Gujarat

તાપી જિલ્લામાં બારેમેઘ ખાંગા થયા, ૬૧ રસ્તા વાહનચાલકો માટે બંધ કરી દેવાયા

વ્યારા: તાપી (Tapi) જિલ્લામાં ભારે વરસાદને (Heavy Rain) કારણે ફરી એકવાર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કુકરમુંડા તાલુકાનાં વિવિધ ગામોમાં ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ભરાતાં અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. કુકરમુંડામાં ભારે વરસાદને કારણે તથા સાતપુડાના પર્વતીય પ્રદેશમાં પડેલા ભારે વરસાદના કારણે કેવડામોઇ, તુલસા તથા ગોરાસા ગામના કેટલાંક ઘરોમાં પાણી ભરાઇ ગયાં હતાં. અસરગ્રસ્તોને નજીકના સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વરસાદ ઓછો થતાં ગરનાળામાં ફસાયેલા તથા પર્વતીય પ્રદેશ તરફથી વહીને આવેલા કચરાનો જેસીબીથી નિકાલ કરાવવામાં આવ્યો હતો. ઘરોમાં ભરાયેલા પાણી ઓસરી જતાં અસરગ્રસ્તો પોતાના ઘરે પરત ફર્યા હતાં. નુકસાન થયેલી ઘરવખરીની સરવેની કામગીરી જિલ્લા તંત્ર દ્વારા શરૂ કરી દેવાઈ છે તથા કેશડોલ ચૂકવવાની કામગીરી પણ હાલ શરૂ કરવામાં આવી છે.

તાપી જિલ્લા પંચાયત હસ્તકના ૬૧ જેટલા રસ્તા લો લેવલ કોઝ-વે પરથી પાણી ફરી વળતાં આ રસ્તાઓ વાહનચાલકો માટે બંધ કરી દેવાયા છે. તાપી જિલ્લા પંચાયતનાં વ્યારાનાં ૧૪, ડોલવણના ૮, વાલોડનાં ૧૨, સોનગઢના ૨૭ રસ્તાને અસર થઇ હતી. જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદને કારણે વ્યારા સેવાસદન પાસે હેલિપેડનો રસ્તો, વ્યારા તાલુકાના માલોઠા ગામ તરફનો રસ્તો, ઉકાઈ-બોરદા રોડ, સહિત વિવિધ માર્ગો ઉપર ઝાડ ધરાશાયી થઈ જતાં થોડાક સમય માટે વાહન વ્યવહારને અસર થઈ હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક અસરથી માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ અને પંચાયતના કર્મચારીઓ, ગામના આગેવાનો દ્વારા તાત્કાલિક અસરથી ઝાડને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રસ્તા તાત્કાલિક ધોરણે ખુલ્લા કરાયા હતા.

વ્યારા તાલુકાના પૂર્વ પટ્ટી જંગલ અંતરિયાળ વિસ્તારમાં હાલ પૂરની સ્થિતિ
લખાલીથી ચીચબરડી, વડપાડા, રાણીઆંબા, ઢોંગી આંબા, વાલોઠા, ભુરીવેલ, લખાલી આ સાત ગામોને જોડતો કોઝ-વે હાલ પાણીમાં ગરકાવ હોય સાત ગામો સંપર્ક વિહોણા બન્યા છે આ કોઝ-વેની ઉપર એક સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા અને સરકારી આરોગ્ય કેન્દ્ર હોય ત્યાંના મેડિકલ ઓફિસર, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો, દર્દીઓ માટે રસ્તો સદંતર બંધ છે. પૂલના અભાવે લોકો જીવના જોખમે આ રસ્તો ક્રોસ કરવા મજબૂર બન્યા છે.

માંડવી-શેરુલ્લા રોડ ઉપર પુલના વૈકલ્પિક માર્ગ જાહેર કરાયા
માંડવી-શેરુલ્લા રોડ ઉપર ખેરવાડા ગામ પાસે અંજના નદી પર તથા લીંબી ગામ પાસે ધામણી નદી પર આવેલા પુલ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરીને અવરજવર માટેના વૈકલ્પિક માર્ગ તરીકે સોનગઢથી માંડવી જવા માટે સોનગઢથી ઇન્દુ (વ્યારા) એન.એચ.એ.આઈ.-૫૩ તથા ઇન્દુથી માંડવી (ઊંચામાળા-બેડકૂવા-રતનીયા-તરસાડા) એન.એચ.-૫૬ રોડનો ઉપયોગ કરવા અંગે જણાવ્યું છે.

લાંગડ રસ્તાના વૈકલ્પિક માર્ગના ઉપયોગ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
સોનગઢ રસ્તા ૫૨ ગીરા નદી પરના હયાત કોઝ-વેના સ્થાને “માઇનોર બ્રિજ” બનાવવાનું કામ પ્રગતિ હેઠળ છે. હાલ ચોમાસાની સિઝન ચાલુ હોવાથી ગીરા નદીમાં વરસાદનું પાણી મોટા પ્રમાણમાં આવતું હોય રસ્તો કામચલાઉ ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. સોનગઢ તાલુકાના કન્સ્ટ્રક્શન ઓફ માઇનોર બ્રિજ એટ લાંગડ એપ્રોચ રોડ ચેઇનેજથી લાંગડ રસ્તા પરથી વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. વૈકલ્પિક માર્ગ તરીકે લાંગડ એપ્રોચ રોડ, લાંગડથી ધુસરગામને જોડતો (કાચો રસ્તો), ધુસરગામ એપ્રોચ રોડ જોઇનિંગ સોનગઢ ઓટા રોડ, ઓટા ભોરથવા રોડ, સોનગઢ ઓટા રોડનો ઉપયોગ કરવા જણાવ્યું છે.

Most Popular

To Top