Dakshin Gujarat

તાપી જિલ્લામાં સરકારી-અર્ધ સરકારી છાત્રાલયોમાં બેઠકમાં વધારો કરો

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપી દ્વારા સરકારી તકેદારી હેઠળ ચાલતી કુમાર અને કન્યા છાત્રાલય તેમજ અર્ધ સરકારી સંસ્થા મારફતે ચાલતા છાત્રાલયોમાં સીટ વધારવા અને બંધ હોસ્ટેલો વહેલી તકે ચાલુ કરવા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. આ આવેદનમાં જણાવ્યું હતું કે, તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે. જેઓને અવરજવરમાં ઘણી તકલીફો પડતી હોય છે. તેથી વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરી શકે એ માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

જેમાં તાપી જિલ્લાની તમામ કોલેજોમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગયેલી હોવાથી હાલમાં તાપી જિલ્લાની તકેદારી હેઠળ ચાલતી કુમાર અને કન્યા છાત્રાલય અને અર્ધ સરકારી, સંસ્થા મારફતે ચાલતી છાત્રાલયોની નિયત સંખ્યા પૂર્ણ થઈ રહી છે. આથી તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાંથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને હોસ્ટેલોમાં એડમિશન આપવામાં આવે અને સીટો વધારવામાં આવે એ માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપી જિલ્લા દ્વારા કલેક્ટર પાસે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આવેદન આપતી વેળાએ ABVP ગુજરાત પ્રાંત સહમંત્રી વીરતી શાહ, ABVP તાપી જિલ્લા સંયોજક વિશાલ પટેલ, સહસંયોજક નંદની સોની, ગુજરાત પ્રાંત કારોબારી સભ્ય નીલ સૂર્યવંશી, મંત્રી આશિષ ગામીત, સહમંત્રી મોહિત સોની, બ્રિજેશસિંહ બારડ, શિવાની મિશ્રા સહિતનાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Most Popular

To Top