Columns

ભક્તિ કરવાનો સર્વોત્તમ દિવસ

‘ઈશ્વર સુધી પહોંચવાનો અને ઈશ્વરને પામવાનો એક માત્ર સહેલો રસ્તો છે ‘ભક્તિ’.‘‘ઈશ્વરને તમે સાચી આસ્થા સાથે કોઇ પણ રીતે ભજી શકો,જયારે મન થાય ત્યારે ભજી શકો, બસ એક જ શરત છે કે મનમાં સંપૂર્ણ શ્રધ્ધા હોવી જોઈએ.’’એક સંત ભક્તિ જેવા ગહન વિષય પર સરળ રીતથી સમજાવી રહ્યા હતા. હજારોની સંખ્યામાં શ્રોતાજનો સંતશ્રીની વાત સાંભળી રહ્યાં હતાં.સંતશ્રીએ કહ્યું, ‘‘જીવનમાં અંતરનો સાચો આનંદ અને શાંતિની અનુભૂતિ માટે ભક્તિરસમાં તરબોળ થવું જોઈએ.ભક્તિ નિયમિત કરવી જોઈએ, પણ કદાચ જો રોજ શક્ય ન બને તો જયારે સમય મળે ભાવપૂર્વક ભક્તિરસમાં ડૂબી જવું જોઈએ.’’

આગળ સંતશ્રીએ ભક્તિ કરવાની રીત, ભક્તિના વિધ વિધ પ્રકાર,નવધા ભક્તિ વગેરે ઘણી બાબતો પર સમજ આપી અને બને એટલું સરળ રીતે ભક્તિના મહત્ત્વને સમજાવ્યું. પ્રવચન પૂરું થતાં એક વ્યક્તિએ ઊભા થઈને સંતશ્રીને પૂછ્યું, ‘‘બાપજી, આપે ભક્તિનું મહત્ત્વ સમજાવ્યું, કોઇ પણ રીતે અને જયારે કરવી હોય ત્યારે ભક્તિ કરી શકાય તેમ કહ્યું પરંતુ મારે જાણવું છે કે ભક્તિ કરવા માટે સૌથી સારો,મહત્ત્વનો દિવસ ક્યો? અને કયા દિવસે ભક્તિ કરવાથી સર્વોત્તમ ફળ મળે?’’ સંતશ્રીએ સ્મિતસહ જવાબ આપ્યો કે ભક્તિ કરવાનો સર્વોત્તમ દિવસ છે તમારા મૃત્યુના દિવસથી એક આગળનો દિવસ. જે દિવસે મૃત્યુ હોય તેના આગલા દિવસે ભક્તિ કરવી જરૂરી અને સર્વોત્તમ છે.’’ સંતનો આવો વિચિત્ર જવાબ સાંભળી પ્રશ્ન પૂછનાર વ્યક્તિ અને બીજાં બધાં નવાઈ પામ્યાં.

પ્રશ્ન પૂછનાર વ્યક્તિએ ધીમેથી પૂછ્યું, ‘‘પરંતુ ..બાપજી, આપણું મૃત્યુ ક્યારે થવાનું છે તેની કયાં આપણને ખબર હોય છે.મૃત્યુનો ક્યાં કોઈ નિશ્ચિત સમય હોય છે? તો ક્યારે અને કયા દિવસે ભક્તિ કરવી?’’ સંતે હસીને જવાબ આપ્યો, ‘‘ભાઈ ઈશારો સમજ, જિંદગીના દરેક દિવસને આખરી સમજ, કાલે જ મૃત્યુ છે અને માત્ર આજનો દિવસ જ છે ઈશ્વર ભક્તિ કરવા માટે તેમ સમજીને પ્રભુભક્તિ કરવાની શરૂ કરી દે. રોજ જ ભક્તિ કરવી જરૂરી છે. તું એમ જ સમજ કે આજે તારો છેલ્લો દિવસ છે અને ભક્તિ કર.ભક્તિ કરવા સર્વોત્તમ દિવસ શોધવા જવાની જરૂર નથી. માત્ર શ્રધ્ધા સાથે ભક્તિ કરવાની જરૂર છે.ભક્તિરસમાં ડૂબી જવું જ સર્વોત્તમ છે.દરેક દિવસને આખરી ગણીને પ્રભુનામ લો.’’સંતે સચોટ જવાબ આપ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top