એક કચરાના ઢગલા પર એક નાનકડો છોડ ઊગી નીકળ્યો. થોડા સમય પછી તે છોડ મોટો થવા લાગ્યો અને તેના પર એક સુંદર ફૂલ ખીલ્યું. તે ફૂલમાંથી મનમોહક સુગંધ પ્રસરી રહી હતી. આ કચરાના ઢગલામાં કામ કરતા એક સફાઈ કર્મચારી સાથે તેનો નાનો દીકરો પણ હતો. તેની નજર તે ફૂલ પર પડી. તેણે પોતાના પપ્પાને ફૂલ બતાવતાં કહ્યું, “પપ્પા, જુઓ તો! દૂર પેલા કચરાના ઢગલા પર ફૂલ ખીલ્યું છે. શું આ ફૂલમાંથી પણ આ કચરા જેવી દુર્ગંધ આવતી હશે?” તેના પપ્પા તેને તેડીને ફૂલ પાસે લઈ ગયા. તેમણે તે ફૂલ તોડીને તેના હાથમાં આપ્યું. નાનકડા દીકરાએ તરત જ ફૂલને પોતાના નાક પાસે લઈ જઈને સૂંઘ્યું. તેને લાગતું હતું કે ફૂલમાંથી કચરાની વાસ આવશે, પરંતુ ફૂલમાંથી તો એકદમ મીઠી સુગંધ આવી રહી હતી.
થોડીવાર માટે તો તે એ સુગંધમાં ખોવાઈ ગયો. પછી તેણે પોતાના પપ્પાને પૂછ્યું, “પપ્પા, આ ફૂલમાંથી તો કેટલી સરસ સુગંધ આવે છે!” તેના સફાઈ કર્મચારી પપ્પાએ કહ્યું, “દીકરા, આ ફૂલનું કામ સુગંધ ફેલાવવાનું છે અને તે પોતાનું કામ નિષ્ઠાથી કરી રહ્યું છે. ફૂલ ક્યારેય ફરિયાદ કરતું નથી કે તેને કેવી માટીમાં ઉગાડવામાં આવ્યું છે. તે તો બસ ઉગે છે, ખીલે છે અને પોતાની સુગંધ ફેલાવે છે. અહીં તો આ ફૂલ કચરાના ઢગલામાંથી પોષણ મેળવીને ઊગેલા છોડ પર ખીલ્યું છે, છતાં તે માત્ર સુગંધ જ ફેલાવે છે. તેણે પોતાની પરિસ્થિતિ અંગે કોઈ ફરિયાદ કરી નથી. તું પણ જીવનમાં આવું જ કરજે.”
નાના છોકરાએ કહ્યું, “પપ્પા, હું કંઈ ફૂલ થોડો છું કે આવી રીતે ખીલીને સુગંધ ફેલાવું?” સફાઈ કર્મચારીએ પોતાના દીકરાને ઊંચકીને પ્રેમથી સમજાવ્યું, “દીકરા, તારો જન્મ ભલે મારા જેવા સફાઈ કર્મચારીના ઘરે થયો છે, પરંતુ તું જીવનમાં ક્યારેય કોઈ ફરિયાદ કર્યા વિના આગળ વધજે. મન લગાવીને ભણજે અને ભણી-ગણીને પોતાના જીવનને સુખ, સફળતા અને ખુશીની સુગંધથી મહેકાવજે.” નાનકડા દીકરાએ હસતાં-હસતાં હા પાડી. આપણે પણ ફૂલ જેવા બનીએ. ઈશ્વરે આપણને જે કોઈપણ સ્થિતિમાં અને સંજોગોમાં રાખ્યા હોય, તેની ફરિયાદ કર્યા વિના દરેક પરિસ્થિતિમાં હસતા રહીએ, મહેનત કરતા રહીએ અને ભક્તિ તથા સેવાને જીવનમાં સ્થાન આપીને પોતાના તેમજ અન્યના જીવનમાં પ્રેમ, આનંદ અને સુવાસ ફેલાવીએ.