાં મુસ્લિમો જ્યાં વજુ કરતા હતા ત્યાં શિવલિંગ આકારનો પથ્થર મળી આવ્યો હતો. મુસ્લિમોનો દાવો હતો કે તે શિવલિંગ નહોતું પણ ફુવારો હતો. હિન્દુઓની લાગણીને માન આપીને કોર્ટે શિવલિંગની આજુબાજુના વિસ્તારને સીલ કરવાનો આદેશ કર્યો હતો.

મસ્જિદનો વિસ્તાર સીલ કરવાના વારાણસીની કોર્ટના આદેશને મુસ્લિમ પક્ષકારો દ્વારા સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રિમ કોર્ટે શિવલિંગનું રક્ષણ કરવાની સૂચના સાથે વારાણસીની કોર્ટને આદેશ કર્યો હતો કે તેણે આ કેસ ટકવાપાત્ર છે કે કેમ? તે બાબતમાં ૧૯૦૮ ના ક્રિમિનલ પ્રોસિજર કોડના ઓર્ડર ૭, રૂલ ૧૧ મુજબ નિર્ણય કરવો જોઈએ. આ કલમ મુજબ અમુક જાતના કેસો કોર્ટમાં ચાલી શકતા નથી. સુપ્રિમ કોર્ટે ઉપરોક્ત વચગાળાનો આદેશ તા. ૧૭ મે, ૨૦૨૨ ના રોજ આપ્યો હતો અને તે જિલ્લા અદાલતના ચુકાદાથી ૮ સપ્તાહ માટે હતો.

આ કેસની સુનાવણી વારાણસીના જિલ્લા ન્યાયાધીશ અજય ક્રિશ્ના વિશ્વેશની કોર્ટમાં કરવામાં આવી હતી. પહેલાં તો તેમણે એ નક્કી કરવાનું હતું કે આ કેસ ટકવાપાત્ર છે કે નહીં? તેનો નિર્ણય કરવા માટે તેમણે કઈ વાત પર આધાર રાખવાનો હતો? હિન્દુ અરજદારોનો દાવો હતો કે કેસની દાખલપાત્રતા નક્કી કરવા માટે કોર્ટે અરજદારો વતી જે માહિતી આપવામાં આવે તેના પર જ આધાર રાખવાનો હોય છે, પણ તેની સત્યતા નક્કી કરવાની જરૂર નથી. તે કામ જ્યારે અદાલતમાં કેસ ચાલે ત્યારે જ કરવાનું હોય છે. મુસ્લિમ પક્ષકારોનો આગ્રહ હતો કે કેસને દાખલ કરતાં પહેલાં કોર્ટે તેની યોગ્યતાની પણ ચકાસણી કરવી જોઈએ અને જો તેમાં જરા જેટલી શંકા પણ જણાય તો કેસને પ્રારંભમાં જ રદ કરી નાખવો જોઈએ. કોર્ટે કહ્યું હતું કે દાખલપાત્રતા નક્કી કરતી વખતે કોર્ટે મુસ્લિમ પક્ષકારો દ્વારા ઉઠાવવામાં આવેલી શંકાઓનો જવાબ આપવાની જરૂર નથી.

હિન્દુ પક્ષકારો દ્વારા દલીલ કરવામાં આવી હતી કે તેઓ મસ્જિદનું રૂપાંતર મંદિરમાં કરવા માટેની માગણી કરતા નથી; પણ મસ્જિદમાં આવેલી હિન્દુ મૂર્તિઓની પૂજા કરવાનો અધિકાર જ માગી રહ્યા છે. કોaર્ટે કહ્યું હતું કે જો અરજદારોનો આ દાવો સાચો હોય તો તેમનો કેસ ૧૯૯૧ ના પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટની કલમ ૪ થી બાધિત થતો નથી. કલમ ૪ મુજબ ભારતની કોઈ પણ કોર્ટ ૧૯૪૭ ની ૧૫ મી ઓગસ્ટે ધાર્મિક સ્થળનો જે દરજ્જો હોય તેને બદલવા માટેની અરજી સ્વીકારી શકતી નથી. વારાણસીની કોર્ટે નિર્ણય કર્યો હતો કે હિન્દુ પક્ષકારો દ્વારા જે કેસ કરવામાં  આવ્યો છે, તેને દાખલ કરવા માટે ૧૯૯૧ ના પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટની કલમ ૪ વચ્ચે આવતી નથી.

આ તબક્કે કોર્ટે અરજદારો દ્વારા કરવામાં આવેલા દાવાઓ સામે જ જોવાનું છે. આ દાવાઓ પુરવાર કરવાની જવાબદારી તેમની છે. હવે કેસ ચાલશે અને અરજદારો દ્વારા તેમનો દાવો પુરવાર કરવામાં આવશે તો મસ્જિદમાં પણ પૂજા કરવાની પરવાનગી મળી જશે. જો દેશની એક મસ્જિદમાં આવી પરવાનગી આપવામાં આવશે તો જેટલી મસ્જિદો મંદિરોના કાટમાળ પર બાંધવામાં આવી છે તે બધામાં તેવી માગણી કરવામાં આવશે. ઇસ્લામના નિયમ મુજબ જો કોઈ જગ્યામાં મૂર્તિઓની પૂજા થતી હોય તો ત્યાં નમાજ પઢી શકાતી નથી. આ રીતે ૧૯૯૧ના પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટને ચાતરીને હિન્દુઓ દ્વારા મસ્જિદોનું રૂપાંતર મંદિરોમાં કરવાનો ઉપાય શોધી કાઢવામાં આવ્યો છે.

મુસ્લિમ પક્ષકારો દ્વારા દલીલ કરવામાં આવી હતી કે આ જગ્યા પર છેક ૧૬૬૯ ની સાલથી મસ્જિદ છે અને તેની નોંધણી પણ વક્ફ તરીકે થયેલી છે. વળી મસ્જિદનો વહીવટ કરતી કમિટિ પાસે જમીનની માલિકીના દસ્તાવેજો પણ છે. કોર્ટે તેના જવાબમાં જણાવ્યું હતું કે આ દલીલ બહુ કામની નથી, કારણ કે અરજદારો દ્વારા મસ્જિદનું રૂપાંતર મંદિરમાં કરવાની માગણી જ કરવામાં આવી નથી. તેમણે તો માત્ર મસ્જિદમાં હિન્દુ મૂર્તિઓની પૂજા કરવાનો અધિકાર માગ્યો છે. તેમણે વિવાદિત જગ્યાને મંદિર જાહેર કરવા માટે અદાલતમાં દાવો દાખલ કર્યો નથી.

મુસ્લિમો દ્વારા વારાણસીની દિવાની અદાલતનો ૧૯૩૭ નો ચુકાદો પણ ટાંકવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું મસ્જિદની જગ્યાના માલિકો મુસ્લિમો છે અને તેમને ત્યાં નમાજ પઢવાનો અધિકાર છે. અરજદારોએ કહ્યું હતું કે આ ચુકાદો હિન્દુ પક્ષકારોને બંધનકર્તા નથી, કારણ કે તેઓ તે કેસમાં પક્ષકાર નહોતા. તેમની પક્ષકાર બનવાની અરજી નકારી કાઢવામાં આવી હતી. હવે હિન્દુઓ દ્વારા પહેલો કોઠો ભેદાઈ ગયો છે, પણ બીજા સાત કોઠાઓ ભેદવાના બાકી છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top